સારા-નરસા કર્મોનું ફળ અને પ્રાયશ્ચિત - પાપનાશક બ્રહ્મકુર્ચ વ્રત - શંકરનો કૈલાશ અને સ્મશાનમાં વાસ - મૂર્તિના અપરાધ અને પ્રાયશ્ચિત
આ અધ્યાય 575–576 સંયુક્ત છે
શ્રીલક્ષ્મીએ પૂછ્યું : હે પ્રભુ, તમારા મુખેથી મંત્રદીક્ષા અને પૂજાવિધિ સાંભળ્યો. તેમાં ભુલ થાય તો તેનું ફળ કેવું થાય અને તેનું નિવારણ કેમ કરવું તે કહો. શ્રીનારાયણ કહે : મારા વૈષ્ણવ ભક્તોએ ક્યારેય પણ રાજાનું અન્ન ખાવું નહીં. રાજસી, તામસી, પાપથી ભરેલું તે અન્ન મને નૈવેદ્ય ધરીને પ્રસાદી લેવી તો પાપનો ભાગીદાર ન થવાય. મને ધર્યા વિના ખવાય તો એક ઉપવાસ કરવો. મંદિરમાં મૂર્તિ પાસે સ્નાન કર્યા વિના અપવિત્ર પણે ક્યારે પણ ન જવું. તે અપરાધ થાય તો સો માળા ફેરવવી. મૈથુન કરી સ્નાન ન કરે, મળમુત્ર કરી સ્નાન કર્યા વિના મૂર્તિને અડે તો ત્રણ દિવસ તલનો ભુકો અથવા જવ ખાવા અને ચોથા દિવસે ઉપવાસ કરવો.
રજસ્વલા તથા શબનો સ્પર્શ થાય તો સ્નાન કરવું. ન કરે તે દરિદ્ર અને બુદ્ધિ રહિત થાય. મંદિરમાં મૂર્તિ પાસે અપાન વાયુ છોડે તો માખી, ઉંદર, કુતરાના જન્મને પામે. મનુષ્ય થઈ ક્રોધયુક્ત થઈ મૂર્તિનો સ્પર્શ કરે તો શમડાં, શકરાના જન્મને પામે. રજસ્વલાવાળા મલિન વસ્ત્રોથી મૂર્તિનો સ્પર્શ કરે તો એક માસ એકટાણાં કરવા તથા એક હજાર માળા ફેરવવી. અંધારામાં મૂર્તિનો સ્પર્શ કરે તો પાંચ દિવસ એકટાણાં કરી સો માળા કરવી. મારી મૂર્તિને કાળા વસ્ત્ર ક્યારે પણ ધરાવે તો નોળિયો અને કાચબાના જન્મને પામે. તેનું પ્રાયશ્ચિત સાત દિવસ એકટાણા કરી, સો માળા ફેરવવી. હાથી, અશ્વ, ઉંટ, શિયાળનો સ્પર્શ કરે તો સો માળા ફેરવવી. સ્મશાનમાં જઇને સ્નાન ન કરે તો પ્રાયશ્ચિત હજાર માળા ફેરવવી. માળા ન ફેરવે તે શિયાળ, ગીધના જન્મને પામી પિશાચ થાય.
