ભાગ · અધ્યાય ૩૮૧

પતિવ્રતા રેણુકાએ જમદગ્નિ ઋષિને જીવીત કર્યા - પરશુરામ દ્વારા અધર્મી ક્ષત્રિયોનો વિનાશ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નર્મદા નદીકાંઠે આશ્રમમાં જમદગ્ની ઋષિ પતિવ્રતા પત્ની રેણુકા પુત્ર પરશુરામ કામધેનુ ગાય સાથે રહેતા હતા. હજારો શિષ્યો આશ્રમમાં રહેતા, ભણતા. પૂર્વે પતિવ્રતા પત્ની રેણુકા પતિની સેવા કરી ભીને વસ્ત્રે કૃષ્ણ પૂજા કરતી. સૂર્યપૂજા કરી એકટાણું જમતી. અગ્નિપૂજા અતિથિ ગાયની પૂજા કરતી. રેણુકાએ એકવાર એક વર્ષ ફલાહાર, એક વર્ષ પાંદડા, એક વર્ષ પાણી, એક વર્ષ વાયુ આહાર, એક વર્ષ બાષ્પ આહાર એમ તપ કરી બીજેરૂપે પતિની સેવા કરતી. તેથી પ્રસન્ન થયેલા કૃષ્ણનારાયણ પ્રભુ કહે : વરદાન માગ. રેણુકા કહે : તમે મારા પુત્ર રૂપે પ્રસન્ન થાવ. પ્રભુ કહે : તથાસ્તુ. પછી જમદગ્ની રેણુકાને ત્યાં પરશુરામ પ્રગટ થયા. એકવાર પરશુરામ માતાને નમસ્કાર કરી ભૃગુઋષિ પાસે ગયા. પગે લાગ્યા.

ભૃગુઋષિ કહે : પરશુરામ હિમાલયમાં જઇ તપ કરી શંકરને પ્રસન્ન કર તો તારું કલ્યાણ થાય. પરશુરામે હિમાલય જઇ તપ કરી શંકરને પ્રસન્ન કર્યા. શંકર કહે : આ પરશુશાસ્ત્રથી શત્રુનો નાશ કરજે. એમ કહી દિવ્ય કુહાડી આપી. પરશુરામ અધર્મી શત્રુનો નાશ કરી પોતાને આશ્રમે આવ્યા. ત્યાં શંકરે આવી ધનુષ્ય બાણ આપ્યા અને કહ્યું આ દિવ્ય બાણનો ભાથો અક્ષય છે. એકવાર દત્તાત્રેય ભગવાનનો શિષ્ય સહસ્ત્રાર્જુન રાજા જમદગ્નિ ઋષિના આશ્રમે આવ્યો. પરશુરામ તપ કરવા ગયેલા. ત્યારે રેણુકાએ કામધેનુ ગાયના પ્રતાપે ત્યાં રાજમહેલ, બગીચા, સમૃદ્ધિ, દાસ-દાસીઓ, ખાવા-પીવાની ત્યાં સગવડતા તૈયાર કરી. ઋષિએ રાજાને આશીર્વાદ આપી કહ્યું, રાજા તમે અહીં સુખપૂર્વક નિવાસ કરો. રાજા ત્યાં રહ્યો. સ્વર્ગસમાન સમૃદ્ધિ જોઇને પ્રધાનોને કહે : કોઇ દિવસ જોયું ન હોય, દેખ્યું, સાંભળ્યું ન હોય તેવું સર્વે અહીં છે. તેનું કારણ શું ? સર્વે સમૃદ્ધિનું કારણ કામધેનુ ગાયને જાણી મંત્રીને ઋષિ પાસે મોકલ્યો.

