પુરુષોત્તમ માસની વદ છઠ્ઠની તિથીની પૂજનવિધિ - બ્રાહ્મણ દેવયવ અને દેવજુષ્ટા ઇન્દ્ર અને ઇન્દ્રાણી થયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સર્વે સુખ સંપત્તિ ઈષ્ટને આપનારી પુરુષોત્તમ નારાયણની કથા સાંભળો. પૂર્વે કલ્પમાં મરુદેશમાં દેવયવ નામે બ્રાહ્મણ હતો. તેની પત્ની દેવજુષ્ટા પતિવ્રતા હતી. દંપતી ધર્મકર્મવાળા, શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ પરાયણ રહેતા. મરુદેશના રાજાએ ભાસ્વતી નગરીમાં સાત શિખરનું વિષ્ણુ મંદિર કરાવ્યું. મધ્ય શિખરમાં ચતુર્ભુજ કૃષ્ણનારાયણ, લક્ષ્મી, રાધા પધરાવ્યા. જમણા શિખરમાં શ્રી પ્રભા, પાર્વતી પધરાવ્યા. ડાબા શિખરમાં માણિકી, લલિતા, જયા પધરાવ્યા. દેવયવ બ્રાહ્મણ પૂજારી મધ્ય શિખરમાં પૂજા કરતો. તેની પત્ની દેવજુષ્ટા જમણા શિખરમાં પૂજા કરતી. દેવયવની દાસી અદ્રીદ્યુતિ ડાબા શિખરમાં પૂજા કરતી. તેનો દાસ ગીરીક્ષીત બહાર વાળવું, ચંદન ઘસવું વગેરે સેવા કરતો. તે સર્વે પૂજા કરનારાને રાજા વેતન આપતો. અન્ન, વસ્ત્ર, દ્રવ્ય, દાન વગેરે આપતો. છતાં તે પૂજારી દર્શને આવતા યાત્રાળુઓ દેવને સોનું, ચાંદી, દ્રવ્ય, વસ્તુ વગેરે ભેટ આપતા તેમાંથી પોતે ચોરી લેતો. ચોરીનું દ્રવ્ય જેમાં ભળે છે તે દ્રવ્ય પણ દૂષિત થઇ નાશ પામે છે. ગુરુનું, આચાર્યનું, દેવનું, ભિક્ષુકનું, ગાયનું, વિપ્રનું, સ્ત્રીનું, અનાથ નિરાધારનું, દ્રવ્ય અગ્નિસમાન છે.
એક વખત કૌશલ રાજાએ મરુદેશ પર ચડાઇ કરી યુદ્ધ કરી, ભાસ્વતી નગરી જીતી લીધી અને સર્વેની પાસેથી ધન લૂંટી લઇ ગયો. ત્યાંથી પ્રાંચી પીપળે બેસી શ્રીહરિને સંભાર્યા. ગીરીક્ષીત કહે : આપણે દેવની પૂજા કરી પણ શ્રીહરિએ આપણું રક્ષણ ન કર્યું તો બીજા કોનું રક્ષણ કરે ? દેવયવ કહે : એવું બોલમાં આપણે જીવતા રહ્યા તે શ્રીહરિ રક્ષણ કર્યું છે. દેવનું દ્રવ્ય જો ચોર્યું તેથી સર્વે દ્રવ્ય લૂંટાઇ ગયું. તેથી લોભથી, અજ્ઞાનથી, અન્યાયથી પણ દેવનું દ્રવ્ય, અન્ન, વસ્ત્ર, વાહન, પાત્ર, પત્ર, પુષ્પ, ફળાદિક ક્યારે પણ ચોરી લેવું નહીં. દેવ દ્રવ્ય ખાનારો નાશ પામે છે. એને યમરાજ પણ સંઘરતા નથી. તેનું રક્ષણ શ્રીહરિ કરે છે. તેથી શ્રીહરિની શરણાગતિ લઇએ તો શ્રીહરિ રક્ષણ કરે. માટે વિશ્વાસ, વરણં, ન્યાસ, કાર્પણ્યં, સ્થિરમતી, અનુકૂલ સંકલ્પ, આ પ્રમાણે તેઓ શ્રીહરિનું શરણ લઇને ભજન કરવા લાગ્યા.
ત્યાં અધિક માસનું પુરુષોત્તમ નારાયણનું નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસમાં વદ છઠનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન સકામ, નિષ્કામ, ધનવાન, નિર્ધન કરશે તે સર્વેના સંકલ્પ પૂર્ણ થશે. તે વ્રત જલ પીને, નિર્જલ રહીને, દૂધ, ફલાહાર કરીને, નક્તભોજન એકટાણું કરીને, પુરુષોત્તમ નારાયણની પૂજા કરવી. જેથી અનેક જન્મોના દોષ દુર્ગુણ પાપ નાશ પામે અને પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા થાય. અત્યારે પુરુષોત્તમ નારાયણ કૃપાસાધ્ય થયા છે. પુરુષોત્તમ નારાયણનો આવો સંદેશ નગારાથી સાંભળીને ચારેય બ્રાહ્મણો દરિદ્રતાનો નાશ થાય તે માટે પુરુષોત્તમ માસની વદ છઠનું વ્રત નિરાહાર રહી, માટીની પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બનાવી, તુલસી, પુષ્પથી, પૂજા કરી, આરતી કરી, નૈવેદ્યમાં બિલ્વપત્ર, ફળ આપી પછી સ્તુતિ, પ્રાર્થના કરી, રાત્રે જાગરણ કરી, ધૂન કીર્તન કર્યાં. ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઇને કહે : ભક્તો તમારા વ્રત અને પૂજન ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમારા સર્વે પાપ નાશ પામ્યા છે, વરદાન માંગો.
દેવયવ વગેરે વિપ્રો પ્રભુના દર્શન કરી સ્તુતિ કરી કહે : હે પ્રભુ, અમને ઇન્દ્ર પદ આપો. શ્રીહરિ તથાસ્તુ કહી અદૃશ્ય થયા. પુરુષોત્તમ માસ પુરો થયા પછી ચારેયના શરીરો પડી ગયા. તે દેવયવ ઇન્દ્ર થયો. તેની પત્ની દેવજુષ્ટા ઇન્દ્રાણી થઇ તેનો સેવક ગીરીક્ષીત તે જયંત થયો. તેની સેવિકા અહીદ્યુતિ તે જયંતી થઇ. આ રીતે પુરુષોત્તમ માસની વદ છઠનું વ્રત અને પુરુષોત્તમ નારાયણનું પૂજન કરીને તેમણે ઇન્દ્ર પદ પ્રાપ્ત કર્યું. પુરુષોત્તમ માસની કથાનો આ અધ્યાયનો જે પાઠ કરશે. વાંચશે સાંભળશે તે સર્વે પણ આ ફળને પ્રાપ્ત કરશે.