ભાગ · અધ્યાય ૧૯૪

શંકર-પાર્વતી વિવાહ વિધિ ❖ પતિવ્રતાધર્મ વર્ણન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પાર્વતીએ કુળદેવીનું પુજન કરી વેદમંત્રોથી મહાદેવનું પુજન કર્યું. પછી મહાદેવ શંકરે મોકલેલા વસ્ત્રો, આભૂષણો પાર્વતીને ધારણ કરાવ્યા. પછી હિમાલય પત્નીવ્રત દ્વિજને શંકરને પાણી ગ્રહણ માટે મંડપમાં બોલાવતા હતા. મહાદેવ લગનમંડપમાં આવ્યા પછી ગર્ગાચાર્ય કહે : કન્યાદાન સમય થયો છે કન્યાને બોલાવો. પછી હિમાલય-મેનાએ શંકરની આરતી ઉતારી. ત્યાં પાર્વતી લગ્નમંડપમાં આવ્યા. ગર્ગાચાર્યે એક ઘડી સ્વસ્તિ વાંચન કરી શંકર પાર્વતી ઉપર ચોખા નાખ્યા. તે સમયે હિમાલયે શંકરને કહ્યું : તમારું કૂળ-ગોત્ર, પ્રવર શાખા વેદ શું છે તે કહો, શંકર મૌન રહ્યા. નારદ કહે : શંકર કુળ બ્રહ્મ છે. ગોત્ર નાદ છે. વેદ સત્ય સંકલ્પ છે. પ્રવર ત્રણ છે - હરિ, નારાયણ, વૈરાટ. શાખા સદાશિવ છે. પિતા કૃષ્ણ, માતા રાધિકા, વધારે હું જાણતો નથી. હિમાલય જાણીને પ્રસન્ન થયા. પછી પાર્વતીનો હાથ શંકરના હાથમાં આપીને કહે, મારી કન્યા હું તમને અર્પણ કરું છું. ગર્ગાચાર્ય વેદમંત્રથી પાર્વતીનું પાણી ગ્રહણ શંકર પાસે કરાવતા હતા. બંનેના છેડા-છેડી બાંધી અગ્નિ પ્રદક્ષિણા કરાવતા હતા. પાર્વતીએ શંકરને વરમાળા પહેરાવી. તે સમયે હિમાલયે અનેક પ્રકારના દાન આપ્યા. આ પ્રમાણે લગ્ન વિધિ પૂરો થયા પછી સર્વે મહેમાનોને ભક્ષ્ય, ભોજન, લેહ્ય, ચોસ્ય અનેક પ્રકારના ભોજન જમાડ્યા. ઘણા દિવસો રોકાયા પછી સર્વે બ્રહ્મા, વિષ્ણુ વગેરેએ કહ્યું, હવે અમે જઇએ.

જાન વિદાયમાં હિમાલય મેનાએ પાર્વતીને પતિવ્રતા પત્નીના ધર્મ કહ્યા. પતિના સુખમાં સુખ, પતિના દુ:ખમાં દુ:ખ માનવું. પતિને જમાડ્યા પછી જમવું. સુવાડ્યા પછી સૂવું. પતિને રાજી રાખવા. વસ્ત્ર, અલંકારોનું ધારણ કરવું. તાડન કરે તો પણ સહન કરવું. ઘંટી-ખાંડણી, સાંબેલુ, સાવરણી ઉપર બેસવું નહીં. ડેલીએ બેસવું નહીં, જમવાના સમયે ઉદ્વેગ થાય તેવી વાત ન કરવી. આ રીતે ઘણા પતિવ્રતાના ધર્મો કહ્યા. પરસ્પર ક્ષમાયાચના કરી જાન વિદાય થઇ. તે સમયે પાર્વતી માતા-પિતા-વડીલો ગુરુજનોને પગે લાગી મહાદેવ સાથે શિબિકામાં બેસી કૈલાસ આવ્યા. શિવ-પાર્વતીના લગ્નની કથા જે કહેશે, સાંભળશે તે સર્વે આયુષ્ય સંપત્તિ ભુક્તિ-મુક્તિ પામશે. વિઘ્નો નાશ પામી સર્વે મંગલ થશે.