મંત્રી જમદગ્નિ ઋષિને કહે : આ ગાય આપો. બદલામાં જોઇએ તેટલા રત્નો લ્યો. ઋષિ કહે : હું ગાય લઇને વેચનારો નથી. અમે ઋષિઓ હવીખ્યાન્ન માટે તથા પૂજવા માટે ગાય રાખીેએ છીએ. મંત્રી ક્રોધ કરી કહે : તમારે ગાય આપવી જ પડશે. ઋષિ કહે : પરાણે બળજબરીથી ગાયને લઇ જશો તો તમારો નાશ થશે. અતિ ક્રોધ કરી મંત્રીએ સૈનિકોને આજ્ઞા આપી ઋષિને માર્યા. ગાય આકાશમાં જતી રહી. સૈનિકો વાછડીને લઇ ગયા. ત્યાં પરશુરામ આવ્યા. માતાને રૂદન કરતા જોઇ. પિતાને મરેલા જોઇ. પરશુરામ કહે, તમે એકવીશ વાર છાતી કૂટી છે. તેથી હે માતા હું પૃથ્વીમાં એકવીશવાર ફરી અધર્મી ક્ષત્રીઓનો નાશ કરીશ. રેણુકા કહે, પુત્ર તારા પિતા મૃત્યુ પામ્યા. તેથી હું પતિવ્રતા મારા શરીરથી અગ્નિ પ્રગટાવી શરીર બાળીને પરલોકમાં પતિ સાથે રહીશ. એમ કહી જ્યાં શરીરથી અગ્નિ પ્રગટ કરવા જાય ત્યાં આકાશવાણી થઇ તારા પતિને જગાડવા માટે સંકલ્પ કર. રેણુકા કહે : જો હું પતિવ્રતા હોઉં તો મારા પતિ સજીવન થાય. ભૃગુએ સંહિતા ઔષધી છાંટી તરત જમદગ્નિ ઋષિ બેઠાં થયા અને ભૃગૃ ઋષિને પગે લાગીને કહે, મારું મૃત્યું કરી રાજાએ પાપ કેમ કર્યું ?

ભૃગુ ઋષિ કહે : સહસ્ત્રાર્જુન રાજાએ વશિષ્ટનું અપમાન કરવાથી શ્રાપ આપ્યો. તારુ મૃત્યુ પરશુરામથી થશે. તે સહસ્ત્રાર્જુન રાજા દત્તાત્રેય ભગવાનનો શિષ્ય હતો. તેની પાસેથી ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હતું. પણ જમદગ્નિ ઋષિની હત્યા અને પતિવ્રતાનું અપમાન કરવાથી પરશુરામ તેને મારીને સદગતિ આપશે. પછી પરશુરામે સહસ્ત્રાર્જુન રાજાને મારવાની પ્રતિજ્ઞા લીધી. જમદગ્નિ કહે, પુત્ર સંતપુરુષો અને વિપ્ર સંસારથી મનુષ્યોને મોક્ષ કરનારા છે. તેણે ક્યારે પણ ક્રોધ કરવો નહીં. નિંદા કરે, તાડન કરે તો પણ તિરસ્કાર કરવો નહીં. હે પુત્ર આપણે ક્ષમાથી પૂજ્યપણાને પામ્યા છીએ. દુષ્ટના દંડથી, તિરસ્કારથી, ક્ષોભ ન પામે તે સાધુ કહેવાય છે. પિતાનું વચન સાંભળી પરશુરામ કહે : સાધુ હોય તેને સહન કરવું પણ ખળપુરુષનું સહન ન કરવું. પછી પરશુરામ શંકર પાસેથી દિવ્ય અસ્ત્રો, નાગપાશ, પાશુપત, બ્રહ્માસ્ત્ર, વારુનારાયણાસ્ત્ર વગેરે લઇને આવ્યા. કૃષ્ણની આરાધના કરી. પ્રભુ દર્શન દઇ કહે : ચંદ્રનો અવતાર સહસ્ત્રાર્જુન રાજાનો નાશ કર. પછી હું રામ અવતાર ધારણ કરીને તારું તેજ હરી લઇશ. પછી પરશુરામ માહિસ્મતિ નગરી ગયા અને સહસ્ત્રાર્જુન રાજાને અપશુકનો થવા લાગ્યા. મૃત્યુ ચિહ્નો દેખાવા લાગ્યા, કાળા વસ્ત્રવાળી સ્ત્રી, નાંચણ, નગ્ન સ્ત્રી સ્વપ્નમાં દેખાઇ, શિયાળ રાડો પાડતા, ભૈરવ બોલતી, આવા અનેક અપશુકનો જોવા છતાં તે રાજા યુદ્ધ કરવા નીકળ્યો. રાજા સો પુત્રો અને સો અક્ષૌહિણી સેના લઇ પરશુરામ સામે યુદ્ધ કરવા આવ્યો. તે સમયે પરશુરામે દિવ્ય અસ્ત્રો-શસ્ત્રોથી સૈન્યનો સહસ્ત્રાર્જુન રાજાનો અને તેના પુત્રોનો નાશ કર્યો. પછી કૈલાસમાં શંકરના દર્શન માટે ગયા. ત્યાં દરવાજે ગણેશે અટકાવ્યા. પરશુરામે ગણેશનો એક દાંત ભાંગી નાખ્યો અને શિવ-પાર્વતીના દર્શન કરી માતા-પિતા પાસે આવી પગે લાગ્યા અને કહ્યું તમારા આશીર્વાદથી રાજાનો નાશ કર્યો. પિતા જમદગ્નિએ પુત્રને શાંત કરી પ્રાયશ્ચિત આપ્યું. પછી પરશુરામ મહેંદ્રાચળ તપ કરી પ્રાયશ્ચિત કરતા હતા. પછી ઘણા સમયે સહસ્ત્રાર્જુન રાજાના પુત્રોએ આશ્રમે આવી જમદગ્નિનું માથું કાપી લઇ ગયા.

