ભાગ ૧ · અધ્યાય ૫૪
સૌરાષ્ટ્ર પ્રદેશ તેમજ જૂનાગઢતીર્થ
નારદજી કહે : માટે હે રૈવત રાજા, તું મારી સાથે વૈકુંઠમાં આવ તને શ્રીહરિ તે પ્રદેશ આપશે. તેનું અહીં પશ્ચિમ સમુદ્ર કાંઠે સ્થાપન કરજે, તેથી તારા નામથી રવૈતાચળ ગીરનાર પર્વત થશે. તેની પ્રદક્ષિણા કરવા લાખો માનવો કાર્તિક માસમાં ત્યાં આવશે. તે નગરનું નામ રૈવતનગર પડશે. ત્યારપછી તારો પુત્ર ખટવાંગ રાજા તે પણ ભક્ત રાજા થશે તેના નામથી ખટવાંગપુર થશે. તેના વંશમાં હાટકેશ રાજા થશે, તે રાજા પાતાળમાંથી હાટકેશ મહાદેવ લાવશે. તેથી હાટકેશપુર નામ થશે. તેના વંશમાં મણિમાન રાજા થશે તેના નામથી મણિપુર થશે. જૂના મહેલો, ગઢ દેખાશે એટલે મનુષ્ય જુનાગઢ નામ રાખશે. આ પ્રદેશ સૌરાષ્ટ્ર નામથી પ્રસિદ્ધ થશે.