શંકર અને જાલંધર વચ્ચે યુદ્ધ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જાલંધર કાળનેમી શુંભ-નિશુંભ વગેરે કરોડો અસુરોને લઇને શંકરની સાથે કાર્તિક સ્વામી, ગણેશ, નંદી વગેરે ગણોની સાથે અસ્ત્રો-શસ્ત્રોથી મહાભયંકર યુદ્ધ કરતા હતા. પરસ્પર એકબીજાને શસ્ત્રોથી ઘાયલ કરતા હતા. દૈત્યોનો નાશ થતો જોઇ જાલંધર કહે : શૂરવીર થઇને લડો મરશો તોય સ્વર્ગમાં જશો. એમ કહીને પોતે વીરભદ્ર સાથે લડવા ગયો. ત્યાં તેને પાર્વતી યાદ આવ્યા. એટલે રણસંગ્રામમાંથી નીકળીને માયાવી કપટ વિદ્યાથી શંકર જેવું રૂપ લઇ પાંચ મોઢા, દશ હાથ, ત્રણ નેત્ર, જટા, ચર્મભસ્મ, સર્પ ધારણ કરીને, પાર્વતી પાસે આવ્યો. પાર્વતીએ પણ શંકરને રજોગુણના ભાવવાળા જોયા એટલે પલંગ પર બેઠા. ત્યાં જાલંધરે આવીને પાર્વતીને જોયા. ત્યાં ધાતુ સ્ત્રવી ગયો અને જડ જેવો થઇ ગયો. પાર્વતી તરત જાણી ગયા અને સ્તનમાંથી દૂધ ટીપું ગયું, અદૃશ્ય થયા.
જાલંધર પાર્વતીને નહીં જોવાથી જાલંધર શાપના ભયથી પાછો યુદ્ધમાં આવ્યો. પાર્વતીએ મહાવિષ્ણુને સંભાર્યા. તરત જ મહાવિષ્ણુ આવ્યા. પાર્વતી કહે : જાલંધર મને છેતરવા શંકરનું રૂપ લઇને આવ્યો હતો. તે તમે ન જાણ્યું. વિષ્ણુ કહે : મેં સર્વે જાણ્યું આજ્ઞા આપો શું કરું. પાર્વતી કહે : જાલંધરે જેવું કપટ કર્યું તેવી રીતે તમે કપટ કરી વૃંદાને પતિવ્રતાના વ્રતમાંથી ખંડિત કરો તો જ જાલંધર મરશે. પતિવ્રતાધર્મ પતિનું રક્ષણ કરીને મોક્ષ અપાવે છે. વિષ્ણુ કહે : બહું સારું એમ કહીને, શંકરને જાણ કરીને કપટ કરીને વૃંદાને છેતરવા ગયા. વૃંદા પણ જાલંધર જય પામી આવે તેની વાટ જોતી હતી.