યમુનાના ધ્રુવતીર્થમાં ચંદ્રસેન અને પ્રભાવતી દ્વારા પિતૃશ્રાદ્ધ - મુક્તિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મથુરાનો રાજા ચંદ્રસેન તેને રાણી ચંદ્રપ્રભા હતી. સો દાસીઓમાં એક પ્રભાવતી હતી. પ્રભાવતીના પિતૃઓ પોતાના દોષથી નરકે ગયા હતાં. પ્રભાવતી કોઇ દિવસ પિતૃતર્પણ, શ્રાદ્ધ દાન કરતી નહીં. તેના પિતૃઓ મચ્છર જેવા જીણાં થઇને યમુના કાંઠે ફરતા હતા. તેને ત્રિકાલજ્ઞ ઋષિએ જોયા. તે ઋષિ સર્વે પિતૃઓને જળની અંજલિઓ આપતા. પિતૃઓ તૃપ્ત થતા. તે ત્રિકાલજ્ઞ ઋષિ એકાંતરા દૂધ પિતા. એક દિવસ દશેય દિશામાંથી લાખો પિતૃઓ આવી યમુનામાં ધ્રુવતીર્થમાં પાણી પીને પુત્રોએ કુટુંબોએ આપેલા પિંડદાન ગ્રહણ કરીને સ્વર્ગમાં જતા હતા. ઋષિ પોતાના તપોબળથી સર્વે જોઇને આશ્ચર્ય પામતા હતા. સર્વે પિતૃઓ ગયા પછી ઋષિએ એક પિતૃને દુબળો, પાતળો, ભૂખ્યો, તરસ્યો, બગાસા ખાતો જોયો. ઋષિએ પૂછ્યું તું કોણ છો. સર્વે પિતૃઓ ચાલ્યા ગયા. તારું કોઇ સ્થાન નથી. તું જા, પછી મારા જપ, તપ વગેરે નિત્યવિધિ થશે. અથવા તું કહે : તો તારું હિત કરું.
દુબળો પિતૃ કહે : આજે આ યમુનાના ધ્રુવતીર્થમાં શ્રાદ્ધ કરનારાઓએ જલાંજલિ, તિલોદક, અન્ન, વસ્ત્ર, ફળ, ફૂલ, શય્યા, જોડાં, છત્ર વગેરે અનેક દાન આપ્યા. તે પિતૃઓને લાખગણા તૃપ્તિ આપનારા થાય છે. તૃપ્તિ પામેલા પિતૃઓ, વંશજોને આશિર્વાદ આપે છે. તમારી સંતતિનું રક્ષણ થાવ, તમારી ઈચ્છા પૂર્ણ થાવ. તમે પારંગતી પ્રાપ્ત કરો. હે મુનિ પૂર્વ પાપ કર્મથી હું નરકમાં ગયો અને હવે રખડું છું, દર વર્ષે અહીં આવું છું. પણ મારા વંશમાં નાસ્તિક, કોઇ મને શ્રાદ્ધ તર્પણ કરતા નથી. સો વર્ષ થયા પણ કોઇએ મને પાણી પાયું નથી. તેથી હું દુબળો છું. ઋષિ દયાથી કહે : તું બેસ, હું આવું છું. તને તૃપ્તિ પમાડ્યા વિના હું દૂધ નહીં પીઉં. ઋષિએ પૂછ્યું તારા વંશમાં કોણ છે. પિતૃ કહે : અહીં ચંદ્રસેન રાજાની દાસી પ્રભાવતી છે, તે મારા વંશની છે. ઋષિ ચંદ્રસેન રાજા પાસે ગયા. રાજા પગે લાગ્યો. આવવાનું કારણ પૂછ્યું. ઋષિ કહે : તમારી દાસી પ્રભાવતીને બોલાવો, રાજાએ દાસીને બોલાવી. ઋષિએ એ કહ્યું, પિતૃ શ્રાદ્ધ, તર્પણ નથી કરતી.
પ્રભાવતી કહે : પિતૃ કોણ છે ? હું જાણતી નથી, ઓળખતી નથી. મેં કોઇ દિવસ પિતૃને પાણી પાયું નથી, ક્રિયા કર્મ જાણતી નથી. ઋષિ કહે : સર્વે મારી સાથે ચાલો. રાજા- રાણી, દાસી, સર્વે સાથે યમુના ધ્રુવતીર્થમાં આવ્યા. ઋષિએ પોતાના તપોબળથી લુખા-સૂકા પિતૃને બતાવ્યો. પિતૃને કહ્યું આ તારા વંશના પુત્ર સાથે અહીં આવ્યા છે. તેને તારી ઈચ્છા હોય તે કહે, પિતૃ પોતાના વંશને કહે : અહીં ધ્રુવતીર્થમાં સ્નાન કરી, મને પાણી પા. મને તર્પણ કરો પછી શ્રાદ્ધ, પિંડદાન કરો, પછી યથાશક્તિ દાન કરો. જેથી હું તૃપ્તિ પામું અને તમે સુખી રહો. પિતૃને સાંભળીને રાણી, દાસી પાસે તથા તેના પુત્ર સાથે પિતૃનું શ્રદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે કરી મિષ્ટાન્ન, દૂધપાક, બ્રાહ્મણોને જમાડી, દાન આપ્યા. તેથી તે પિતૃ તૃપ્તિ પામી બોલ્યા. તમારી વંશવૃદ્ધિ થાવ, સદા સુખી થાવ. એમ આશિર્વાદ આપી સ્વર્ગમાં ગયો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ મથુરાના ધ્રુવતીર્થનો મહિમા કહ્યો, ત્યાં ભાદરવામાં કોઇ પિતૃ શ્રાદ્ધ કરશે તેના પિતૃઓ સ્વર્ગમાં જશે અને તેના વંશજ સુખી રહેશે.