જસુકરૂ મુનિ અને પતિવ્રતા જસુકાર્વીએ સર્પોની રક્ષા કરી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તારા અંશરૂપ પતિવ્રતા જસુકાર્વીની કથા કહું સાંભળ. તે કશ્યપની માનસી કન્યા હતી. તેણે ત્રણ યુગ તપ કર્યું. શ્રીકૃષ્ણનારાયણના અંશરૂપ જસુકરૂ મુનિ પુષ્કરમાં તપ કરતા હતા. તે મુનિને કશ્યપે પોતાની કન્યા આપી. જશુકાર્વી પતિની સેવા પ્રભુ માનીને કરતી. એકવાર સંધ્યા સમયે પતિ સૂતા હતા. તેને જગાડ્યા. મુનિ જાગી ક્રોધ કરી કહે, શા માટે જગાડ્યો ? તારી પતિવ્રતાની ભક્તિમાં ખોટ પડી તે પાપે તારે કુંભી પાકમાં પડી ચાંડાલીને ત્યાં જન્મ લેવો પડશે. પત્ની કહે સૂર્યાસ્ત સંધ્યા સમયે સંધ્યા કર્યા વિના સૂવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેથી મેં તમને જગાડ્યા. મુનિ કહે, તને ખબર છે કે હું સૂતો હોઉં ત્યાં સુધી સૂર્યાસ્ત થાય નહીં. એમ કહીને સૂર્યને બોલાવ્યા. સૂર્ય આવી મુનિને પગે લાગી બોલ્યા તમે શાપ ન આપો. વિપ્ર ક્રોધથી જગત નાશ થાય છે. વિપ્ર સંતોષ પામે તો જગત સ્થિર રહે છે. વૈષ્ણવભક્ત સર્વનું મંગલ કરે છે. સૂર્યની સ્તુતિ સાંભળી મુનિ શાંત થઈ આશિર્વાદ આપ્યા. પછી મુનિએ પત્નીને કહ્યું મારે તપ કરવા જવું છે માટે તારો ત્યાગ કરું છું. મુનિપત્ની સાંભળી દુ:ખી થઇ અને પતિવ્રતાના પ્રભાવથી શંકરને, શ્રીહરિને, પિતા કશ્યપને બોલાવ્યા. સર્વે તરત આવ્યા. મુનિ કહે, તમને કોણે બોલાવ્યા ?
કશ્યપ કહે, મુનિ આ તમારી પત્ની લક્ષ્મીનો અંશ છે. જગતને સુરક્ષિત રાખવા સમર્થ છે આનો તમે ત્યાગ કરશો તો ધર્મ લોપ થશે, નરકે જશો, ગૃહસ્થ પુત્રની ઉત્પતિ કર્યા વિના પત્નીનો ત્યાગ કરી મુનિ થાય તો તેનું તપ, પુણ્ય, નિષ્ફળ થાય છે. જેમ પાણી ચારણીમાં નથી રહેતું તેમ વૃક્ષ પણ વેલનો ત્યાગ નથી કરતું. શબ્દ અર્થશક્તિનો ત્યાગ નથી કરતો. સૂર્ય આકાશનો ત્યાગ નથી કરતો. તે રીતે હે મુનિ તમારે સાધ્વી પતિવ્રતાનો ત્યાગ કરવો યોગ્ય નથી. એમ કહી સર્વે દેવો ગયા. પછી સાધ્વી મુનિને કહે વિષયોનો ત્યાગ કરવો શ્રેષ્ટ છે. પણ પતિએ પત્નીનો ત્યાગ કરવો શ્રેષ્ટ નથી. પતિ પત્ની ત્યાગ કરે છે તે સ્ત્રીને માટે મરણ સમાન કહેવાય છે. તે સ્ત્રી તિરસ્કારને પાત્ર થાય છે અને ચાંદલો કાજળ અંબોડા વગેરે સર્વ સૌભાગ્યચિહ્નથી રહિત થાય છે. માટે તમારી આજ્ઞામાં રહી તમારી સાથે જ રહીશ. પત્નિનું આવુ ધર્મવાક્ય સાંભળીને મુનિએ પત્નીની નાભિને સ્પર્શ કરી, યોગ બળથી ગર્ભ આપ્યો. આશિર્વાદ આપ્યો. આ તને ધર્મિષ્ટ, તેજસ્વી, જ્ઞાનીપુત્ર થશે. આ ભક્તપુત્ર કૂળનો ઉદ્ધાર કરશે અને તું પણ તેવી જ માતા થઇશ. ભગવાન ભજવાનું કહે તે માતા. શ્રીહરિ ભક્તિમાં સહાય કરે તે પુત્ર. તે ગુરુ કહેવાય છે જે પ્રભુભક્તિ કરાવે, જ્ઞાન આપી મોક્ષ કરે. જે યમના દુ:ખથી છોડાવે તે માતા છે. જે માયાના બંધનથી મુકાવે તે પિતા છે. માટે હે સાધ્વી તું શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરજે. હું તપ કરવા જાઉં છું. તપ કરવામાં સ્ત્રી વિઘ્નરૂપ છે. એમ કહીને મુનિ પત્ની લઇ કૈલાશમાં શંકર-પાર્વતી પાસે ગયા, અને સર્વ વાત કરી.
