સર્વે એકાદશીનો સંપૂર્ણ ફળ આપનારો ઉદ્યાપન વિધિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સર્વે એકાદશીનો સંપૂર્ણ ફળ આપનારો ઉદ્યાપન વિધિ કહું છું. મંડપ રચી, સાત ધાન્યોથી મંડળ પુરી વચ્ચે તાંબાનો ઘડો મૂકી તેમાં નારિયેળ તથા પીપળો, ઉંબરો, આંબો, આસોપાલવ, વડ તેના પાંદડાઓ મૂકી, કમળના પુષ્પો લાવી વચ્ચે રમા સહિત વાસુદેવને સ્થાપન કરવા. ચારેબાજુ ચોવીસ એકાદશીના પતિને સ્થાપન કરવા. શ્રી કેશવ, પદ્મનારાયણ, માધવ ગોવિંદચંદ્રા, રમા-વિષ્ણુ, માધવી મધુસૂદન, ત્રિવિક્રમ પદ્માક્ષી, વામન કમલા, પદ્મનાભ, પદ્માવતી, શ્રીધરકાંતીમતી, ઋષિકેશ, અપરાજીતા, રાધા- દામોદર, સંકર્ષણ, સુનંદા, વાસુદેવ હરિણ્યા, પ્રદ્યુમ્નધીયા, અનિરૂદ્ધ, સુશિલા, નંદા, પુરુષોત્તમ, અધોક્ષજત્રયી, ક્ષેમકરી, નરસિંહ, અચ્યુત, વિજ્યા સુંદરી, જનાર્દન, ઉપેન્દ્ર, સુભગા, હરિહીરણ્યા, કૃષ્ણ-સુલક્ષણા. આ ચોવીસ એકાદશીને સ્થાપન કરી, પંચામૃતથી સ્નાન કરાવી. ષોડ્શોપચારથી પૂજન કરી. વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી. નૈવેધ, મિષ્ટાન, ફળ, ફુલ અર્પણ કરી. આરતી ઉતારી પ્રદક્ષિણા, દંડવત, નમસ્કાર કરી પ્રાર્થના કરવી. પૂજામાં ભૂલથી ક્ષમા માંગવી તથા ચોવીસ સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવી, યથાશક્તિ દાન આપવા.
દાન આપવામાં શઠતા ન કરવી. જેટલું દાન અપાય છે. તેથી હજાર ગણું પ્રાપ્ત થાય છે. ગાયને શણગારીને ગુરુને દાનમાં આપવી. અથવા ગોળ-ઘી, સાકર, દૂધ, તલ રસ મધ વગેરેની ગાય બનાવીને દાનમાં આપવી. ચોવીસ ગાયો દાનમાં આપવી. તથા ઘી, ગોળ ધાનના પર્વત બનાવી દાનમાં આપવા. ગુરુનું પૂજન કરી ગૃહ દાન આપવું. વિપ્રોને, યથા યોગ્ય ભિક્ષુકોને, અન્ન, વસ્ત્ર, દાન આપવું. પૂર્વે મનુ શતરૂપાએ ઉદ્યાપાન કરી પૃથ્વી દાનમાં આપી. રમા ઉદ્યાપાન કરીને વિષ્ણુ સાથે રહ્યા. પદ્માએ ઉદ્યાપન કરી વિષ્ણુ પ્રાપ્ત કર્યા. પાર્વતી પ્રભાએ પણ ઉદ્યાપન કરી પુરુષોત્તમ પ્રાપ્ત કર્યા. આ પ્રમાણે ઉદ્યાપન કરી તેના ફળ આ લોક-પરલોકમાં પ્રાપ્ત કરે છે.