પતિવ્રતા શૈલ્યાએ પતિ શતધનુ અને પિતૃઓનો ઉદ્ધાર કર્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે શતધનુ રાજા હતો. તેની રાણી શૈલ્યા પતિવ્રતા ધર્મવાળી હતી. રાજા-રાણી શ્રીકૃષ્ણનારાયણના ભક્ત હતા. એકવાર એકાદશીએ ગંગામાં સ્નાન કરી ઉપવાસ કરીને બારસે સવારે સ્નાન કરી રસોઇ તૈયાર કરી. દેવપિતૃને અર્પણ કર્યા વિના થાળમાં રાખીને શૈલ્યા બ્રાહ્મણ અતિથી ગુરુની વાટ જોતી હતી. ત્યાં આચાર્ય નામના ગુરુ આવી ઋષિ પિતૃ તર્પણ વૈશ્વદેવ ગૌગ્રાસવી કરી અમને પ્રસાદી આપશે તે અમે ખાશું. એમ વિચારતા હતા. ત્યાં મહેમાન આવ્યા. રાજા રાણીએ સ્વાગત કર્યું. તેમાં સમય ચાલ્યો ગયો. ગુરુ પણ ઘણા મહેમાન જોઇને રાજા વ્યવહારમાં રોકાઇ ગયા જાણીને દેવને પિતૃને થાળ અન્ન પાણી આપ્યા વિના ચાલ્યા ગયા. રોંઢાનો સમય થયો. દેવો પિતૃઓ પણ ભૂખ્યા. પૂજા ગ્રહણ કર્યા વિના અન્ન પાણી ખાધા વિના નિરાશ થઇ ક્રોધ પામી પોતાને સ્થાને ગયા.
રાણી શૈલ્યાએ પતિમાં દેવ રહેલા છે એમ માની પતિને જમાડીને પછી પોતે ખાધું. પણ દેવને ધર્યું નહીં. તેથી તે દોષ પતિને લાગ્યો. પણ પત્નિને ન લાગ્યો. પછી ગુરુને બોલાવ્યા. બપોર પછી દેવપૂજન કર્યું. તો પણ સમયે પૂજા થાળ ન થયો. તે દોષ લાગ્યો. તેથી રાજાને તાવ આવ્યો અને મરણ પામ્યો. તેની પત્ની શૈલ્યા પતિ સાથે ચિતામાં બળીને વિમાનમાં બેસીને સ્વર્ગમાં જતા હતા. ત્યાં તેના પિતૃઓએ આકાશમાર્ગે રાજાની સામુ ક્રુર દૃષ્ટિથી જોયું. ત્યાં રાજા-રાણી વિમાનાંથી પૃથ્વી પર પડ્યા. રાજાનો પૂર્વેના દોષથી કૂતરાનો જન્મ થયો. રાણી કાશીની રાજકુમારી થઇ. ઉંમરલાયક થઇ તો પિતાએ લગ્નની વાત કરી. કન્યાએ ના પાડી. પિતાની આજ્ઞા લઇ યાત્રા કરવા નીકળી. પૂર્વ જન્મની સ્મૃતિથી પતિવ્રતાના પ્રભાવથી યોગબળથી પોતાનો પતિ કૂતરાનો જન્મ પામ્યો છે એમ જાણી કુતરારૂપે રહેલા પોતાના પતિ પાસે આવી. અને કુતરાને કહ્યું, દેવને પિતૃને ધર્યા વિના ખાધું. તે પાપે આ જન્મ આવ્યો છે. એમ કહી પ્રસાદી જમાડીને પ્રભુના ચરણામૃતનું જળ તેની પર છાંટ્યું ત્યાં તેના શરીરમાંથી પાપ બહાર નીકળ્યા. એક શિયાળરૂપે, બીજું નારડરૂપે, ત્રીજું ગીધરૂપે, ચોથું કાગડારૂપે, પાંચમું મોરલારૂપે. કુમારીએ પૂછ્યું તમે સર્વે કોણ છો. તે સર્વેએ કહ્યું અમે કુતરાના પાપ છીએ. રાજાએ બીજાના રાજ્યમાંથી ચોરી લાવ્યો તે અમે નારડા શિયાળરૂપે છીએ. દેવનું ધન ખજાનામાં પડ્યું તે રાજાએ ખાધુ તે ગીધરૂપે થયું. અન્યાયથી અન્ન મેળવી રાજાએ ખાધું તે કાગડારૂપે થયું. નદી પર્વત ગૌચરનું રાજાએ ખાધું તે હું મોરલારૂપે છું. આ તારા પતિના પાંચ જન્મ થશે પછી રાજાનો જન્મ આવશે અને તને પ્રાપ્ત થશે. ત્યારે કુમારીએ સંકલ્પ કર્યો જો હું પતિવ્રતા હોઉં તો યમરાજ અહીં આવો. ત્યાં યમરાજા આવ્યા અને કહ્યું સતી મને કેમ સંભાર્યો. તારે શું ઈચ્છા છે.