લક્ષ્મીએ પૂછ્યું : પ્રભુ, સ્મશાન અપવિત્ર હોય તો તમારા મહાન ભક્ત શંકર સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકરે ત્રીપુરાસુરનો નાશ કર્યો ત્યારે નેપાળના સ્ત્રી, બાળકો, વૃદ્ધો તેનો પણ નાશ થયો. શિવનું ઐશ્વર્ય યોગબળ નષ્ટ થવાથી પોતાની ક્રિયા કરવા સમર્થ ન રહ્યા. ત્યારે મારી પ્રાર્થના કરી. હે પ્રભુ, હવે મારે પ્રાયશ્ચિત કેમ કરવું ? મેં કહ્યું, સ્મશાનમાં ભૂતપ્રેત સાથે વાસ કરો. મુંડમાળા પહેરો અને મારી માનસી પૂજા કરો. સો વર્ષ પછી તમે ગૌતમ ઋષિના આશ્રમે જઇ મારા પ્રસાદથી તથા પયોવ્રત બ્રહ્મકુર્ચ વ્રતથી શુદ્ધ થશો ત્યારે મારી બાહ્યપૂજા કરી શકશો. શંકરે તે રીતે સ્મશાનમાં વાસ કર્યો તેથી જગતમાં કહે છે શંકર સ્મશાનમાં રહે છે. પછી શંકરે સાત્વિક સ્વરૂપે કૈલાશમાં વાસ કર્યો. અને છાયા સ્વરૂપે સ્મશાનમાં વાસ કર્યો. તે સ્વરૂપે ભૂત, પ્રેત, પિશાચો ઉપાસે છે. સ્મશાનમાં રહે તે મારો ભક્ત નથી તે રુદ્રના તામશી સ્વરૂપને તામશીજનો ઉપાસે છે. પરંતુ મહાવૈષ્ણવ ભાગવતભક્ત શંકરને સ્મશાન પ્રિય નથી.
હે લક્ષ્મી, ઉપવાસને દિવસે પંચગવ્ય લેવું. તુલસી પત્ર ભોજન કરવું તેથી જાણતા- અજાણતા થયેલા મૂર્તિના અપરાધોનું પ્રાયશ્ચિત થાય છે. તથા તુલસીપત્રો ખાખરાના પાન, આંબળા તેનું પાણી ઉકાળીને પાચન થાય તે રીતે પીવું. અઠવાડિયું પંદર દિવસ કે મહિનો પીવું તે બ્રહ્મકુર્ચ વ્રત કહેવાય છે. તે સર્વ પાપનો નાશ કરે છે તથા ધાતુની શુદ્ધિ કરે છે. ડુંગરીનું શાક ખાય તે ભૂંડ થાય. મારો અપરાધ કરનારો કૂતરો અને શિયાળ થાય તે અપરાધ કરે તો સો માળા ફેરવવી. બીજાએ ધોયેલ વસ્ત્ર પહેરી મૂર્તિને ન અડવું. નવું અનાજ મને અર્પણ કર્યા વિના ખાય તો એક ઉપવાસ કરી સો માળા ફેરવવી. જોડાં, ચંપલ પહેરી મૂર્તિ પાસે જાય તો પંદર દિવસ એકટાણા કરી, રોજ સો માળા ફેરવવી. આ પ્રાયશ્ચિત ન કરે તો મોચી અને ભૂંડના જન્મને પામે. ટોકરી, નગારું, ઘંટ વગાડ્યા વિના મૂર્તિને મૂંગે મોઢે જગાડે તો એક ઉપવાસ કરી સો માળા ફેરવવી.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મારા મૂર્તિના થતાં અનેક અપરાધોનું જે પ્રાયશ્ચિત કરે છે. તે ભક્ત મારા લોકને પામે છે. આ વિધિ-નિષેધનો અધ્યાય જે વાંચશે, સાંભળશે. તે પાપથી લેવાતો નથી, અને તે મારા ધામને પામે છે. આરોગ્યનું પરમ આરોગ્ય, રહસ્યનું પરમ રહસ્ય, તપસ્વીઓનું પરમ તપ ભક્તિવાળું આ મેં કહ્યું. તે મારા ભક્તોએ પાલન કરવું. મુમુક્ષુ, યોગી, સાધુ, સાધ્વીઓ માટે, મારી ભક્તિવાળા માટે આ કથન મેં કહેલું છે. નાસ્તિક, રાગદ્વેષ, ઝેરવાળા, રાક્ષસ સ્વભાવવાળા માટે આ કથન નથી.