ભાગ ૧ · અધ્યાય ૧૮૮
હિમાલય અને મેના દ્વારા શંકર-પાર્વતીના વિવાહનો સ્વીકાર
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકરે વિશ્વામિત્ર વગેરે સાત ઋષિઓને સંભાર્યા, તરત આવ્યા, પગે લાગ્યા. આજ્ઞા માંગી શંકર કહે : તમે હિમાલય પાસે જઇ મારે માટે પાર્વતીની માંગણી કરો. સપ્તઋષિઓ ગયા. હિમાલય પગે લાગી કહે : મારા અહોભાગ્ય કે, સપ્તઋષિઓ મારા આંગણે પધાર્યા હું પવિત્ર થયો. બોલો શું આજ્ઞા છે ? ઋષિઓ કહે , શંકરે અમને મોકલ્યા છે. તમારી પુત્રી પાર્વતી શંકરને પતિ કરવા ઈચ્છા કરી તપ કરે છે. તો જગતના પુજ્ય દેવના દેવ ઇશ્વર શંકર માટે અમો તમારી પુત્રી પાર્વતીની માંગણી કરવા આવ્યા છીએ. તમારી પુત્રી શંકરને આપવાથી પુજ્યપણાને પામશે. ઋષિઓનું વચન માંગણી હિમાલય મેના કુટુંબે વધાવી લીધી. પછી ઋષિ વસિષ્ટ વગેરે લગ્નતિથિ નક્કી કરીને હિમાલયને કહ્યું - માગશર સુદ-7ને સોમવારે જાન આવશે.