ભાગ · અધ્યાય ૨૩૨

દ્વારિકાની યાત્રાથી રાક્ષસ પાપ રહિત થયો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાશીમાં માયાનંદ નામનો ત્રિદંડી સંન્યાસી હતો. તે કનિષ્ટ સંગથી સ્ત્રી લંપટ થયો. દારૂ પિતો, માંસ ખાતો, ધર્મકર્મથી રહિત થયો. તે મરીને હલકી યોનિને પામ્યો. નારડો થયો, વાઘ થયો, વાંદરો થયો, શિયાળ થયો, ભુંડ થયો. પછી રાક્ષસ થઇ જંગલમાં ભટકતો હતો ત્યાં ગયાજીનો બ્રાહ્મણ દ્વારિકાની યાત્રા કરીને ગોમતીનું પાણી પીને ગોપી તળાવની માટીનું તિલક કરીને પોતાને ઘેર જતો હતો. રસ્તામાં પેલા રાક્ષસને બ્રાહ્મણના દર્શન થયા. દર્શન માત્રથી પાપ બળી ગયા. રાક્ષસે પગે લાગીને પૂછયું : ક્યાંથી આવો છો ? વિપ્ર કહે : દ્વારિકાથી યાત્રા કરીને, ત્યાં જવાથી સર્વે દર્શન કરવાથી સર્વે પાપો બળી જાય છે. વિપ્રનું વચન સાંભળી રાક્ષસ દ્વારિકાની યાત્રા કરી, ગોમતીમાં સ્નાન કરી સર્વે પાપથી રહિત થયો.