ભાગ · અધ્યાય ૨૪૦

પોષ વદની સફલા એકાદશી - પાપી લુંભની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે હું પોષ કૃષ્ણ સફલા એકાદશીનો વ્રત વિધિ કહું છું. તેના દેવ સંકર્ષણ ભગવાનને સુનંદા પત્નીએ સહિત પૂજા કરવી. મંડળ પૂરીને ષોડ્શોપચારથી પૂજન કરીને નૈવૈદ્ય ફળ ફૂલ ધરીને દીપદાન, વસ્ત્રદાન, સ્વર્ણદાન, ગૌદાન વગેરે કરવા. સર્વે યજ્ઞ, સર્વે તીર્થો, હજારો વર્ષ તપનું ફળ આ સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે.

પૂર્વે મહિષ્મતી નગરીમાં રાજાને પાંચ પુત્રો હતા. મોટો લુંભ નામે નાસ્તિક થયો. દેવ-સાધુ બ્રાહ્મણોની નિંદા કરનારો વૈષ્ણવ ભક્તનો દ્રોહ કરનારો થયો. તેને રાજાએ કાઢી મૂક્યો. તે લુંભ જ્યાંત્યાં રખડતો, ચોરી કરતો. બીજા રાજ્યમાં ગયો. ત્યાં રાજાના મંત્રીના ઘરમાં ચોરી કરી ત્યાં સૈનિકોએ પકડી જેલમાં પૂર્યો. લુંભ કહે : હું રાજાનો કુંવર છું. મને છોડી મૂકો નહીં તો યુદ્ધ થશે. રાજાએ છોડી મૂક્યો. તે લુંભ જંગલમાં રખડતો એક પીપળા નીચે બેઠો. ત્યાં ઓટા ઉપર વિષ્ણુની જૂની મૂર્તિ દેખી. તેને ત્યાં વાસ કરવાથી દૈવી વિચાર આવ્યો કે, અરે મેં ચોરી કરી, હિંસા કરી, માંસ ખાધુ, નિંદા કરી, પાપ કર્યા. તેનું પ્રાયશ્ચિત પણ થાય તેમ નથી. માટે હવે તો આ પીપળા નીચે વાસ કરી વિષ્ણુની પૂજા કરી ફળફુલ ખાઇ જીવન પુરું કરવું છે. પોષ વદ-એકાદશી હતી. આખો દિવસ ખાવા ન મળ્યું. રાત્રે નિદ્રા ન આવવાથી જાગરણ થયું. આખો દિવસ રાત્રિ ભજન કર્યું. સવારે અતિ ઠંડી લાગવાથી જડ જેવો થઇ ગયો. બપોરે પ્રભુનું ભજન કરતા ઊભો થવા ગયો. ત્યાં પડી ગયો. પ્રભુને સ્તુતિ કરી. હે પ્રભુ આખા જગતનું રક્ષણ કરો છો, મારું રક્ષણ કરજો, તરત સંકર્ષણ ભગવાન ચતુર્ભુજ રૂપે આવી બેઠો કરી કહ્યું, તારા રાજમાં તારા પિતા મરણ પામ્યા છે. ગાદી તને મળશે. પ્રભુ અદૃશ્ય થયાં લુંભ રાજ્યમાં ગયો. ત્યાં મંત્રીઓએ રાજ્યાભિષેક કર્યો. પછી પોતે શ્રીકૃષ્ણની ભક્તિ કરી પ્રજાને ભક્તિ કરાવી અંતે ગોલોકમાં ગયો.