ભાગ · અધ્યાય ૩૭૫

અહલ્યાએ પતિવ્રતાના પ્રભાવથી અનેકને જીવતા કર્યા - અહલ્યા શીલારૂપે થઇ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગૌતમ પત્ની સાધ્વી પતિવ્રતા અહલ્યાની કથા કહું સાંભળ. કાશીમાં ગંગા કાંઠે ગૌતમ ઋષિનો આશ્રમ હતો. એકવાર હિમાલયમાં બહું વરસાદ થયો. તેથી ગંગામાં પૂર આવ્યું. કાશીમાં ચારેકોર પાણી ફરી વળ્યું. વાડી, ખેતર ધોવાઇ ગયા. પશુ-પક્ષી, માનવો પાણીમાં મરવા લાગ્યા. હાહાકાર થયો. ગૌતમ ઋષિ ધ્યાનમાંથી જાગી પત્ની અહલ્યાને કહે : અરે જો તો આ ગંગાનું પાણી સર્વેને તાણી જાય છે. આપણો આશ્રમ, તું, હું, ગાય સર્વેને તાણી જશે. મનુષ્યો તો વૃક્ષને આધારે જીવશે પણ ગાયો, પશુની કેવી દશા થશે. એમ કહી શોક કરી રુદન કરવા લાગ્યા. અહલ્યા કહે : જે થવાનું હશે તે થશે. પતિને પગે લાગી પ્રયત્ન કરું. એમ કહી અંદર જઇ અગ્નિ પ્રગટાવી હોમ કરી ગંગાનું સ્મરણ કર્યું. અહલ્યા કહે : અરે બહેન મારો શું કામ નાશ કરે છે. પતિવ્રતાના બળથી હું તને ભસ્મ કરી નાખીશ. ગંગા ભય પામી મૂર્તિમાન કન્યારૂપે આવી. દાસીરૂપે વંદન કર્યા. અહલ્યા કહે, ગંગા આવી દુર્દશા કેમ કરી. પાણીનો સંહાર કર. નહીં તો તારો હવન કરીશ. તું મરી જઇશ. ગંગા સાંભળીને ધ્રુજીને કહે : મારો દોષ નથી આ પાણી તો હિમાલયમાંથી આવે છે. અહલ્યા કહે : મારા આશ્રમમાં બેસ. એમ કહી હોમ કરી હિમાલયને બોલાવ્યો.

હિમાલય આવી સતીને નમન કરી કહે : મને કેમ સંભાર્યો. અહલ્યા કહે : પાણી બંધ કરો. હિમાલય કહે : એમાં મારો દોષ નથી. સાત દિવસથી વરસાદ ચાલુ છે. વન, પર્વત, જંગલ સર્વે પાણીમય થયું છે. વૃષ્ટિ બંધ જ નથી થતી. હું પણ પાણીમાં ડૂબી ગયો છું. સાંભળી અહલ્યા કહે : તું અહીં રહે. હું મેઘને બોલાવું છું. અગ્નિમાં મેઘને આહુતિ આપી બોલાવ્યો. બારે મેઘ મૃત્યુના ભયથી તરત આવ્યા. અહલ્યા કહે : અરે મેઘો શું તમારે પ્રલય કરવો છે. પાણીને સમાવી લ્યો નહીં તો મરી જશો. મેઘો કંપતા કહે : માતા અમારો દોષ નથી. અમે તો ઇન્દ્રની આજ્ઞાથી વરસીએ છીએ. અહલ્યાએ ઇન્દ્રને બોલાવ્યો. ઇન્દ્રાસનથી ઇન્દ્ર ખેંચાઇને અહલ્યાના આશ્રમમાં પડ્યો. મરી ગયો દેવો મારું રક્ષણ કરો. એમ બોલતો આશ્રમમાં ઊભો. અહલ્યા કહે : અરે ઇન્દ્ર અત્યારે પ્રાણીના મરણ થાય છે. વરસાદ બંધ કેમ નથી કરતો. વરસાદ બંધ કર નહીં તો તને અગ્નિમાં હોમી દઇશ. ઇન્દ્રે મેઘોને વર્ષા બંધ કરવા કહ્યું. વરસાદ બંધ થયો. પણ પાણી ઓછું ન થયું. ત્યારે અહલ્યા કહે : ઇન્દ્ર, મેઘ, હિમાલય, ગંગા પાણી ઓછું કેમ નથી થતું.

