પતિવ્રતા સુકન્યા અને ચ્યવનઋષિની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વૈકુંઠ ધામની કથા કહું. સાંભળો એક વખત આસો વદ આઠમ અનાદિશ્રીકૃષ્ણનારાયણના જન્મજયંતીને દિવસે વૈકુંઠમાં ભક્તો, મુક્તો, પાર્ષદો- પાર્ષદાણીઓ સર્વે મહાન ઉત્સવ ઉજવતા હતા. મહામંડપ રચીને વાજીંત્રો સહિત ધૂન, કિર્તન કરતા હતા. શ્રીકૃષ્ણનારાયણનું ષોડ્શોપચારથી પૂજન કરતા હતા તથા આરતી સ્તુતિ કરી, પ્રભુને નૈવેદ્ય ધરી, સર્વે પ્રસાદ ગ્રહણ કરતા હતા. તે સમયે ગાંધર્વો પ્રભુના ગુણગાન ગાતા હતા. સર્વે કન્યાઓ પ્રભુને વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવતી હતી. સોનાનો મુગટ, કુંડળ, ટુંપીયો અને મગમાળા, હાર, કંદોરો, સોનાના બાજુબંધ, કડા, પોંચી, વેંઢ, વીંટીઓ, સોનાના તોરા, ઘૂઘરીવાળા વગેરે ધારણ કરાવીને અબીલ, ગુલાલ, કંકુ, અક્ષતથી પ્રભુનું પૂજન કરતી હતી. તે સમયે સલી લદ્યુ ગાંધર્વ પ્રભુનું પૂજન કરતી સુકન્યાને જોઇ મોહ પામ્યો. તે જોઇને સુકન્યાએ શાપ આપ્યો. પૃથ્વી પર મનુષ્ય થા. ગાંધર્વે પણ શાપ આપ્યો તું પણ પૃથ્વી પર સ્ત્રી રૂપે થા. તે ગાંધર્વ ચ્યવનઋષિ થયા અને વનમાં તપ કરતા હતા. તે કન્યા અર્યાતી રાજાની પુત્રી સુકન્યા થઇ. તે બંનેને પૂર્વ જન્મનું જ્ઞાન હતું. એક સમયે અર્યાતી રાજા કુટુંબ સાથે ફરવા નીકળ્યો ત્યાં વનમાં તપ કરતા માથે રાફડો થયેલા ચ્યવનજઋષિની બે આંખો ચમકતી હતી. તેને પતંગિયા માની રાજાની કન્યાએ કાંટાની શૂળ ભોંકાવી. ચ્યવનઋષિ રાફડામાંથી બેઠા થઇ શાપ આપ્યો કે મારી આવી સ્થિતિ જણે કરી તેના જાડો, પેશાબ બંધ થઈ જાવ.
રાજા સર્વેની આવી સ્થિતિ જોઇ ભયભીત થયો અને કહે : આ ભૂમિ કોઇ દૈવી ઋષિની અથવા રાક્ષસની હશે. તપાસ કરતા સર્વે વૃતાંત સુકન્યાએ પિતાને કહ્યું. રાજા કુટુંબ સહિત ત્યાં આવ્યો. ચ્યવનઋષિની માફી માંગી. ચ્યવનઋષિએ પૂર્વ જન્મને યાદ કરી રાજા પાસે સુકન્યાની માંગણી કરી. સુકન્યાએ પણ ઋષિની માંગણી અંગીકાર કરી. પિતાને પૂર્વે શાપની વાત કરી પછી રાજાએ પુત્રી સુકન્યા ચ્યવનઋષિને આપી. સર્વેને દુ:ખમુક્ત કર્યા. રાજા રાજ્યમાં ગયો. ચ્યવનઋષિ તપથી સુકાયેલા કાષ્ટ જેવા હતા, તો પણ સુકન્યા પતિ ચ્યવનઋષિને સ્નાન, વસ્ત્ર, પૂજા, સેવા, ખાવુ-પીવું વગેરે અતિ ભાવથી પરિચર્યા કરતી. ત્યાં યજ્ઞ માટે કાષ્ટ, ફળફૂલ વગેરે અનેક સેવા કરતી. ત્યાં પ્રભુના ધૂન-કિર્તન ગુણગાન પતિને સંભળાવી રાજી કરતી. એક વખત ઋષિના વૃદ્ધ શરીરને જોઇ યુવાન કરવા માટે વિચાર કરી દેવના વૈદ્ય અશ્વિનીકુમારને સુકન્યાએ યાદ કર્યા. ત્યાં તો સૂર્યપુત્ર બન્ને ત્યાં આવ્યા ને નમન કરી બોલ્યા માતા શું આજ્ઞા છે.
ઋષિપત્ની કહે, મારા પતિનું શરીર મારા જેવું યુવાન, સુંદર, રૂષ્ટપુષ્ટ બનાવી દો. અશ્વિનીકુમારોએ સોમયજ્ઞ કરી, ઔષધીનો રસ કાઢી રસાયણનો કુંડ ભરી ચ્યવનઋષિને સ્નાન કરાવ્યું. તરત જ ચ્યવનઋષિ દેવીને મોહ પમાડે તેવા યુવાન બની ગયા. ઋષિપત્નીની પરીક્ષા કરવા અશ્વિનીકુમારે ચ્યવનઋષિ જેવું રૂપ ધારણ કર્યું. ઋષિ પત્નીએ પતિવ્રતાના પ્રભાવે અગ્નિને કહ્યું, મારા પતિ વિના અન્યને બાળી નાખ. અગ્નિ અશ્વિનીકુમાર, વૈદ્યો પાસે આવી બાળવા લાગ્યા. ત્યાં અશ્વિનીકુમારે સતીની પ્રાર્થના કરી. અગ્નિ પાછો વળી ગયો. અશ્વિનીકુમાર વૈદ્યો, સતીને, ઋષિને નમસ્કાર કરી સ્વર્ગમાં ગયા. પછી ચ્યવનઋષિ પોતાના સસરા અર્યાતિ રાજાને બોલાવી સોમયજ્ઞ કરાવી અનેક દાન- દક્ષિણા આપતા હતા. યજ્ઞમાં અશ્વિનીકુમારને બોલાવ્યા તેથી ઈન્દ્ર ક્રોધ કરી વજ્ર લઇને ચ્યવનઋષિને મારવા આવ્યો. ઋષિએ ઈન્દ્રને જડ જેવો બનાવી દીધો. ઈન્દ્રે ઋષિની પ્રાર્થના કરી, પગે લાગી સ્વર્ગમાં ગયો. પછી અર્યાતિ રાજાને આર્નત નામે ભગવાનનો ભક્તપુત્ર થયો. તેણે ગોલોકથી શ્રીકૃષ્ણ ભગવાનના મુગટનો મણિ લાવી પશ્ચિમ સમુદ્ર કાંઠે મુક્યો. તે વિસ્તાર પામી સૌરાષ્ટ્ર દેશ થયો. તે આનર્ત રાજાનો પુત્ર રૈવત રાજા થયો. જેના નામથી ગીરનાર, રૈવતાચળ કહેવાય છે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રીતે પતિવ્રતાનો મહિમા અપાર છે.