વિષ્ણુદત્ત બ્રાહ્મણને ભગવાન વિષ્ણુ વૈકુંઠ લઇ ગયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, યજ્ઞથી, દાનથી ધ્યાન શ્રેષ્ટ છે. ધ્યાનથી ભાવના શ્રેષ્ટ છે. ભાવનાથી નિષ્કામ સ્નેહ ઉત્તમ છે. પૂર્વે કાંચીપુરમાં ચૌલરાજા યજ્ઞ દાન પુણ્ય કરી ધર્મથી પ્રજાનું પાલન કરતો. પુણ્યથી વિમાનમાં ફરતો. એકવાર ક્ષીર સમુદ્રમાં ગયો. શેષનારાયણની મણિરત્નોથી પૂજા કરી. ત્યાં તે રાજ્યના વિષ્ણુદત્ત બ્રાહ્મણે આવી તુલસી પુષ્પથી પૂજા કરી. રાજા કહે, તેં મારી પૂજાના મણિ કાઢી લીધા. વિષ્ણુદત્ત બ્રાહ્મણ કહે, પ્રભુ પાસે મણિ, રત્નોની કિંમત નથી. પ્રભુ તો સ્નેહના ભુખ્યા છે. રાજા કહે, હું યજ્ઞ કરીને દાન કરીને પ્રભુને બોલાવું છું. તું પૂજા કરી બોલાવી દે. વિષ્ણુદત્ત બ્રાહ્મણ કહે, પ્રભુ રાગદ્વેષ, ઈર્ષ્યા અભિમાનથી નથી આવતા પણ પ્રેમ ભક્તિથી આવે છે. રાજા કહે, યજ્ઞદાનથી ઈશ્વરો પ્રસન્ન થાય છે. એમ કહી રાજ્યમાં આવી અભિમાનથી યજ્ઞનો આરંભ કર્યો. ઈર્ષાથી વિપ્રોને ભોજન કરાવી દાન આપ્યા. દેવો સર્વે હવિષ્યાન્ન અગ્નિમાં હોમેલું ગ્રહણ કરતા. પેલો વિષ્ણુદત્ત બ્રાહ્મણ રોજ પ્રભુને સ્નાન કરાવી તુલસી પુષ્પોથી પૂજા કરતો. બપોરે થાળ અદૃશ્ય થયો. બ્રાહ્મણ જમ્યો નહીં. બીજે દિવસે પણ તેમ જ થયું. એમ સાત દિવસ સુધી થાળ અદૃશ્ય થયો. સાત દિવસ સુધી બ્રાહ્મણ ભુખ્યો રહ્યો. સાતમે દિવસે વિષ્ણુદત્ત બ્રાહ્મણે મંદિરને ખુણે ઊભા રહી જોયું. ત્યાં એક દરિદ્ર ભીક્ષુક થાળી લઇ ભાગવા ગયો. બ્રાહ્મણને દયા આવી કહે શુષ્ક ભોજન ન કર. લે તને ઘી આપું. પેલો ભીક્ષુક ભયથી ભાગવા ગયો. ત્યાં પડી ગયો. વિષ્ણુદત્ત બ્રાહ્મણ લુગડા ખંખેરી પવન નાખીને હાથ જાલીને ઉભો કર્યો. પવન નાખ્યો ત્યાં તો સાક્ષાત વિષ્ણુએ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. બ્રાહ્મણ ગદ્ગદીત થઈ સ્તુતિ કરવા પણ સમર્થ ન થયો.
ચૌલરાજાને ત્યાં યજ્ઞમાં રહેલા દેવો સર્વે વૃતાંત જાણીને શ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા ગયા. વિષ્ણુદત્ત બ્રાહ્મણને ત્યાં આવ્યા. રાજા કહે, સર્વે ત્યાં કેમ જાવ છો. દેવો કહે, સાક્ષાત પ્રભુ વિષ્ણુદત્ત બ્રાહ્મણને ત્યાં પધાર્યા છે. સર્વે દેવો સ્તુતિ કરવા લાગ્યા. ગાંધર્વો ગાવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ચૌલરાજાનું અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષા સર્વે ચાલ્યા ગયા. રાજા ભાણેજને રાજ્ય સોંપીને અગ્નિકુંડ પાસે ઉભા ત્યાં વિષ્ણુ ભગવાનનું વિમાન વિષ્ણુદત્ત બ્રાહ્મણને લઈ જતા જોયું. રાજા કહે, હે ભગવાન તમે યજ્ઞથી, પુણ્યથી, પ્રસન્ન થતા નથી પરંતુ ભાવના અને પ્રેમભક્તિથી પ્રસન્ન થાવ છો. એમ કહીને ચૌલરાજા અગ્નિકુંડમાં પડ્યો. ત્યાં કૃષ્ણનારાયણ પ્રભુ ચતુર્ભુજરૂપે રાજાને દર્શન આપીને વિમાનમાં બેસાડી વૈકુંઠ ધામમાં લઇ ગયા.