ઇન્દ્ર કહે : પાણીમાં વરૂણદેવ બેઠા છે. તે સંકોચન નથી કરતા. અહલ્યાએ વરૂણદેવને બોલાવ્યા. વરૂણ દેવ આવ્યા. અહલ્યા કહે : વરૂણ દેવ પાણી સમાવો નહીં તો તમારો અગ્નિમાં હોમ કરીશ. વરૂણદેવે તરત પાણી સમાવી લીધું પછી નદીના પાણીમાં મરેલા મનુષ્યોને જોઇને અગ્નિને પૂછયું. આ સર્વે જીવતા કેમ થાય ? સર્વેએ કહ્યું મરેલાને યમરાજ જીવતા કરે. અહલ્યાએ યમને બોલાવ્યા. યમ આવી હાથ જોડી કહે : શું કાર્ય કરું. અહલ્યા કહે : પાણીમાં મરેલા મનુષ્ય, પશુ, પક્ષીને તમારા બળથી જીવતા કરો. જો જીવતા નહીં કરો તો તમે મરી જશો. યમ કહે : હું તો રૂદ્ર સંકર્ષણને આધીન છું. અહલ્યાએ કાળના કાળ રૂદ્ર સંકર્ષણને સંભાર્યા. સંકર્ષણ આવીને સતીને નમન કરી ઊભા. અહલ્યા કહે : મરેલા સર્વેને જીવતા કરો નહીં તો તમને સર્વેને પતિવ્રતાના પ્રભાવથી જીવન નષ્ટ કરીશ. સંકર્ષણ કહે : સર્જન, પોષણ અને સંહાર તો નારાયણે નિર્માણ કરેલું છે તે કર્તા- અકર્તા અન્યથા કર્તા સમર્થ છે. અમે સમર્થ નથી. સમર્થ શ્રીહરિ છે. અહલ્યાએ શ્રીકૃષ્ણનારાયણને સંભાર્યા. પતિવ્રતાના પ્રભાવથી શ્રીહરિ તરત આવ્યા. સતી શ્રીહરિને પગે લાગી કહે : પ્રભુ, હે સ્વામી, હે નારાયણઆ મહાવૃષ્ટિમાં મરેલા કરોડો જીવોને જીવતા કરો.