શંકરે કહ્યું, યોગીને આત્મતૃપ્તિથી વિયોગનું દુ:ખ થાતું નથી. પછી મુનિ પોતાની પત્નીને કૈલાશમાં શંકર-પાર્વતીને સોંપી પુષ્કરમાં તપ કરવા ગયા. સાધ્વી જસુકાર્વી ગુરુ- ગુર્વાણી શંકર-પાર્વતીને પામી તેની સેવામાં પ્રસન્ન રહેતી. સમય જતા સાધ્વીએ બાળકને જન્મ આપ્યો. શંકરે તેને વેદ ભણાવ્યા. બ્રહ્મજ્ઞાન આપી મહાભક્ત બનાવ્યો. તે સર્પ આસ્તિક નામે પ્રસિદ્ધ થયો. જરતકારૂ મુનિ તપ કરી આવ્યા. પુત્રને આશિર્વાદ આપી શંકરને પગે લાગી ફરી તપ કરવા ગયા. ત્યારે પુત્ર પણ પિતાની સાથે ત્રણ લાખ વર્ષ તપ કર્યું. પછી માતાપિતાને નમસ્કાર કરી કશ્યપને પગે લાગી. તે સાધ્વીએ પતિવ્રતા ભક્તિથી તથા પ્રભુ ભક્તિથી સર્પસત્રમાં સર્વે સર્પોની રક્ષા કરી. એવી રીતે હે લક્ષ્મી, દેવોનું મંગલ કરનારી દૈત્યોનો નાશ કરનારી તું મારી સાથે જ છો અને અનંતરૂપે ધામમાં રહેલી છો.
ગોલોકમાં રાધા, દુર્ગા, સરસ્વતી, ગંગા અને પદ્મા આ પાંચ રૂપે છો. વૈકુંઠમાં અનંત લક્ષ્મીરૂપે છો. સર્વે ધામમાં લક્ષ્મીરૂપે રહેલીઓ છો. પરમધામમાં જયા, લલિતા, માણિકી, સીતા, પ્રભા, પાર્વતી, મંગલ, સતી, જગતમાતા, કંભરા, પદ્મિની, તુલસી, વૃંદા, ભાર્ગવી, માધવી વગેરે અનેક બ્રહ્મપત્નીઓ રહેલી છો. તથા હંસા, મંજુલા, ચંપા, દયા, મુક્તા, દેવીકા, શાંતિ, શાંતા, સવિતા, રૂક્ષ્મણિ, જયા, અનિલા, હેમી, સ્વર્ણા, સીતા, પદ્માવતી, રાધા, ગૌરી, કૌસ્તુરીકા, નલિની, વીજીપા, હરિણી, ચંદ્રા, લલિતા, કુમુદા, સરોજીની વગેરે હે લક્ષ્મી તારા અનેક અંશો યુગેયુગમાં મારી સેવામાં રહે છે. પાપને, તાપને નાશ કરનારું આ આખ્યાન પ્રભુભક્તિ પરાયણ સાધ્વી પતિવ્રતાનું કહ્યું. તે કથા જે કહેશે, સાંભળશે, તે આ લોકમાં સુખી થશે અને અંતે પરમધામને પ્રાપ્ત કરશે.