ભાગ · અધ્યાય ૩૦૨

પુરુષોત્તમ માસની સુદ દશમની તિથીની પૂજનવિધિ - શ્રીહરિનું યુગે-યુગે અવતાર ધારણનું પૃથ્વીદેવીને વરદાન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પુરુષોત્તમ નારાયણે નગારાને પૂછ્યું, તું ક્યાં ક્યાં ફરે છે ? નગારું કહે : બ્રહ્માંડમાં સર્વત્ર ફરું છું. મનુષ્યો પુરુષોત્તમ નારાયણના વ્રતો કરી ભુક્તિ- મુક્તિ પામે છે. ત્યાં પૃથ્વીએ આવી પ્રાર્થના કરી, પ્રભુ તમે પૃથ્વી પર પુરુષોત્તમ માસમાં વ્રત ભક્તિ કરાવી તેથી હું અતિ સુખી થઇ. હે પુરુષોત્તમ પાપીઓના પાપથી ધર્મ, કર્મથી રહિત, બ્રહ્મભક્તિથી રહિત, પરોપકાર દાનપુણ્યથી રહિત, સ્વાર્થ પરાયણ, બીજાના કાર્યો ભાંગી દુ:ખ આપનારા, કપટવાળા, ચોરી હિંસા કરનારા, મદ્યમાંસ ખાનારા, વ્યભિચાર કરનારા, મીઠી વાણી બોલી છેતરનારા, કુટુંબઘાત કરનારા, માતા-પિતાની સેવા નહીં કરનારા, આજ્ઞાનું પાલન નહીં કરનારા, પતિ સેવાથી રહિત, પત્નીને તાડન કરનારા, બીજાના ભાગ્ય પર જીવનારા, આળસુ સત્કાર્યોથી રહિત, જે પુરુષોત્તમ માસના વ્રત્ત નથી કરતા, ભગવાનની ભક્તિ નથી કરતા, એવા જનોના પાપ, હું ભારવાળી થયેલી છું. તેથી હે પ્રભુ, તમને પ્રાર્થના કરું છું કે, મારે પાપ નાશ માટે શું કરવું તે કહો.

શ્રીહરિ કહે : પુરુષોત્તમ માસમાં સર્વે ચૌદલોકમાં ફરતું વાગતું બોલતું જાહેરાત કરતું મારું નગારું તે નથી સાંભળ્યું ? આજે અધિક માસનું દશમીનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરજે. જો પુરુષોત્તમ નારાયણ તને દર્શન ન આપે, પ્રાર્થના ન સાંભળે તો તું મારી પાસે આવજે. વિષ્ણુનું વચન સાંભળીને, નમસ્કાર કરીને, પૃથ્વી સત્યલોકમાં ગઇ. ત્યાં પુરુષોત્તમ નારાયણની સુવર્ણની મૂર્તિ બનાવીને પંચામૃતથી સ્નાન કરાવીને, વસ્ત્ર- આભૂષણો ધારણ કરાવી, ષોડ્શોપચારથી પૂજન કર્યું, પછી નૈવેદ્ય, મુખવાસ અર્પણ કરી, આરતી, સ્તુતિ, પ્રાર્થના, પ્રદક્ષિણા, નમસ્કાર કરી, ક્ષમા માંગી. સાંજે પણ તે જ રીતે પૂજન કર્યું. રાત્રે જાગરણ કરી, ગીત વાજિંત્ર સહિત નૃત્ય કર્યું, ત્યાં મધ્યરાત્રિએ શ્રીહરિ પુરુષોત્તમ નારાયણે આવી દિવ્ય અલૌકિક દર્શન આપી કહ્યું. અધિક માસમાં વ્રત કરનારાને જે ઈચ્છે તે હું આપું છું. બોલ તારે શું જોઇએ છે ?

પુરુષોત્તમ નારાયણનું વચન સાંભળી પૃથ્વી કહે : હે પુરુષોત્તમ નારાયણ જો તમે પ્રસન્ન થયા હોવ તો સદા તમારા ચરણમાં રાખી તમારી સેવા આપો, અને પૃથ્વી પર ભારરૂપે રહેલા પાપીઓનો, અધર્મીઓનો નાશ કરી, મારો ભાર ઓછો કરો અને અધિક- માસ વિના પણ તમે મારામાં વાસ કરો. જેથી મારું રક્ષણ થાય. માટે હે પ્રભુ તમે દિવ્યરૂપે અથવા મનુષ્યરૂપે પૃથ્વી પર વારંવાર આવો જેથી હું તમારી માતા બનીને તમારી લાલન- પાલન સેવા કરી શકું, તથા ભક્તોને પણ અનેક પ્રકારની સેવાભક્તિનો લાભ મળે. આવું પૃથ્વી દેવીની પરોપકારી પ્રાર્થના સાંભળી પુરુષોત્તમ નારાયણ અતિ પ્રસન્ન થયા અને પૃથ્વીને દિવ્ય ચતુર્ભુજ અધિષ્ટાત્રી પૃથ્વીદેવી થયા, અને પૃથ્વીને વરદાન આપ્યું. તે પુરુષોત્તમ માસનું દશમીનું વ્રત વિધિપૂર્વક કરવાથી હું પૃથ્વી પર યુગેયુગે વારંવાર અવતાર ધારણ કરી અધર્મીનો નાશ કરી, પાપીઓનો નાશ કરી સંત-ભક્તોને સુખિયા કરીશ. એમ કહીને પુરુષોત્તમ નારાયણ અદૃશ્ય થયા. પૃથ્વી દેવી નગારાને નમસ્કાર કરીને પોતાના સ્થાનમાં આવી. એ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરીને પૃથ્વીદેવી વસુમતી સુવર્ણ રત્નોવાળી થઇ. તે જ રીતે જે જનો પુરુષોત્તમ માસનું વ્રત કરશે તે સિદ્ધિને પામશે. આ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય જે વાંચશે સાંભળશે તે પણ ભુક્તિ-મુક્તિને પામશે.