શ્રીહરિ અહલ્યાને કહે : તું એવો સંકલ્પ કર કે જો મેં પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય તો વૃષ્ટિમાં મહેલા જીવો જીવતા થાય. એવી શ્રીહરિની આજ્ઞાથી અહલ્યાએ સંકલ્પ કર્યો. તરત મરેલા સર્વે દેહધારીઓ સજીવન થયા. પછી શ્રીહરિની આજ્ઞાથી ગંગા, મેઘ, ઇન્દ્રાદિ દેવો, હિમાલય, વરૂણદેવ, યમરાજ સંકર્ષણ સર્વે પોતાને સ્થાને સતીને નમસ્કાર કરીને ગયા. તે સમયે ઇન્દ્ર અહલ્યાનું રૂપ જોઇ મોહ પામ્યો. દૂર જઇ પાછો આવ્યો. પણ અહલ્યાને જોઇ નહીં એટલે નિરાશ થઇ સ્વર્ગમાં ગયો. બીજીવાર આવ્યો તો પણ ન દેખાઇ. પાપી મલીન હૃદયવાળાને પતિવ્રતા દૃષ્ટિમાં આવતા નથી. એકવાર રાત્રે ગૌતમના આશ્રમે આવ્યો તો એકલું તેજ દેખાયું. ઇન્દ્રે ચંદ્રને કહ્યું અહલ્યા પાસે જવું છે. ચંદ્ર કહે : તું ગૌતમ ઋષિનું રૂપ લે. હું કુકડાનું રૂપ લઉં તો તારું કામ થશે. એવી રીતે કપટથી કામ લે નહીં તો મરી જઇશ. ચંદ્ર કુકડો અને ઇન્દ્ર બીલાડો થઇને રાત્રે ગૌતમ ઋષિનો આશ્રમે આવ્યા. કુકડો બોલ્યો એટલે ઋષિ સ્નાન કરવા ગયા. બીલાડા રૂપે રહેલા ઇન્દ્રે ગૌતમ ઋષિનું રૂપ લઇ આશ્રમમાં ગયો. અહલ્યાએ ગૌતમ ઋષિ રાજસ ભાવવાળા જોઇને રતીક્રિડાનો ભાવ પૂરો કર્યો. ગૌતમ ઋષિ ગંગામાં ન્હાવા ગયા. ત્યાં ગંગાએ કહ્યું, ઋષિ નાવાનો સમય થયો નથી. જલ્દી ઘેર જાવ કપટ થયું છે. સતી પાસે જાવ. ગૌતમ ઋષિએ આશ્રમે આવી જોયું. ઇન્દ્ર સંભોગમાં હતો. તરત ઇન્દ્ર રૂપ બદલી ભાગવા ગયો ત્યાં બારણામાં ઋષિ ભેગા થયા. ઋષિએ કામાંધ ઇન્દ્રને જોઇને શાપ આપ્યો તું હજાર છીદ્રવાળો થા. અહલ્યાએ પણ જાણ્યું પણ પતિરૂપે રહેલા ઇન્દ્રને શાપ ન આપ્યો. ચંદ્ર ગુપ્ત રીતે ભાગી ગયો.

ઋષિ અહલ્યાને કહે : દેવી હવે તારી શું ઈચ્છા છે ? અતિરૂપ નારીને સુખ આપનારું થતું નથી. હું તૃપ્તીવાળો છું. વૈરાગ્યથી તજીસ તો તું દુ:ખી થઇશ, પાસે રાખીશ તો આવી ઉપાધી આવશે. તેથી તને વિઘ્ન ન થાય. મને ચિંતા ન થાય. ઋષિને સાંભળી અહલ્યા કહે : હું તમારી સમીપે પથ્થરનું આસન થઇને વાસ કરીશ. તમે તે આસન પર બેસજો તમને ચિંતા નહીં. મને ધર્મ વિઘ્ન નહીં. તમારા યોગથી મારું પતિવ્રતાવ્રતનું પાલન થશે. એમ કહી ઋષિની પૂજા કરી અહલ્યા પથ્થરના આસનરૂપે થઇ ગઇ. ગૌતમ ઋષિ કહે : દેવી, રામ ભગવાન આવશે ત્યારે અહીં વિશ્રાંતિ કરશે અને તારો સ્પર્શ કરશે ત્યારે તું મારી સાથે વૈકુંઠમાં આવીશ. ત્યાં સુધી હું નિરાસન રહી તપ કરીશ. તે સર્વે સંસારની આશા છોડી તેથી મહાશાંતિ પામી. સર્વે આશાવાળા જગતના જીવો દુ:ખી થાય છે. મુક્તિ છે તે પથ્થર જેવી વિઘ્નરહિત છે. તેને તેં પ્રાપ્ત કરી. પતિ ભક્તિથી શિલા આસનરૂપે થઇ તેના પર બેસી હું તપ કરીશ. પછી ત્રેતાયુગમાં રામ, લક્ષ્મણ, સીતા, ગૌતમઋષિના આશ્રમે આવ્યા ત્યારે રામચંદ્રજીના સ્પર્શથી અહલ્યા દિવ્ય સ્વરૂપે થયા અને પતિ સાથે વૈકુંઠધામમાં ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી આ પતિવ્રતાની કથા કોઇ કહેશે, સાંભળશે તેને પતિવ્રતાપણું દૃઢ થશે.