જમદગ્નિ પત્ની પતિવ્રતા રેણુકા પતિની સાથે ચિતામાં બળી પતિ સાથે સ્વર્ગમાં ગયા. પુત્રોએ સૌંદર્ય દૈહિક ક્રિયા કરી સ્નાન કર્યું. પછી ઘણા સમયે પરશુરામ આવ્યા. ખબર પડી એટલે પૃથ્વી પર ક્ષત્રિયોનો નાશ કરવા અને તેના લોહીથી પિતૃ તર્પણ કરીશ. એવો નિશ્ચય કરી માહિષ્મતિ આવી, ધનુષ્યનો ટંકાર કર્યો. રાજાના પુત્રો સૈન્ય લઇને યુદ્ધ કરવા આવ્યા. પરશુરામ તે સર્વે ક્ષત્રિયોનો નાશ કરી તેની નગરીને બાળીને મહેંદ્રાચળ પર જઇ તપ કરી ફરી પૃથ્વી પર ફરી ક્ષત્રિયોનો નાશ કર્યો. એવી રીતે પૃથ્વી પર એકવીસ વાર ફરીને પરશુરામ ભગવાને અધર્મી ક્ષત્રિય રાજાઓ, નાના મોટા સર્વેનો નાશ કર્યો. પરશુરામે મોટા મોટા છ હજાર રાજાઓને મારી કુરુક્ષેત્રમાં પાંચ સરોવર લોહીથી ભરી તેમાં સ્નાન કરી પિતૃ તર્પણ શ્રાદ્ધ કર્યું. ત્યાં જમદગ્નિ પિતૃ પ્રગટ થઇ કહે : પુત્ર હવે હિંસાથી પાછો વળી પ્રાયશ્ચિત કર. પછી પરશુરામ સર્વે તીર્થ ફરી અશ્વમેઘ યજ્ઞ કરી પૃથ્વી બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ પતિવ્રતાનો પ્રભાવ તથા પરશુરામની પિતૃ ભક્તિની કથા કહી. જે નરનારી આ કથા કહેશે, સાંભળશે તે સર્વે ભક્તિ ફળને પામશે.