શ્રીહરિને પ્રિય ત્રિસ્પૃશાવ્રત વિધિ અને મહાત્મ્ય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે હું તમને ત્રિસ્પૃશાવ્રત વિધિ કહું છું. બ્રહ્મહત્યા, ગૌહત્યા, મદ્યમાસ ભક્ષણ, સ્ત્રીહત્યા, સુરાપાન વગેરે અનેક પ્રકારના પાપોનો નાશ કરનારું આ વ્રત્ત છે. તે કાર્તિક સુદ એકાદશીએ આવે છે. સૂર્યોદય સમયે એકાદશી હોય. પછીથી બારશ બેસી જાય, બારસના સૂર્યોદય ન થયો હોય ત્યાં તેરસ બેસી જાય તેને ત્રિસ્પૃશાવ્રત કહેવાય છે. એકાદશીએ વહેલા ઉઠીને શ્રીહરિ સ્વામિનારાયણ પ્રભુની માનસી પૂજા કરી, સ્નાનવિધિ કરી, લક્ષ્મીનારાયણપ્રભુની મૂર્તિને ઘી, દૂધ, દહિં, મધ, સાકરથી પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર આભૂષણો ધારણ કરાવીને ષોડ્સોપચારથી પૂજન કરવું. બારસને બપોરે સાધુ બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન આપવું. એકાદશીએ આખો દિવસ ધૂન-કિર્તન, કથાવાર્તા વિના વ્યર્થ સમય જવા દેવો નહિ. રાત્રિએ જાગરણ કરવું. આ વ્રત નિરાહાર, જલાહાર, એકટાણું, નક્તભોજન કરીને થાય છે. આ વ્રત કરીને પ્રભુ પાસે પ્રાર્થના કરવી કે, હે પ્રભુ આ વ્રતમાં કોઇ ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો. દશ હજાર સોમયજ્ઞ, એક હજાર અશ્વમેઘ યજ્ઞના ફળને આપનારૂં આ વ્રત છે. પૂર્વે બ્રહ્માએ આ વ્રત કર્યુ હતું. સર્વે સકામ નિષ્કામ ભક્તોએ આ વ્રત વિધિપૂર્વક કરવું. સર્વતિર્થોના, સર્વદાનના ફળને આપનારૂં આ વ્રત છે.