ભાગ · અધ્યાય ૨૨૩

રૂક્મણી તીર્થ મહાત્મ્ય

એક વખત દુર્વાસા ઋષિ યાત્રા કરવા નીકળ્યા. દ્વારકા સમુદ્રમાં સ્નાન કરતા હતાં. ત્યાં શ્રીકૃષ્ણને ખબર થવાથી રૂક્મણિને સાથે લઇને દર્શને ગયા. દુર્વાસા ઋષિને પગે લાગ્યા. ઋષિ કહે : પત્ની સંપત્તિથી સુખી છો ? શ્રીકૃષ્ણ કહે : તમારા આશીર્વાદથી સુખી છું. દુર્વાષા ઋષિ કહે : તમારે પત્ની કેટલી છે ? શ્રીકૃષ્ણ કહે : સોળ હજાર, એકસોને આઠ પત્નીઓ છે. સર્વેને દશ દશ પુત્રો, એક એક પુત્રી છે, સર્વે પ્રજાને માટે નવ લાખ મહેલો કર્યા છે. પછી પરીક્ષા કરવા ઋષિ કહે : મને રથમાં બેસાડીને તમે બંને રથ હાંકો, ત્યારે શ્રીકૃષ્ણ રૂક્મણિએ સાથે રથને ચલાવ્યો. માર્ગમાં રૂક્મણિને તરસ લાગી એટલે શ્રીકૃષ્ણને કહ્યું. શ્રીકૃષ્ણે પગથી પૃથ્વીને ભેદી પાતાળ ગંગા કાઢી. રૂક્મણિએ ઋષિને પૂછ્યા વિના પાણી પીધું. ઋષિ ક્રોધ કરી બોલ્યા : મને પૂછ્યા વિના પાણી પીધું માટે તું અહીં જ વાસ કર. તને શ્રીકૃષ્ણ વિયોગ થશે. શ્રીકૃષ્ણે વિનયથી ઋષિને પ્રસન્ન કર્યા. ત્યારે ઋષિ કહે : શાપ મિથ્યા નહી થાય. પરંતુ તમારે સવારે રોજ અહીં રૂક્મણિ પાસે આવવું. શ્રીકૃષ્ણ કહે : મારા વિયોગથી રૂકમણી ગંગાજળની સાથે કાયમ અહીં વાસ કરશે. જે યાત્રિકો અહીં સ્નાન કરશે તેનો મોક્ષ થશે. ત્યાં રૂક્મણિના ત્રણ સ્વરૂપો થયેલા છે. એક સ્વરૂપે ત્યાં વાસ કરે છે, બીજે સ્વરૂપે જલરૂપે થયા. ત્રીજે સ્વરૂપે શ્રીકૃષ્ણ સાથે મહેલમાં વાસ કર્યો.