બ્રાહ્મણ પત્નિઓનો ત્રણ સ્વરૂપે સ્થાનોમાં વાસ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર શ્રીકૃષ્ણ ભગવાન બળદેવની સાથે ગાયો ચારતા હતા ત્યારે ગોપ-ગોવાળોને ભુખ લાગી. શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું, અહીં બ્રાહ્મણો યજ્ઞ કરે છે તેની પાસે જઈ માગો. તે ન આપે તો તેની પત્નીઓ પાસે જઈ માંગજો. બાળકો યજ્ઞ કરતા બ્રાહ્મણો પાસે ગયા અને કહ્યું કૃષ્ણ બળદેવને અને અમને ભુખ લાગી છે. ખાવાનું આપો. બ્રાહ્મણોએ સાંભળ્યું જ નહીં. ધ્યાન આપ્યું નહીં. એટલે બાળકો બાજુમાં રસોઇ કરતી બ્રાહ્મણ પત્નીઓ પાસે જઈ કહે, કૃષ્ણ ભગવાન ભૂખ્યા થયા છે, તો કાંઇ ખાવાનું આપો. બ્રાહ્મણ પત્નિઓ કહે, ક્યાં છે કૃષ્ણ પ્રભુ ? બાળકો કહે, મધુવનમાં બેઠા છે. બ્રાહ્મણ પત્નીઓ દૂધપાક-મિષ્ટાન્ન લઇને બાળકો સાથે કૃષ્ણ પ્રભુ પાસે આવી. દર્શન કરી, સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, તમે બ્રહ્મ છો. સગુણ છો, નિર્ગણ છો, સાકાર છો, નિરાકાર છો, નિર્લેપ છો, મુક્તથી સેવાયેલા રાધા-રમાથી સેવાયેલા, યોગીના ધ્યાનમાં ન આવે એવા હે પ્રભુ, તમને કોટી નમસ્કાર.
બ્રાહ્મણ પત્નીઓની સ્તુતિથી પ્રસન્ન થયેલા પ્રભુ કહે, સર્વેને ભોજન આપો. પછી સર્વેને ભોજન આપ્યા તેથી પ્રસન્ન થયેલા પ્રભુ કહે, પૂર્વે તમે સાત ઋષિ-પત્ની હતા. અગ્નિએ રજોગુણથી તમારું વ્રત ભંગ કરવાથી અંગિરા ઋષિએ અગ્નિને નપુંસક થવાનો શાપ આપ્યો કે, તમે મનુષ્યજન્મ પામી બ્રાહ્મણ પત્નીઓ થશે. ઋષિ પત્નીઓ કહે, અમારી પર અનુગ્રહ કરો અમારો કોઇ દોષ નથી. અંગિરા ઋષિ કહે, તમે શ્રીકૃષ્ણ ભગવાનને ભોજનદાન આપશો તેથી તમે શાપમુક્ત થઈ પ્રભુના ધામને પામશો. એ રીતે શ્રીકૃષ્ણે બ્રાહ્મણ પત્નીને વૃતાંત જણાવીને કહ્યું કે, હવે તમે કન્યારૂપે ગોલોક ધામમાં રહેશો. દેવીરૂપે ઋષિલોકમાં રહેશો. છાયારૂપે વિપ્રો પાસે રહેશો, એ રીતે તમે ત્રણ સ્વરૂપે થશો. એમ વરદાન માંગ્યું.