ગણેશ અને શંકર વચ્ચે યુદ્ધ
શંકર ધ્યાનમાંથી જાગી એકલા આશ્રમે આવ્યા. જ્યાં પ્રવેશ કરવા જાય ત્યાં ગણેશે અટકાવ્યા. શંકર કહે - તું કોણ છે, તું ક્યાંથી આવે છે, દરવાજામાં પૂછ્યા વગર પ્રવેશ કેમ કરે છે, પાછા ચાલ્યા જાવ, જે માર્ગેથી આવ્યા તે માર્ગેથી ચાલ્યા જાવ. ગણેશે કહ્યું, મારી માતાની આજ્ઞા છે. અંદર કોઇને આવવા દેતો નહીં. તો પણ શંકરે સાંભળ્યું જ ન હોય તેમ અંદર જવા લાગ્યા. ગણેશ તરત જ પાસે જઇને કહે, મારી મા અંદર સ્નાન કરે છે. પાછો વળી જા. શંકર કહે : મારા ઘરમાં મને અટકાવનાર તું કોણ ? ચાલ્યા જાવ, મારા દરવાજેથી એમ કહી ગણેશને હાથ પકડીને બહાર કાઢયા. ત્યાં તો ગણેશે શંકરને બે હાથે પકડી ખેંચી બહાર કાઢ્યા. શંકરે જાણ્યું કે, આતો બળવાળો છે આને શરીરથી જીતાશે નહીં કળથી જીતાશે. કોક રાક્ષસે આવીને આ કૈલાશને પોતાને આધીન કર્યો લાગે છે. હવે હું ગણ પાસે જાઉં તો મારે નીચું મુખ કરવું પડે. શંકરે ગણેશને સમજાવ્યા. આ મારો કૈલાશ છે. પાર્વતી મારી પત્ની છે. તું મને અંદર જવા દે. ગણેશ કહે : જંગલમાં રહેનારા શઠજાડા મારી મા પાર્વતીને તું પત્ની કહે છે. દૂર જા. શંકર કહે : હે બાળક, તારા માતા-પિતા કોઇ નથી. શા માટે પ્રાણને ત્યજવા ઈચ્છે છે. જો મને અંદર નહીં જવા દે તો ત્રિશૂલથી મારી નાખીશ. એમ કહી શંકરે ગણેશને પકડ્યા. ગણેશ પણ શંકરને પકડીને મુઠ્ઠીઓ, કોણીથી, પગથી પાટુઓ મારવા લાગ્યા. શંકર પણ તેવી જ રીતે યુદ્ધ કરવા લાગ્યા. ગણેશે શંકરને ઉપાડી હેઠા પછાડી છાતી માથે ચડી બેઠાંને મુઢમાર માર્યો. શંકર કહે : અરે હું મરી ગયો મૂકી દે. તારી પૂજા કરી તને લાડુ આપીશ. ગણેશ પડખે ઊભા રહ્યા. શંકરે ઊભા થઇ જટા સરખી કરી ધૂળને ખંખેરી ત્રિશૂલ લઇને ગણેશને કીધું. અંદર તારી માને પૂછી આવ શંકર તારે શું થાય ?
ગણેશ કહે : તું ધૂતારો છો તને શસ્ત્રથી મારવો જોશે. શંકર કહે : આજ તું મરવાનો થયો છે. ગણેશ કહે : માતા-પિતા પત્ની માટે સાધુ માટે પ્રાણ આપે તો સ્વર્ગમાં જાય અથવા મોક્ષ થાય. એમ કહીને બંને પરસ્પર ત્રિશૂલથી યુદ્ધ કરવા લાગ્યા. જ્યાં સુધી જાણ્યું નથી, ત્યાં સુધી સ્નેહ થતો નથી. એક બીજાના આયુધો કાપવા, ભાંગવા લાગ્યા. પછી ક્રોધિત થયેલા શંકરે ત્રિશૂલથી ગણેશનું મસ્તક કાપી નાખ્યું. ક્રોધિત લાલ નેત્રોવાળા શંકર પાર્વતી પાસે આવ્યા. પાર્વતી પગે લાગ્યા. મહાદેવ તમે ક્રોધવાળા કેમ છો. શરીરે લોહી કેમ ચોંટ્યું છે. શંકર પાર્વતીને કહે : દરવાજે જડ જેવો કોને રાખ્યો હતો ? પાર્વતી કહે : તે તો તમારો પુત્ર ગણેશ. તમે ન્હાવા ગયા તમારો સત્વ મારા શરીરે ચોંટ્યો હતો તેનું મેં પૂતળું બનાવ્યું. તે બાળકપુત્ર ગણેશ થયો. શંકર કહે : તેણે તો મને અંદર આવવા ન દીધો. હેરાન-પરેશાન કરી મૂક્યો પછી મેં ત્રિશૂલથી મારી નાખ્યો. પાર્વતી આ સાંભળીને ટીંટોડીની જેમ રાડો પાડી રોવા લાગી. અરે મારે પુત્રનો શોક કરવો કે પતિનો શોક કરવો. અરે પુત્ર તું સ્વયં કૃષ્ણ જન્મી મરી ગયો. હે શંકર જો તમે તેને જીવતો નહીં કરો તો હું અનાજ નહીં લઉ. અહો લોકમાતા શોકવાળા નહીં હોવા છતાં શોક કરે છે. આ લોકમાં દેહનો સંબંધ જ્ઞાનીને પણ શોક કરાવે છે. પાર્વતીનો વિલાપ સાંભળી સર્વે ગણો, દાસીઓ આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ વગેરે ચૌદ લોકના દેવો આવ્યા. શંકર ગણેશને જીવતો કરવા વિચારવા લાગ્યા.