વામન અવતાર પ્રાગટ્ય ❖ મહાધર્મિષ્ટ બલિરાજાની કથા
આ અધ્યાય 144–147 સંયુક્ત છે
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે છે કે, એવા તીર્થોમાં હું પણ વાસ કરું છું એવી આ ભૂમિની રજ કોઇ માથે ચડાવશે તેનો મોક્ષ થશે. બલીરાજા મહા ધર્મિષ્ટ થયો. ઇન્દ્રાદી દેવો તેની આજ્ઞામાં રહેતા હતા. નારદજીને મનમાં થયું હમણાં દેવો-દૈત્યોની લડાઇ કેમ નથી થતી, માટે પરસ્પર કલેશ કરાવું. ઇન્દ્ર પાસે ગયા અને કહ્યું, અત્યારે સર્વે દેવો બલીરાજાની આજ્ઞામાં રહે છે. સ્વર્ગની સંપત્તિ સર્વે બલીરાજા પાસે છે. રંભા, મેનકા, ઉર્વશી, તિલોતમા આ અપ્સરાઓ પણ બલીને આધીન છે. તારું તો કોઇ નામ નથી લેતું. ઇન્દ્રાણી પણ બલીને ઇન્દ્ર માને છે. આવું કહી નારદ ચાલ્યા ગયા. ઇન્દ્ર દેવો ઋષિઓ સાથે વિષ્ણુ પાસે ગયા. પ્રાર્થના કરી વિષ્ણુએ કહ્યું, તપ કરો. ત્યારે કશ્યપ અને અદિતીએ પયોવ્રત કર્યું. નારાયણ પ્રસન્ન થયા. કશ્યપ કહે : હે હરિ, બલી તમારો ભક્ત છે. છતાં દેવ અને દૈત્ય પક્ષનું સારું થાય તેવું કાર્ય કરીને ઇન્દ્રાદિ દેવોને રાજી કરો. તેથી મારે ત્યાં તમે ઇન્દ્રના નાના ભાઇ ઉપેન્દ્ર નામે પ્રગટ થાવ. વિષ્ણુએ કહ્યું, તથાસ્તુ. પછી એક સમયે બલીરાજાને યજ્ઞ કરવો હતો. તેથી સૌરાષ્ટ્ર જીતવા નીકળ્યો. ત્યારે અદિતીએ કશ્યપને કહ્યું, આ બલી સર્વે સંપત્તિ લઇ અને આપણો પુત્ર દશ વર્ષનો વેંત એકનો વામન છે. તેનું શું કરશું. કશ્યપ કહે : તું ધીરજ રાખ. તે પ્રભુ વામન છે. પણ વૈરાટનું કામ કરશે. બલીએ સર્વે પૃથ્વી જીતી યજ્ઞનો આરંભ કર્યો.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વામન પ્રભુ ભરતખંડના સર્વે તીર્થોને પવિત્ર કરી સૌરાષ્ટ્રમાં આવ્યા. ત્યાં સર્વે ઋષિઓ વામનજીને ચિહ્નોથી જાણી પગે લાગ્યા. વામનજીએ તે ઋષિઓને ગૌતમ, અત્રી, ભારદ્વાજ, વસિષ્ટ, વિશ્વામિત્ર, નારદ વગેરેને કહ્યું, તમે બલીરાજાના યજ્ઞમાં જાવ હું ત્યાં આવીશ. તે બલીના યજ્ઞમાં ચૌદ લોકના વાસી આવ્યા હતા. તેના યજ્ઞમાં આવો, બેસો, ખાવો, પીવો, દ્યો, લ્યો આ પાંચ શબ્દો બંધ થતા જ નહીં. સોના-ચાંદી હીરા, મોતી, રત્નોના દાનની કોઇ ગણતરી જ નહીં. તે બલી રાજાના યજ્ઞમાં આવવા વામનજી ગીરનાર પર જઇને આવતા હતા. દૈત્યના બાળકો તથા બ્રાહ્મણ બાળકો વામનજીનું સ્વરૂપ, જાડા ટૂંકા હાથ - પગ મોટું માથું, મોટું પેટ, શિખા બાંધેલી, છત્ર કમંડલું ધારણ કરી વેદના મંત્રો બોલતા એવા વામનજીને જોઇ અને લઇને યજ્ઞ મંડપમાં આવ્યા.