ભાગ · અધ્યાય ૫૮૪

શ્રીહરિ દ્વારા ઇન્દ્રદ્યુમ્ન રાજાને જગન્નાથપુરીમાં મંદિર બનાવવાની આજ્ઞા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ઈન્દ્રદ્યુમ્ન રાજા થયો. તેને માર્કન્ડેય મુનિ, બકઋષિ, ગૃદ્ધઋષિ ઈન્દ્ર વગેરે કોઇ જાણતું નહીં. કર્મ અને લોમશઋષિ જ તેને જાણતા. તે રાજા બ્રહ્માના પાંચમાં વંશમાં થયો. તે રાજા મહાવૈષ્ણવ સર્વમાં પ્રભુનું દર્શન કરનારો સર્વ વિદ્યાનો જાણનારો હતો. તેણે હજારો યજ્ઞ કરી, દાન આપી પ્રભુને પ્રસન્ન કર્યા હતા. રાજધાની અવંતીમાં તે રાજા મન, વાણી, શરીરથી અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરતો. તેથી પ્રભુ સાક્ષાત તેને દર્શન આપી પૂજા અંગીકાર કરી નૈવેધ જમતા. એકવાર પ્રભુએ તેને દર્શન આપી કહ્યું, રાજા તું પુરુષોત્તમપુરી જઇ મારું મહા મંદિર બનાવ. પ્રભુની આજ્ઞાથી રાજાએ સૌ પ્રથમ વિપ્ર વાચસ્પતિને પુરુષોત્તમપુરી મોકલ્યાં. વાચસ્પતિ અડધા દિવસમાં વિમાનમાં બેસી ઓઢ્રદેશ નીલપર્વત સમુદ્ર કાંઠે આવ્યા. ત્યાંના સર્વેજનોને શ્રીહરિના જેવા રૂપવાળા ચર્તુભુજ જોયા. ત્યાં રહેતા પ્રભુના ભક્તો શબરોને નમસ્કાર કરીને કહ્યું. અમને પ્રભુના દર્શન કરાવો. અમને ઈન્દ્રદ્યુમ્ન રાજા એ મોકલ્યા છે. શબરભક્ત પણ રાજાની ઈચ્છા જાણીને રાજી થયો અને કહ્યું કે, અમે લક્ષ્મીનારાયણ સંહિતા વાંચી હતી તેમાં વર્ણન હતું કે, ઈન્દ્રદ્યુમ્ન રાજા અહીં વાસ કરશે અને કાષ્ટની જગન્નાથની મૂર્તિ પ્રતિષ્ઠા કરશે.

તે પ્રભુ અત્યારે નીલમાધવ નામે પાષાણ મૂર્તિરૂપે રહેલા છે. તેના દર્શન કરવા જઇએ. એમ કહી સર્વે કાંટા, કાંકરાવાળા માર્ગે ચાલી રોહિણી કુંડ આવ્યા. તેની પાસે દિવ્ય વડ હતો તે વડ નીચે નીલમાધવની મૂર્તિના દર્શન કર્યા. કુંડમાં સ્નાન કર્યુ. પછી વાચસ્પતિ એ સ્તુતિ કરી કે, હે અક્ષરાતિત તેજ રૂપે રહેલા સર્વને આનંદ આપનારા કમલાપતિ તમને નમસ્કાર. હે પ્રભુ અમારો ઉદ્ધાર કરો. ઈન્દ્રદ્યુમ્ન રાજાનો સંકલ્પ પૂર્ણ કરો. પછી તે શબર ભક્ત બ્રાહ્મણ વાચસ્પતિને ઘેર લઇ ગયો. શબરની ઘરની સંપત્તિ, સમૃદ્ધિ રાજા જેવી જોઇ વાચસ્પતિ કહે તારે ત્યાં આવા વૈભવો કેમ છે ? શબર કહે, શ્રીહરિ મારે ઘેર વાસ કરતા હોવાથી સર્વ દેવો રોજ પૂજા કરવા આવે છે. તે શ્રીહરિનું પુજન કરી ભેટ આપી સ્તુતિ કરી અને જાય છે. તેથી આ સર્વે સમૃદ્ધિ છે અને અમે નિરોગી અને દીર્ઘાયુષ્યવાળા છીએ. પ્રભુની પ્રસાદી, ભોજનથી અમારા સર્વપાપ નષ્ટ થાય છે, તેથી અમે દિવ્યપણાને પામ્યા છીએ.

વિપ્ર વાચસ્પતિ, શબર ભીલભક્તનું વચન સાંભળી આશ્ચર્ય પામી કહે, જેના પૂર્વના પુણ્ય હોય તેને શ્રીહરિની સેવા મળે છે. માટે અમે પણ તમારી સાથે રહી શ્રીહરિના દર્શન સેવા કરશું. શબર કહે, બહું સારું. તમે ઈન્દ્રદ્યુમ્ન રાજાને અહીં લાવો અને વાસ કરો. ટુંક સમયમાં નીલમાધવની મૂર્તિ અદૃશ્ય થશે. અહીં શ્રીહરિની ઈચ્છાથી અતિ વાવાઝોડાથી રેતીથી મૂર્તિ ઢંકાઇને અદૃશ્ય થશે. તેથી હે બ્રાહ્મણ, તમે તરત ત્યાં જઇ રાજાને કહો. વાચસ્પતિએ તરત અવંતિ ઈન્દ્રદ્યુમ્ન રાજા પાસે આવી પ્રભુ પ્રસાદીના પુષ્પનો હાર આપી સર્વે વૃંતાત કહ્યું, તેજ સમયે જગન્નાથપુરીમાં વાવાઝોડું થયું. રેતી ઉડીને રોહિણી કુંડ, નીલમાધવ, પાષાણની મૂર્તિને સર્વે પર રેતીનો પર્વત થઇ ગયો. ત્યારે સર્વ ભક્તોએ પ્રાર્થના કરી કે, પ્રભુ તમે મૂર્તિરૂપે અદૃશ્ય કેમ થયા. મંદિર મહેલ સેવકોનો તજીને કેમ જાવ છો ? ત્યારે આકાશવાણી થઇ કે, હે દેવો હે ભક્તો, મારી ઈચ્છાથી આ સર્વે થયું છે. અને બ્રહ્મા અહીં આવીને તમને સર્વ વૃતાંત કહેશે. પછી પુષ્પોની પ્રસાદીની માળા ઈન્દ્રદ્યુમ્ન રાજાએ મસ્તક પર ચડાવીને પ્રાર્થના કરી કે, હે પ્રભુ જ્યાં તમે છો, ત્યાં મને લઈ જાવ. ઈન્દ્રદ્યુમ્ન રાજા એ રીતે પ્રાર્થના કરી શ્રીહરિનું ધ્યાન કરતો હતો.