શૈલ્યા કહે : કુતરાના દેહમાં રહેલા મારા પતિના સર્વે પાપ બળીને મને પ્રાપ્ત થાય. યમ કહે : સતી કર્મ ભોગવ્યા વિના પાપનો ક્ષય થતો નથી. પણ તું તારા ધર્મથી સંકલ્પ કર એટલે પાંચ દિવસમાં અંત આવશે. એટલે શૈલ્યાએ યમરાજા સામે કહ્યું. જો હું પતિવ્રતા હોઉં તો મારા પતિનો કુતરાનો દેહ પડી જાય. એમ કહી પાણી છાંટ્યું. તરત કુતરાનો દેહ પડી ગયો અને શિયાળ, પ્રેતરૂપે બહાર આવ્યો. બીજે દિવસે એવો જ સંકલ્પ કર્યો, શિયાળનો દેહ પડીને નારડારૂપે થયો. ત્રીજા દિવસે પાણી છાંટ્યું. નારડાનો દેહ પડીને ગીધ થયો. ચોથે દિવસે પાણી છાંટ્યું ગીધનો દેહ પડીને કાગડારૂપે થયો. પાંચમે દિવસે મોરલો થયો.
યમરાજે કહ્યું, હવે અશ્વમેઘ યજ્ઞ કરી અવભૃથ સ્નાન કરી પાણી મોરલા ઉપર છાંટજે એટલે મોરલાનો દેહ પડી જશે અને યજ્ઞમાંથી યજ્ઞપુત્ર પ્રગટ થશે. જન્મ સાથે જ યુવાન થશે. તે તારા સ્વયંવરમાં આવશે ત્યારે તું તારા પતિને પામીશ. એમ કહીને યમરાજ પતિવ્રતા શૈલ્યાને નમસ્કાર કરી અદ્રશ્ય થયા. યમરાજે કહ્યું તે પ્રમાણે પતિવ્રતા શૈલ્યાએ છઠ્ઠે દિવસે મોરલા ઉપર સંકલ્પ કરીને પાણી છાંટ્યું. તરત મોરલાનો દેહ પડી ગયો અને યજ્ઞમાંથી પુત્ર પ્રગટ થયો. પ્રગટ થતાં જ યુવાન તે ઋતુધ્વજ નામે પ્રસિદ્ધ થયો. તે સાધ્વી પતિવ્રતા શૈલ્યાએ ઋતુધ્વજ પાસે આવી સ્મૃતિ કરાવી. પતિભાવે પ્રાર્થના કરી. પછી શૈલ્યાએ પોતાના પિતાને વિવાહ માટે સ્વયંવરની પ્રાર્થના કરી. તેથી તેના પિતાએ સ્વયંવર ભર્યો. ત્યાં ઋતુધ્વજ રાજા આવ્યો. શૈલ્યાએ વરમાળા ઋતુધ્વજ રાજાને ઓળખીને પહેરાવી. પછી વિધિ પ્રમાણે યજ્ઞ કરી. સાધુ-સાધ્વી, બ્રાહ્મણોને ભોજન કરાવીને અનેક દાન આપી પિતૃઓનો મોક્ષ કર્યો. પતિવ્રતા શૈલ્યાએ ઋતુધ્વજ રાજા સાથે એંશી હજાર વર્ષ પૃથ્વીમાં રહી શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી. પરમ વૈષ્ણવ ભક્ત થઇ પતિ સાથે દેહત્યાગ કરીને સ્વર્ગથી પર સત્યલોકથી પર પતિવ્રતાના પ્રભાવથી વૈરાજધામને વૈકુંઠ ધામને પામ્યા. એવી રીતે પતિવ્રતા સતી-સાધ્વી પોતાના ધર્મબળથી પતિનો અને પિતૃઓનો ઉદ્ધાર કરે છે. પતિવ્રતાની આ કથા કોઇ કહેશે, સાંભળશે તેનો પણ ઉદ્ધાર થશે.