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વામનજીને જોઇને યજ્ઞમંડપમાં મોટો કોલાહલ થયો. તેજસ્વી વામનનું રૂપ જોઇને બધા હસવા લાગ્યા. વામન પ્રભુ તો વેદના મંત્રો જ બોલતા યજ્ઞ પાસે બ્રાહ્મણો પાસે ઊભા. તે સમયે બલીરાજા રાજી થઇને બોલ્યા. મારા મહાન ભાગ્ય આ નિસ્પૃહ બ્રાહ્મણ વામન અહીં આવ્યા પણ કાંઇ માગતા નથી. અતિથિ તો વિષ્ણુનું સ્વરૂપ છે. જે માગે તે આપું. 99 નવાણું યજ્ઞો મેં કર્યા. આ સોમો છેલ્લો યજ્ઞ છે. સો યજ્ઞ પૂરાં થાય એને ઇન્દ્રપદ મળે. હજાર યજ્ઞ કરે તેને બ્રહ્માનું પદ મળે. તે છેલ્લા યજ્ઞનું ફળ મને મળી જશે. માટે આ યજ્ઞમાં શરીર, સ્ત્રી, પુત્રો, ધન, ધાન, કુટુંબ પરિવાર જે માગે તે આપવું છે. કોઇ વસ્તુની ના પાડવાની જ નથી. હે વામનજી, કાંઇક માગો જે માગો તે આપું.
બલીરાજાની પ્રાર્થનાથી વામન પ્રભુ રાજી થઇ બોલ્યા. હે બલી, મને યજ્ઞની ભૂમિના ત્રણ પગલા આપ. ભૂમિદાન આપનારો પૃથ્વી પતિ બને છે. બલીરાજા જ્યાં આપવાનો વિધિ કરી સંકલ્પ વિધિ કરે છે ત્યાં ગુરુ શુક્રાચાર્ય કહે : બલી, પૃથ્વી દાન વિના બીજું જે દેવું હોય તે દે. હે વામન ટુંકા, લુલા, લંગડા, ઠૂંઠાં, બેરા મુંગા રોગી આવા અતિથીને યજ્ઞની બહાર દાન અપાય. નહીં તો યજ્ઞ ખંડિત થાય અને દાનનું ફળ મળે નહીં. બ્રાહ્મણ કર્મથી રહિત હોય, અપરણિત હોય પતીત અધર્મી, ગુરુની સેવા નહીં કરનારો, માતા- પિતાની સેવા નહીં કરનારો, કૃતઘ્ની, વેદને વેચનારો, નિંદા કરનારો, કુટિલ અસુર, સંધ્યાકર્મ રહિત આટલાને દાન આપવાથી ફળ મળતું નથી. બલી કહે, ગુરુ આ વિપ્ર તો વેદમંત્ર બોલે છે. મને તો વિષ્ણુ સમાન દેખાય છે. વામન પ્રભુને પગે લાગીને કહે : બોલો શું આપું ? પ્રભુ કહે : ત્રણ પગલાં પૃથ્વી દે. ઝૂંપડી બનાવીને શિષ્યોને વેદ ભણાવીશ. શુક્રાચાર્ય કહે : આપતો નહીં આ વિષ્ણુ પોતે તને છેતરવા આવ્યા છે. બલી કહે : ગુરુ આથી બીજું સત્પાત્ર જગતમાં મળવાનું નથી. જેને માટે હું યજ્ઞ કરું છું તે પ્રભુ કૃપા કરી પધાર્યા છે. શુક્રાચાર્યે ના પાડવા છતાં બલીએ વામન પ્રભુના હાથમાં પાણી આપી કહ્યું, તમે જે માગ્યું તે મેં આપ્યું. બલીએ વામન પ્રભુના પગ ધોઇ પાણી પીધું, માથે ચડાવ્યું અને કહ્યું. પ્રભુ આ બધું તમારું જ છે. રાજ્ય, સંપત્તિ, દાસ-દાસી જે જોઇએ તે આપું. અનંત જન્મ તપ કરવા છતાં તમો પ્રાપ્ત થતા નથી તે પ્રભુ તમે મારે ત્યાં કૃપા કરી પધાર્યા એમ કહીને બલી રાજા વામનજીના ચરણમાં આળોટવા લાગ્યો.
