ભાગ · અધ્યાય ૫૮૧

પુરુષોત્તમ ક્ષેત્ર એવા જગન્નાથપુરીની ઉત્પત્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જગન્નાથપુરીમાં પુરુષોત્તમ રૂપે મૂર્તિમાં હું સદાવાસ કરું છું. લક્ષ્મીએ પૂછ્યું : હે પ્રભુ, તમે કાષ્ટની મૂર્તિરૂપે ક્યારે થયા. તે કૃપા કરી કહો. શ્રીનારાયણ કહે : પૂર્વે બ્રહ્માએ મનુષ્યોના કલ્યાણ માટે અને પોતાના મોક્ષને માટે વિચાર કર્યો કે, હું અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રસન્ન કરું. એમ વિચાર કરી સ્તુતિ કરવા લાગ્યો કે, હે મુક્તપતિ, રાધા લક્ષ્મીના પતિ તમને નમ: હે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તમે સર્વ અવતાર રૂપે રહેલા છે, અંતર્યામી છો, વ્યાપક છો, અણુ છો, મહાન છો, દ્રવ્ય કર્મ ભાવ અભાવ માયા, કારણ, કાર્ય સર્વ તમે છો. એવા તમને નમસ્કાર. હે પ્રભુ, મારો મોક્ષ કરો. બ્રહ્માની સ્તુતિથી પ્રસન્ન થયેલા શ્રીહરિ કહે, પૂર્વે તમે જે કર્મ કર્યું છે. તેથી જો તમને બ્રહ્માનું પરમપદ આપ્યું છે. તે ભોગવ્યા વિના કર્મનાશ થતું નથી. પણ જો મારી ભક્તિ કરશો. મારામાં મન રાખશો તો તમારો મોક્ષ થશે. માટે મારી આજ્ઞાથી તમને જે કાર્ય સોપ્યું છે તે કરો. હું તમારા હૃદયમાં નિવાસ કરીશ. મારા કંઠમાંથી મણિ કાઢી જ્યાં મેં સ્થાપન કર્યો તે નીલ પર્વત દક્ષિણ સમુદ્ર કાંઠે છે. ત્યાં મેં પૂર્વ મધુકૈટામ બે દૈત્યોને મેં માર્યા હતા અને પૃથ્વીની રક્ષા કરી ત્યારે પૃથ્વીએ મારી સ્તુતિ કરે કે, હે સ્વામિનારાયણ હે પુરુષોત્તમ તમે અહિં સદા વાસ કરો. પૃથ્વીની સ્તુતિથી પ્રસન્ન થઇને મેં કહ્યું હતું કે, ભક્તોના કલ્યાણ કરવા કૃપાથી વશ થયેલો હું અહીં પુરુષોત્તમ નામે વાસ કરીશ. જેમ અક્ષરધામમાં વાસ કરું છું તેમજ રોહિણી કુંડમાં પણ ઐશ્વર્ય ચિહ્નો સહિત વાસ કરીશ. એમ કહી બ્રહ્માને દિવ્ય જ્ઞાન દર્શન આપી પુરુષોત્તમ નારાયણ અદૃશ્ય થયા ત્યાં કાગડો રોહિણી કુંડમાં આવી પડ્યો. સ્નાન કરી દેહત્યાગ કરી ચર્તુભુજરૂપ ધારણ કરી દિવ્યગતિ પામ્યો. તેથી એ પુરુષોત્તમક્ષેત્રનો મહિમા વિશેષ જાણીને પુરુષોત્તમ નારાયણનો મહિમા જાણ્યો.

ત્યાં યમરાજ આવી નીલપર્વત તથા જગન્નાથ શ્રીહરિને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા કે, એક બે અનંતરૂપે રહેલા તમને નમો નમ: સ્વર્ગમાં રહેલા, સર્વને ધારણ પોષણ કરનારા સાક્ષીરૂપે રહેલા તમને નમો નમ: માયાચક્ર કાપનારા, જન્મ મૃત્યુને હરનારા, નીલ પર્વતમાં પુરુષોત્તમ રૂપે વાસ કરનારા, લક્ષ્મીનારાયણ સ્વરૂપ, રાધાકૃષ્ણ સ્વરૂપ, કંભરાપુત્ર પ્રભા, પાર્વતી, નારાયણ તમને નમો નમ: યમરાજની સ્તુતિથી પ્રસન્ન થયેલા. શ્રીહરિની આજ્ઞાથી લક્ષ્મી ત્યાં પ્રગટ થઇને યમરાજને કહે : અહીં પુરુષોત્તમ ક્ષેત્રમાં પુરુષોત્તમનો વાસ હોવાથી આ તીર્થના દર્શન કરનારા મોક્ષમાં જાય છે. તે ક્યારેય પણ યમલોકમાં જતા નથી. દિશાના સર્વે દેવો તથા બ્રહ્માદિ દેવો તથા તમે યમરાજ તમારો અધિકાર આ ક્ષેત્રમાં રહેતો નથી. સર્વ દુષ્ટ કર્મવાળાને દંડ આપનારા તમે છો. પણ પુરુષોત્તમ પુરીના દેહધારીને દંડ આપવા તમે સમર્થ નથી. અહીં રહેનારા દર્શન કરનારા સર્વ પાપથી રહિત થાય છે. લક્ષ્મીજીના મુખેથી જગન્નાથપુરી પુરુષોત્તમ ક્ષેત્રનો મહિમા સાંભળી યમરાજ કહે : હે માતા, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો આવો મહિમા પૂર્વે સાંભળ્યો ન હતો. ભાગ્યથી રહિત દેવો અમે શ્રીહરિની ઈચ્છા બળ જાણી શકતા નથી.