ભાગ · અધ્યાય ૧૭૨

સતી અને શિવનાં વિવાહ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આસો સુદ-આઠમે સતીએ નંદાવ્રત કરી ષોડ્શોપચારથી શંકરની પૂજા કરી. ત્યાં શંકર પ્રગટ થયા. સતી શરમાયા. શંકરે કહ્યું, મારી પત્ની થા. એવો આશીર્વાદ આપીને અદૃશ્ય થયા. પછી શંકરે બ્રહ્મા નારદ ઋષિઓને સતી શંકરના લગ્ન માટે દક્ષને ઘેર મોકલ્યા. બ્રહ્મા, નારદ વગેરે ઋષિઓ દક્ષને ત્યાં આવી સતીના લગ્ન શંકર સાથે કરવાનું પાકું કરીને કૈલાસ આવ્યા. કૈલાસમાં શંકરે ચૌદ લોકના વાસી દેવો- દેવીઓ, સિદ્ધો, ચારણો, ગાંધર્વો, વિદ્યાધરો, ઋષિ-મુનિઓ, પિતૃઓને બોલાવી તૈયાર કર્યા. ત્યાં તો ગોલોકથી રાધા-કૃષ્ણ આવ્યા. વૈકુંઠથી લક્ષ્મીનારાયણ આવ્યા. સૂર્ય-ચંદ્ર, યમ-કુબેર વગેરે ઇશ્વરો આવ્યા. સર્વે શંકરના ગણો તૈયાર થયા. શંકર તો યોગી હોવાથી શણગારની જરૂર નહીં. શોભામાં જટામાં ચંદ્ર, જનોઇને સ્થાને વાસુકી નાગ, કંઠમાં રૂદ્રાક્ષ, મુંડમાળા, હાથમાં ત્રિશુલ, હાથીનું ચર્મ પહેરેલું, શરીરે ભસ્મ, પોઠિયા પર બેસી ચાલતા થયા. સર્વે પોતાના વાહનો પર બેસી ચાલતા થયા. આવ્યા દક્ષ રાજાને ત્યાં, સામૈયું કર્યું, જમાડ્યા, મંડપમાં આવ્યા, અગ્નિ પ્રગટ કર્યો ત્યારે સતી શંકરનું તેજ જોઇ સર્વે આશ્ચર્ય પામ્યા.

સતીનો હાથ શંકરના હાથમાં મૂક્યો તે સમયે બ્રહ્માને સતીનું મુખ જોવાની ઈચ્છા થતાં અગ્નિમાં ભીના લાકડાં નાખ્યા, ધુમાડો થયો, શંકર જાણીને આંખો મીંચી ગયા. બ્રહ્માએ વસ્ત્ર ઊંચું કરી સતીનું મુખ જોયું. ત્યાં તો બ્રહ્માનો ધાતુ સ્ત્રવી ગયો અને પવનમાં ઊડી ગયો. તેના 88,000 વાલખિલ્ય ઋષિ અંગુઠા જેવડાં શરીરવાળા થયા. તે ઋષિઓ સૂર્યની સન્મુખ પાછા પગે ચાલીને મંદેહા રાક્ષસોથી સૂર્યનું રક્ષણ કરે છે. પછી વિધિ પ્રમાણે અગ્નિને ફેરા ફરી લગ્નવિધિ પૂરો થયો ત્યારે સતી-શંકર પર પુષ્પવૃષ્ટિ થઇ, વાજિંત્રો વાગ્યા. શંકરે બ્રહ્માને કહ્યું, તમે લગ્ન કાર્ય કરાવ્યું. દક્ષિણા ગ્રહણ કરો. બ્રહ્માએ દક્ષિણા લીધી. પછી સર્વ પોતપોતાના સ્થાનો પર ગયા. શંકર પણ દક્ષની આજ્ઞા લઇને સતીને પોઠિયા પર બેસાડીને ગણો સહિત કૈલાસ આવ્યા. સતી ઇશ્વર શંકરની હંમેશા ષોડ્શોપચારથી પૂજા કરતા હતા. યજ્ઞના આરંભમાં તથા વિવાહના સમયે જે નરનારીઓ વર-કન્યા આ સતી- શંકરના લગ્નની કથા સાંભળશે તેને કોઇપણ વિઘ્ન નહીં આવે.