ભાગ · અધ્યાય ૧૦૮

ગણેશના રિદ્ધિ-સિદ્ધિ સાથે લગ્ન

શ્રીનારાયણ કહે : વિશ્વરૂપ પ્રજાપતિ રિદ્ધિ-સિદ્ધિ કન્યાઓને લઇ શંકર પાસે આવ્યા. બંને કન્યાઓ ગણેશના રૂપ ગુણ જોઇ ગણેશને વરી. ગણેશના લગ્ન ધામધૂમથી થયા. ત્રિલોકમાંથી સર્વે મહેમાનો આવ્યા. બધાએ દંપતીને આશીર્વાદ આપ્યા. ગણેશ તે બંને પત્નીઓથી સુખ પામ્યા. આલોકમાં જેનું ભાગ્ય ફૂટી જાય તેને બે પત્ની થાય. બે પત્નીવાળો અડધો મરેલો છે. એક સેવા કરે બીજી ઇર્ષ્યા કરે. એકને પુત્ર થાય બીજી નિંદા કરે. એક રૂપવાળી હોય તો બીજીનો ઉત્સાહ ભાંગી જાય. ખાવા-પીવા રહેવામાં સર્વે રીતે દુ:ખ, સાક્ષાત કુંભીપાક નરક જેવું દુ:ખ તેથી એક પત્નીવાળાને સ્વર્ગસમાન સુખ રહ્યું છે. પછી કાર્તિક ત્યાં આવ્યા. ગણેશના લગ્ન થઇ ગયા જાણી માતા-પિતાને નમસ્કાર કરીને ક્રોધ કરી ક્રૌચ પર્વત ઉપર તપ કરવા ચાલ્યા ગયા. પાર્વતી શંકરને કહે : આપણે પણ ત્યાં કાર્તિક પાસે જઇએ. શિવ-પાર્વતી ત્યાં મલ્લીકાર્જુન નામથી સ્થાપન થયેલા છે. કાર્તિક ત્યાં તપ કરી પ્રભુને પ્રસન્ન કરી સ્વામી પદ પ્રાપ્ત કર્યું. પછી ગણેશને લાભ-શુભ બે પુત્ર થયા.