વામનજી કહે : બલી મારા ત્રણ પગલામાં સર્વે રહેલું છે. તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તું જો પગલામાં પૃથ્વી માપી લઉં એમ કહી વામનમાંથી વિરાટ થયા. ત્યાં તો દેવો-ઋષિઓ સ્તુતિ કરવા લાગ્યા જય વિષ્ણુ, જય કૃપાવાળા, જય ટૂંકા સ્વરૂપવાળા, જય લાંબા સ્વરૂપવાળા, ભિક્ષુક માનવ તમને નમો નમ: પ્રભુએ એક પગલામાં પૃથ્વી લીધી. બીજો પગ ઊચો કરીને સત્યલોક, બ્રહ્માંડ ઉપર મૂક્યો. બ્રહ્માંડ ભેદીને ગંગા નીચે આવ્યા. બ્રહ્માએ કમંડલું ભરી પ્રભુના પગ ધોયા. તે ગંગા મેરુપર્વત પર થઇ ચારે દિશામાં જગતને પાવન કરવા વહેવા લાગી. પૂર્વમાં સીતા નામે, દક્ષિણમાં અલકનંદા, પશ્ચિમમાં ચક્ષુ, ઉત્તરમાં ભદ્ર નામે થઇ. તે મંદાકિની સ્વર્ધુની સ્વર્ગમાં, પૃથ્વીમાં ગંગા અને પાતાલમાં ભોગવતી નામે થઇ.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વામનજીનું આવું કપટવાળું કામ જોઇ અસુરો બળી ઉઠ્યા, આયુધો લઇ લડવા આવ્યા પણ બલીરાજાએ યુદ્ધ કરવાની ના પાડવાથી પાછા વળી ગયા. ગરૂડે બલીને પાશથી બાંધ્યા. વામનજી કહે : બલી એક પગલું હજી બાકી છે. બલી કહે : પ્રભુ તે એક ચરણ મારા મસ્તક પર મૂકી મને પાવન કરો. બલી પત્ની સંધ્યાવલી કહે : પ્રભુ તમે આપ્યું, તમે ભોગવ્યું, તમે જ પાછું લ્યો છો. તમારું ક્રિડામય આ જગત છે. તેમાં મારું માન્યું તે બંધાણા. વામનજીએ ત્રીજું પગલું બાકી હતું તે બલીના માથા પર મૂકી તેને પાતાલમાં લઇ ગયા. પ્રભુ પ્રસન્ન થયા. માગવાનું કહ્યું. બલી કહે : પ્રભુ તમે મારે ત્યાં સદા વાસ કરો. પ્રભુએ બલીને ત્યાં એક સ્વરૂપે વાસ કરી તેને ચક્ર આપી દેવો પાસે આવીને ઇન્દ્રને સ્વર્ગનો રાજા બનાવી મુગટ પહેરાવ્યો. પછી વામનજીએ ત્યાં ગીરનારની ભૂમિમાં વાસ કર્યો. તે વામન સ્થલીપુર થયું. પછી બલી ઇન્દ્ર થશે. બ્રહ્માના કલ્પમાં વામનજી એકવાર જન્મ ધારણ કરી બલી પાસે આવે છે.