ભાગ · અધ્યાય ૫૨૫

સનત ઋષિએ રૈભ્યમુનિને સંસારમાં મોક્ષ અપાવનારા સાધન વિશે જ્ઞાન આપ્યું

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, રૈભ્યમુનિ ગયામાં પિંડદાન કરતા હતા. ત્યાં સનતકુમાર આવી ધન્યવાદ આપી ઉપદેશ આપ્યો કે, આ ગયામાં પિતૃઓનું શ્રાદ્ધ કરીને બ્રાહ્મણોને દાન આપી ભક્તિ કરી વિશાલ રાજા ભગવાનના ધામમાં ગયો હતો. તેથી સંસારમાં મોક્ષ અપાવનારા સાધન છે તે કહું છું. સર્વ ક્રિયામાં શ્રીહરિનું સ્મરણ કરવું. પ્રભુની પૂજા કરવી. લક્ષ્મી, સરસ્વતી, ગંગા, તુલસી, દુર્ગા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, ગુરુ, વિપ્ર, સંત, સૂર્ય, અતિથિ વગેરેની પૂજા કરવી. માતા-પિતાને તીર્થતુલ્ય માનવા. સૂર્ય, ચંદ્ર, ઉદય, અસ્ત સમયે જોવા નહીં. મળ-મૂત્ર જોવા નહીં. પાણીમાં સૂર્ય ચંદ્ર જોવા નહીં. પાપી પુરુષોની સાથે ચાલવું નહીં. ખાવુ પીવું નહીં. સ્પર્શ આસન કરવું નહીં. સંત, વિપ્ર સતી ગાય તેની નિંદા ન કરવી. દેવગુરુનું દ્રવ્ય લેવું નહીં. તેથી સર્વ નાશ થાય છે.

દેવગુરુને ન નમે તો પાપનો ભાગીદાર થાય છે. જે સ્ત્રી પતિની સેવા નથી કરતી તે કુંભી પાકમાં પડે છે. વાણીના તિરસ્કારથી કાગડો થાય છે. હિંસા કરવાથી ભુંડ થાય છે. ક્રોધથી સર્પ, ગર્વથી ગધેડાના જન્મને પામે છે. શિવ-પાર્વતી, ગણેશ, સૂર્ય, વૈષ્ણવ, માતા- પિતા, બહેન, પતિ-પત્ની, સતી, ગુરુ, કન્યા તેની નિંદા કરવાથી નરકમાં જાય છે. પ્રભુનો પ્રસાદ જમનારો વૈકુંઠમાં વાસ કરે છે. શિવલિંગ શાલીગ્રામ પ્રભુની પ્રતિમા તેને જ્યાં ત્યાં અપવિત્ર જગ્યામાં મુકે તો પ્રજાહીન, દરિદ્ર, રોગી, અંધ, અપંગના જન્મને પામે છે. એ પ્રમાણે સનત ઋષિ ઉપદેશ આપી, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી અદૃશ્ય થયા. રૈભ્યમુનિ મંત્ર જપ કરતા તલ્લીન થયા ત્યાં શ્રીહરિનું વિમાન આવ્યું. તેમાં બેસી વૈકુંઠ ધામમાં ગયા. આ અધ્યાય જે વાંચશે. સાંભળશે તે ભક્તિ અને મુક્તિને પામશે.