ભાગ · અધ્યાય ૪૧૨

અધર્મના નિવાસસ્થાનો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માની પીઠમાંથી અધર્મનો જન્મ થયો. તેનો માનસપુત્ર દુ:સહ. તેની પત્ની ચાર. દરિદ્રતા, ભુખ, કલહ, મલીનતા. જે સ્નાન, દાન, જપ, હોમ, ધ્યાન, પૂજાથી રહિત હોય તેના ઘરમાં અધર્મનો નિવાસ થાય છે. જે બીજાની ઉન્નતી ભાગ્ય ને ઈર્ષાથી નથી જોઇ શકતો. તેના ઘરમાં દરિદ્રતા વગેરે ચાર પત્નીનો વાસ થાય છે. પછી તે અધર્મ સર્ગનો વંશ બ્રહ્માને, વિષ્ણુને, ઈન્દ્રને, યમરાજને કહે, અમારે ક્યાં વાસ કરવો ? સર્વે દેવો કહે, જ્યાં માતા-પિતા, ગુરુ, બ્રાહ્મણ, અતિથિ દેવ વગેરેની સેવા ન થતી હોય ત્યાં તારે કુટુંબ સહિત વાસ કરવો. જ્યાં સ્ત્રીઓની નિંદા, વૃદ્ધોનું અપમાન થતું હોય. ત્યાં તારે વાસ કરવો.

જ્યાં પરોપકાર ન હોય. કથા શ્રવણ ન હોય. ત્યાં તારે વાસ કરવો. જ્યાં લસણ ડુંગળી વગેરે દુર્ગંધવાળા ભોજન થતાં હોય, જ્યાં મૈથુન પછી સ્નાન શુદ્ધિ ન થતી હોય ત્યાં તારે વાસ કરવો. જ્યાં મધ, માંસ ભોજન થતા હોય જ્યાં નાટક, ભાંડ, ભવાઇ, વેશ્યામાં પ્રીતિવાળા મનુષ્યો હોય ત્યાં અધર્મ તારે કુટુંબ સહિત વાસ કરવો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે અધર્મસર્ગ ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને પડવાને દિવસે ફરવા નીકળે છે. જ્યાં ડેલીએ, દરવાજે, ચોકમાં દીવો ન હોય, રંગોળી સ્વસ્તિક પુર્યા ન હોય, સ્વચ્છતા ન હોય ત્યાં વાસ કરે છે. જ્યાં પતિવ્રતા નારી હોય પત્નીવ્રત નર હોય વૈષ્ણવ ભક્તો હોય જ્યાં લક્ષ્મી પૂજન, ગણેશ પૂજન થતું હોય ત્યાં ક્યારેય પણ અધર્મ વાસ કરતો નથી.