ભાગ · અધ્યાય ૨૪૬

ચૈત્ર વદની પાપમોચની એકાદશી - મંજુઘોષા અપ્સરાની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર કૃષ્ણ પાપમોચની એકાદશીનો વિધિ કહું. સવારમાં સ્નાન કરી સુશીલા સહિત અનિરુદ્ધની પૂજા કરવી. ષોડ્શોપચારથી પૂજા કરી નૈવેધ ધરી આરતી ઉતારવી. પછી શ્રીહરિને બોર વગેરે ફળો ધરાવવા. સર્વે સિદ્ધિ આપનારું પાપને મુકાવનારું આ વ્રત્ત છે.

પૂર્વે મંજુઘોષા અપ્સરા મોક્ષની ઈચ્છાથી ઋષિઓની સેવા કરતી. ત્યાં તપ કરતા મેઘાવી ઋષિ પાસે જઇ આશ્રમ વાળ્યો, પગે લાગી, વીણા વગાડી ઋષિને રાજી કરવા ગાવા લાગી. મેઘાવી ઋષિને રજોગુણભાવ થતા વિચાર આવ્યો. મારામાં વિકાર કેમ થયો ? ઊભા થઇ ચાલતા થયા કામદેવ પાછળ ગયો. ઋષિ મોહ પામી અપ્સરા સાથે રજોગુણમાં પ્રવર્ત્યા. નવસો વર્ષ થઇ ગયા. અપ્સરા કહે : હું જાઉં. તો કહે : હજી અડધી રાત્રિ થઇ છે, સવારે જજે. બીજા પંચાવન વર્ષ થયા. અપ્સરા કહે : જાઉ છું. ઋષિ કહે : એક રાત્રિમાં મને તૃપ્તિ થઇ નથી. વધારે રોકાઇ જા. હું સંધ્યા કરીને આવું છું. અપ્સરા કહે : નવસો નવાણું વર્ષ થયા તોય હજુ તમને એક રાત જ થઇ. તમારી સંધ્યા તો કેટલી ગઇ. ત્યારે ઋષિ કહે : તપમાં ભંગ કરીને સેવાને બહાને મોક્ષ માર્ગમાંથી પાડનારી જા. પિશાચી થા. અપ્સરા ઋષિનો શાપ સાંભળી પગે લાગી કહે : મારો ઉદ્ધાર કરો. ઋષિ કહે : ચૈત્ર વદ પાપમોચની એકાદશીનું વ્રત કરીશ ત્યારે તારો મોક્ષ થશે. પછી વનમાં ભટકતી તે અપ્સરા પાપમોચની એકાદશીનું વ્રત જાગરણ કરી પાપથી મુક્ત થઇને સ્વર્ગમાં ગઇ.