સૂર્ય-ચંદ્ર અને રાહુનું ગ્રહણ ❖ અશુભ સ્વપ્નફળ જ્ઞાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગાય, બ્રાહ્મણની હત્યા કરનારો, કૃતઘ્ની, માતા-પિતાને હરનારો, વિશ્વાસઘાતી, દેવ, ગુરુનું દ્રવ્ય ચોરનારો, પીપળો તુલસીનો નાશ કરનારો, આવા પાપીને જોઇને સ્નાન કરવું તથા સૂર્ય ચંદ્રગ્રહણ થાય ત્યારે સ્નાન કરી એકસો આઠ જપ કરવા. લક્ષ્મી કહે : રાહુ, સૂર્ય, ચંદ્ર કેમ ગ્રસી છે ? શ્રીનારાયણ કહે : જમદગ્નિ નર્મદા કાંઠે વનમાં દિવસે પત્ની રેણુકાની ઈચ્છાથી મૈથુનમાં પ્રવર્ત્યા. ત્યાં સૂર્ય આવી કહે, તમે ધર્મનું પાલન કરનારા દિવસે મૈથુન કેમ કરો છો ? જમદગ્નિ કહે, હું મારી ઈચ્છાથી નથી પ્રવર્ત્યો. પત્નીની ઈચ્છાથી પ્રવર્ત્યો છું. પત્નીની ઈચ્છા પૂરી કરવી તે પતિનો ધર્મ છે અને તે મારો રતિ ભંગ કર્યો તેથી શાપ આપું છું. તને રાહુ ગ્રહણ કરશે. મેઘોથી ઢંકાયેલો રહીશ. રાહુ ગ્રસી અને પાણીમાં તને જોશે તેને પાપ થશે. સૂર્ય કહે, તમે પણ ક્ષત્રિયથી પરાભવ પામશો. ત્યાં બ્રહ્મા આવી કહે, જમદગ્નિ ક્ષત્રિયથી પરાભવ પામશો ત્યારે તમારો સ્વર્ગમાં વાશ થશે અને સૂર્યને કહ્યું, સૂર્ય તું ઉદય અસ્ત સમયે અર્ધ રહીશ ત્યારે તું પાપવાળો થઇશ. પછી તારૂ દર્શન પુણ્યવાળુ થશે. તે જ રીતે ચંદ્રે ભાદરવા સુદ ચોથને દિવસે ગુરુ બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કર્યું તેથી ભાદરવા સુદ ચોથને ચંદ્ર દર્શન ન કરવું. તે કલંક આપે છે.
શ્રીનારાયણ કહે : હવે અશુભ સ્વપ્નફળ કહું છું સ્વપ્નમાં હસે, વિવાહ જુવે, નૃત્યગીત દેખે તેને વિપત્તિ આવે છે. ધનહાનિ થાય. શરીર પીડા આવે. સ્વપ્નમાં કન્યા ઘડો લઇને ઘરમાંથી નીકળે. સ્ત્રી ક્રોધયુક્ત ઘર બહાર જાય તો લક્ષ્મી નાશ થાય. દરિદ્ર થાય. સ્વપ્નમાં શરીરે તેલ ચોપડી, ગધેડા, ઊટ, પાડા પર બેસી દક્ષિણ દિશામાં જતો સ્વપ્નમાં જુવો તો મરણ થાય. સ્વપ્નમાં તેલ, મીઠું દેખે તો લક્ષ્મી નાશ થાય. સ્વપ્નમાં કાળી નાક કપાયેલી વિધવા ભીક્ષાપાત્ર દેખે તો દુ:ખ આવે. ગાતી હસતી, કાળા વસ્ત્રવાળી વિધવા દેખાય તો મૃત્યુ થાય. સ્વપ્નમાં મરેલો વાછડો, મનુષ્ય-મૃગની ખોપરી સ્વપ્નમાં દેખે તો વિપત્તિ આવે. લાલમાળા, લાલ વસ્ત્રો, લાલ લેપથી કોઇ સ્વપ્નમાં ઢાંકે તો દુ:ખ આવે. સ્વપ્નમાં સ્મશાન, સુકુ લાકડું, લોઢુ, અશ્વ, ખીજડો દેખે તો દુ:ખ આવે. સ્વપ્નમાં પાદુકા, પાટીયું, અડદ, મગ, મસુર દેખે તો ઘાયલ થાય. સ્વપ્નમાં વાનર, પર્વત, રીંછ, શિયાળ દેખે તો વ્યાધિ થાય. સ્વપ્નમાં ફૂટેલો ઘડો, શુદ્ર, રોગી, લાલ વસ્ત્રવાળો, જટાવાળો, ભુંડ અને પાડો દેખાય તો ભય આવે. સ્વપ્નમાં યમદૂતો, ફાટેલ વસ્ત્રવાળો મ્લેચ્છ, શસ્ત્ર, ફાંસલો હાથમાં દેખાય તો મૃત્યુ થાય. સ્વપ્નમાં પોતાનું શબ દેખાય, દાંત પડતા, કેશ ખરતા દેખાય તો મૃત્યુ થાય. સ્વપ્નમાં વૃક્ષથી, પર્વતથી, રથથી, મહેલથી, હાથીથી, અશ્વથી પડતો દેખે તો વિપત્તિ આવે. સ્વપ્નમાં બળથી ક્રોધથી પકડે, છત્ર, પાઘડી, લઈ લ્યે તેના ગુરુ પિતા અથવા રાજા દેહ મુકે છે. સ્વપ્નમાં ઘરમાંથી ગાય, વાછરડા સહિત ભય પામી ભાગે તેની સંપત્તિ નાશ પામે છે. સ્વપ્નમાં જ્યોતિષી, બ્રાહ્મણ, સતી, સાધુ, ગુરુક્રોધ પામી શાપ આપે તેને દુ:ખ આવે છે.
આવા દુષ્ટ સ્વપ્ન આવે ત્યારે ગાયત્રીમંત્રના હજાર પાઠ કરવા અથવા અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જાપ કરવા તો અનિષ્ટ ન થાય. તથા વિષ્ણુ, નારાયણ, કૃષ્ણ, રામ, શ્રીહરિ, શિવ, શ્રી, લક્ષ્મી, રાધિકા, જાનકી, પ્રભા, પાર્વતી આ બાર નામે જપ કરવાથી દુષ્ટ સ્વપ્ન પણ સારું આપનારું થાય છે. અને “ૐં હ્રીં શ્રીં ક્લીં દુ:ખહંત્ર્યૈ દુર્ગાયતે નમ:” આ મંત્ર દસ વાર જપવાથી દુષ્ટ સ્વપ્ન સારું ફળ આપે છે. સ્વપ્નની વાત ભક્ત, ગુરુદેવ, પવિત્ર બ્રાહ્મણ, જ્ઞાનીને કહેવાથી સારું ફળ આપે છે.