જાલંધરનું યુદ્ધમાં મૃત્યુ - વૃંદાની ભસ્મમાંથી તુલસીવનની ઉત્પત્તિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દૂતે આવી જાલંધરને કહ્યું. વૃંદા બળી ગઇ. જાલંધર અતિ રોઇને કહે : જે જેવું કરે છે, તે તેવું પામે છે. મેં પાર્વતીને છેતરી તો શ્રીહરિએ વૃંદાને છેતરી. બનેવીને અને જમાઇને સદાને માટે ઘરમાં વાસ ના આપવો. ધીમે ધીમે ધન, સ્ત્રી, સર્વે લઇ જાય છે. જો વિષ્ણુને ઘરમાં વાસ આપ્યો તો મારી જ પત્નીને છેતરી. હવે જો વિષ્ણુને મારવા જાઉં તો પાછળથી શંકર મારે. મારે તો બે શત્રુ થયા. હવે તો શંભુને જીતુ કા શંભુથી મરું. એમ વિચારી શંકર સાથે યુદ્ધ કરવા રણમાં આવ્યો. ત્યાં દૈત્યોના શબના ઢગલા જોઇને હતાશ થઇ ગયો. શંકરે બાણ મારી જાલંધરનું કવચ ભાંગી નાખ્યું. બીજું બાણ મારીને મૂર્છિત કર્યો. પછી જાલંધરે માયા રચીને પાર્વતીનું રૂપ બનાવી, પોતાના રથ ઉપર રાખ્યું. શુંભ દૈત્ય આવીને તે પાર્વતીને ત્રિશુળ પર ચડાવી આકાશમાંથી શંકરની આગળ પછાડીને મારી નાખી. શંકર ઉદાસ થઇને કહે : આ પાર્વતી રણચંડી થઇને શુંભને મારશે, એમ શાપ આપ્યો. ત્યાં બ્રહ્મા આવીને કહે : તે તો જાલંધરની માયાજાળ હતી. શંકર અતિ ક્રોધ પામી ચક્રથી જાલંધરનું માથું કાપી નાખ્યું. એટલે રણમાં પડી ગયો. જાલંધરનો નાશ થયો જાણી દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી શંકરનો જયકાર કરવા લાગ્યા. પછી સમુદ્રમાંથી દ્રોણ પર્વત લાવી દેવોને ઔષધિ પાઇ સજીવન કર્યા. કૃત્યાએ પણ શુક્રાચાર્યને મુક્ત કર્યા. સર્વે પોતાના કર્મ જેવા હોય તેવું ભોગવે છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી સુખ-દુ:ખ રહે છે. આ ઈતિહાસ કથા સાંભળીને દુ:ખથી પરાભવ નહીં પામે. પછી વૃંદા તુલસીનો ત્યાગ કરી જઇ શકતા નહીં. તુલસીએ કહ્યું, પ્રભુ પહેલા હું તમારી પત્ની હતી. પછી જાલંધરની પત્ની થઇ. ફરી તમે પતિ ભાવે ગ્રહણ કરો.
વિષ્ણુ કહે : તું ત્રણ સ્વરૂપે ધામમાં છો. અહીં પણ ત્રણ સ્વરૂપે થા. ધામમાં ગૌરી લક્ષ્મી અને રમારૂપ છો, એમ કહીને વિષ્ણુએ બીજ દેવોને આપ્યા. દેવોએ કેદાર પર્વતમાં (હિમાલયમાં) બીજ નાખ્યા. તે ધાત્રી, માલતી, અને તુલસી થયા. પછી વિષ્ણુ દેવોને, બૃહસ્પતિને લઇને કેદારેશ્વર ગયા ત્યાં વૃંદાએ તુલસીને ધાત્રી, આંબળાની વરમાળા કરીને વિષ્ણુને પહેરાવી. બૃહસ્પતિએ વિધિપૂર્વક વૃંદાવનમાં તુલસી, વિષ્ણુના વિવાહ કર્યા. પવિત્ર એવી આ કથા કોઇ વાંચશે સાંભળશે તે સર્વે ઈષ્ટ સિદ્ધિને પામશે. બ્રાહ્મણને જ્ઞાન થશે. ક્ષત્રિયને રાજ્ય મળશે. વૈશ્યને સંપત્તિ મળશે. શુદ્ર સુખી થશે. કાર્તિક માધ અને વૈશાખમાં તુલસીની પૂજા કરવી અને તુલસીથી વિષ્ણુપૂજન સદા કરવું. લક્ષ્મીનું એક સ્વરૂપ બદ્રિકાશ્રમમાં બોરડીરૂપે થયું.