ભાગ · અધ્યાય ૪૩૫

પતિવ્રતા ગાલવ ઋષિકન્યાએ પ્રેત થયેલા ગાંધર્વનો ઉદ્ધાર કર્યો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મેરુપર્વતમાં ગાલવ ઋષિ તપ કરતા આશ્રમમાં રહેતા. ત્યાં તેની કન્યા શ્રીકૃષ્ણનારાયણને પતિભાવે ભજતી. એકવાર પ્રભુની પૂજા માટે ફુલ લેવા ગઈ ત્યાં આકાશમાં વિમાનમાંથી સુદર્શન વિદ્યાધર ઋષિ કન્યાનો હાથ પકડી કહે, તું મારી સાથે રમ. કન્યા કહે, હું કૃષ્ણનારાયણને પતિભાવે ભજુ છું. બીજા કોઇને પતિ કરવા ઈચ્છતી નથી. ગાંધર્વે પરાણે કહ્યું. કન્યાએ પિતાને બોલાવ્યા. ગાંધર્વ જતો રહ્યો. ઋષિએ શાપ આપ્યો. જા મનુષ્ય થા. નિંદા પાત્ર થા, પછી વૈતાલ થા. તરત વિમાનમાંથી પડીને યમુના કાંઠે ગોવિંદસ્વામીનો પુત્ર વિજયાદત્ત થયો. તે વિપ્ર પૂર્વ જ્ઞાનવાળો હતો. તેથી કાશીમાં રાજા પાસે આવ્યો. કાશીરાજા સાથે મિત્રતા થઇ સમય જતા મરીને પ્રેત થયો.

કાશીરાજા એકવાર ફરવા ગયો. ત્યાં પ્રેત થયેલો તેને કહ્યું, ગાલવ ઋષિની કન્યા શ્રીકૃષ્ણનારાયણની ભક્તિવાળી છે. તેથી તેની પાસે મારો અને મારા કુટુંબનો મોક્ષ કરાવો. કાશીરાજા તથા સર્વે પ્રેત ગાવલ ઋષિ પાસે આવી વાત કરી. ઋષિ કહે, મારી પુત્રી વૈષ્ણવી શ્રીકૃષ્ણનારાયણની ભક્તિપરાયણ છે. તે આશિર્વાદ આપે તો પ્રેતના દેહથી તે ગાંધર્વ છુટે. કાશી રાજાએ કન્યાને પ્રાર્થના કરી. ઋષિ કન્યાએ પ્રભુપ્રસાદીનું જલ પ્રેત પર છાંટી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર બોલી ગાંધર્વનો પ્રેતના દેહથી છૂટકારો કર્યો. તે પ્રેત તરત દિવ્ય દેહ ધારણ કરી ઋષિ કન્યાને નમસ્કાર કરી સ્વર્ગમાં ગયો. એ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણની પતિવ્રતા ભક્તિ કરનારી બ્રહ્મચારિણી ગાવલ ઋષિ કન્યાએ પ્રેત થયેલા ગાંધર્વનો ઉદ્ધાર કર્યો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અનાદિશ્રીકૃષ્ણનારાયણની પતિવ્રતા ભક્તિનું બળ આવું છે.