ભાગ · અધ્યાય ૨૮૮

કાર્તિક માસનાં વ્રત ન કરવા મોહિનીની હઠ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ત્યાં કાર્તિક માસ આવ્યો. એટલે રાજાએ મોહિનીને કહ્યું, કાર્તિક માસ વ્રત નિયમો માટે ઉત્તમ છે તેથી વ્રત કરી પ્રભુની ભક્તિ કરવી જોઇએ. એક માસ પક્ષ અથવા સાત દિવસનું વ્રત કરવું ત્યાં મોહિનીએ ના પાડી કહ્યું કે, આપણે વ્રત, નિયમ, તપની જરૂર નથી. ત્યાં ધર્માંગદ રાજાનો ઢોલ વાગ્યો. કાલે એકાદશીએ કોઇએ અન્ન ખાવું નહીં અને આખો દિવસ ભજનભક્તિ કરવા. જાહેરાત સાંભળી મોહિની રુકમાંગદરાજાને કહે : તમારી પાસે એકવચન માંગવાનું છે. તે આપો એકાદશી વ્રત તમારે કરવું નહીં. રાજા કહે : આટલા વર્ષોમાં ક્યારે પણ મેં વ્રતનો ભંગ કર્યો નથી. મોહિની કહે : જો તમે આપેલું વચન નહીં પાળો તો સત્યથી પડી જશો, સત્ય છે, એ જ ધર્મ છે, અને જો તમે વચન નહીં આપો તો તમને મારામાં પ્રીતિ નથી, અને પ્રીતિ હોય તો મારી સાથે ભોજન કરો અથવા તમારું મસ્તક કાપી દો. રાજા કહે : અનેક દેશોથી આ કાર્તિક માસમાં ભક્તો પ્રદક્ષિણા કરી સાધુ-સાધ્વીના દર્શન કરે છે. આ રૈવતાચળની પ્રદક્ષિણામાં ઇશ્વરો, દેવો આવે છે એવા પવિત્ર સ્થાનમાં તું વ્રત કરવાની ના પાડે છે. ત્યાં પુત્ર ધર્માંગદ માતા સંધ્યાવલી તથા સૈન્ય સાથે ગીરનારની પ્રદક્ષિણા કરવા આવ્યો.