ભાગ · અધ્યાય ૪૮૮

કળશ રાજા દુર્વાષાના શાપથી છૂટીને પરમપદને પામ્યા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચમત્કારપુર નાગમતી નદીથી દક્ષિણમાં પાંચ યોજનના સરોવરમાં દુર્વાસા સ્નાન કરી કળશ રાજા પાસે ગયા અને કહ્યું, મે ચાર્તુમાસનું તપ કર્યું છે. પારણુ કરવું છે. ભુખ લાગી છે. ભોજન આપ. રાજાએ મિષ્ટાન્ન વગેરે ભોજન આપ્યું પણ માંસયુક્ત હતું. દુર્વાસાને જ્યાં ખબર પડી તો રાજાને શાપ આપ્યો. તે મને માંસવાળુ ભોજન આપી વ્રત ભંગ કરાવ્યું. માટે તું માંસ ખાનારો વનમાં વાઘ થા, રાજા પગે લાગી કહે, અજાણતા અપરાધ થયો ક્ષમા કરો, કૃપા કરો. દુર્વાસા કહે, નંદીની ગાય અહીં શંકરને દૂધથી સ્નાન કરાવવા આવશે. ત્યારે તારો મોક્ષ થશે.

એકવાર ગાયો ત્યાં ચરતી હતી. તેમાં નંદીની ગાયે ત્યાં રહેલા શિવલિંગ પર દૂધનો સ્રાવ કર્યો. વાઘે આવી ગાયને પકડી. ગાય કહે, મારા વાછડાને ધવરાવીને આવું. પછી મને ખાઈ જજે. જો હું પાછી ન આવું તો અસત્યનું પાપ સર્વે મને લાગે. ગાય વાછરડાને ધવરાવીને આવી. વાઘને કહે, મને ખાઈ જા. વાઘ કહે, સત્યને મારે કેમ મરાય. ગાય કહે : સત્યુગમાં તપ, ત્રેતાયુગમાં ધ્યાન, દ્વાપરયુગમાં યજ્ઞ અને કળીયુગમાં દાન અને શ્રીહરિનું નામ તે તારનારું છે. તેથી હે વાઘ આ જગ્યાએ પૃથ્વીમાં શંકર રહ્યા છે. તેથી પૂજા- પ્રદક્ષિણા કર. પછી વાઘે શંકરની પ્રદક્ષિણા કરી ત્યાં શંકર પ્રગટ થયા અને વાઘને રાજાનારૂપે બનાવ્યો. રાજાએ ગાયની તથા શંકરની પૂજા કરી. શંકરે રાજાને “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને નમ:” એ મંત્ર આપ્યો. પછી રાજા એ મંત્રનો જપ કરી મહાન ભક્ત થયો. અને અંતે પ્રભુના ધામમાં ગયો. એ રીતે કળશ રાજા દુર્વાસાના શાપથી મુકાઈને પરમપદને પામ્યા.