પ્રગટ ભગવાનનાં સંત-મુક્તોની સેવાનું ફળ
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, સાધુ શ્રેષ્ટ એટલા માટે છે તેના સર્વ કામકાજ ભગવાનમય જ હોય છે, વેદનો પ્રચાર કરી લોકોને સુખી કરનારા. ભક્તિનું બળ બતાવી સંસારથી વિરક્ત કરી મોક્ષમાં મોકલનારા, સનકાદિક સમાન બાળપણથી બ્રહ્મચારી રહી પ્રણાલીકાને જાળવનારા સંતો સ્વયં બ્રહ્મની જ મૂર્તિ ભગવાન સમાન છે. રાધા, રમા, શ્રી, લક્ષ્મી પણ સંત સમાન થઇ શકતા નથી. તેના ચરણનું જલ પૃથ્વીને પવિત્ર કરે છે. તેની ચરણરજને માથે ચડાવવી, સંત ચરણ છાતીમાં લેવા, માથા પર લેવા તે મોક્ષને આપનારા છે.
સાધુના ચરણસેવાથી પિંડી દાબવાથી સમ્રાટ થાય, સાથળ દાબવાથી સાર્વભોમ થાય, કેડ્ય દાબવાથી ત્રિલોકોનો રાજા થાય, વાંસો દાબવાથી બ્રહ્મા થાય, હાથ દાબવાથી વૈરાજ થાય, આખું શરીર દાબવાથી વિષ્ણુપદ મળે. સંતનું શરીર એટલે ભગવાનનું શરીર તેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચ વિષયને સંત ગ્રહણ કરે તો તે પાંચ વિષય પણ દિવ્ય બની જાય છે. માટે સર્વે સૃષ્ટિઓના જીવ ઇશ્વરોને સંત પુરુષો પવિત્ર કરે છે.