ભાગ · અધ્યાય ૧૫૮–૧૬૧

નારાયણધરા, દામોદરકુંડ અને ગીરનારની પ્રદક્ષિણાનું મહાત્મ્ય

આ અધ્યાય 158–161 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે નારાયણધરામાં પિતૃઓના શ્રાદ્ધ કરવાથી મોક્ષ થાય છે. તથા પડવે શ્રાદ્ધ કરે તો સારી પત્ની મળે. બીજનું શ્રાદ્ધ કરવાથી સારો પુત્ર પ્રાપ્ત થાય. ત્રીજથી અશ્વો મળે. ચોથથી દૂધવાળા પશુ મળે. પાંચમે ઇશ્વરો જેવા પુત્ર થાય. છઠનું શ્રાદ્ધ કરવાથી નીરોગી રહે. સાતમથી ખેતી મળે. આઠમથી વેપારમાં લાભ થાય. નોમથી પશુઓ મળે, દશમથી ગાયો-ભેંસો મળે. એકાદશીએ વસ્ત્ર-વાસણ મળે. બારસે સુવર્ણ મળે. તેરસે જ્ઞાતિમાં મોટો થાય. ચૌદશે યુદ્ધમાં વિજય, પૂનમે સમૃદ્ધિવાળો. અમાસે શ્રાદ્ધ કરનારાના સર્વે સંકલ્પ પૂર્ણ થાય તથા અનેક પ્રકારની ઈચ્છાવાળા સકામ ભક્તોએ સર્વ નક્ષત્રોમાં પિતૃ શ્રાદ્ધ કરવા, પૂર્વે થયેલા ઋષિઓએ પણ પિતૃ શ્રાદ્ધ કરેલા છે. જાણતા-અજાણતા થતા પાપો શ્રાદ્ધ તથા દાન આપવાથી તથા સાધુ-બ્રાહ્મણોને જમાડવાથી પાપ નાશ પામે છે.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કુંકુમવાપીના નારાયણના અંશ પત્નીવ્રતદ્વિજે કાર્તિકમાં તે દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરની પૂજા કરી વિપ્રોને ભોજન કરાવતા હતા. દામોદર પ્રભુ વિપ્રરૂપે આવી કહ્યું, અહીં નારાયણધરો છે. સ્વર્ણરેખા નદી છે. જ્યાં સાક્ષાત અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સ્નાન કરેલું છે એમ કહી નારાયણધરાનું પાણી પીધું. ત્યાં તો વિપ્રની વૃત્તિઓ શાંત થઇ. પોતાના આત્માના તેજમાં અક્ષરધામ જોયું. તો પોતાને જોયા, મુક્તોને જોયા, પરબ્રહ્મના દર્શન કર્યા. ત્યાંથી દામોદર વિપ્ર તથા પત્નીવ્રતદ્વિજ ગોલોકમાં આવ્યાં. ત્યાં શ્રીકૃષ્ણના, ગોપ-ગોપીઓના દર્શન કરી વૈકુંઠમાં આવ્યા. ત્યાં લક્ષ્મીનારાયણના દર્શન કરીને ભૂમા પુરુષના લોકમાં ત્યાંથી આવ્યા. અવ્યાકૃતધામમાં પ્રકૃતિપુરુષના લોકમાં, ઇશ્વરોના લોકમાં થઇને નારાયણધરે આવ્યા. વિપ્રોએ સર્વે ધામોમાં નારાયણધરાનો મહિમા સાંભળ્યો.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દામોદર ભગવાન વિપ્રરૂપે તથા પત્નીવ્રતદ્વિજ નારાયણના અંશ બેય વિપ્રો ત્યાં નારાયણધરે આત્મામાં રહેલા પરબ્રહ્મ પરમાત્માને શ્રાદ્ધ અર્પણ કરતા હતા. તથા મુક્તોને સંભાળીને ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય આ ચાર પ્રકારના ભોજનો શ્રાદ્ધમાં આપીને પ્રસન્ન કરતા હતા. બ્રહ્મપ્રિયાઓ આ શ્રાદ્ધથી તૃપ્તિ પામી. પિતૃઓ, ઇશ્વરો, દેવો- દેવીઓ સર્વે જડ ચેતન શ્રાદ્ધથી તૃપ્તિ પામો. ગોલોકમાં રહેલા શ્રીકૃષ્ણ-રાધા, સખીઓ, ગોપ-ગોપીઓ, દાસ-દાસીઓ સર્વે શ્રાદ્ધથી તૃપ્તિ પામો. મહાલક્ષ્મી, મહામાયા, જ્ઞાનક્રિયા, યોગી, પદવી, સત્યસેની પદ્મા, જયા, પાંચાલી, ભાર્ગવી, લલીતા, રમા, પાર્વતી, પ્રભા, માણિકી, લક્ષ્મી, ઇશ્વરી, અમૃતા, પ્રદીપા, કૃષ્ણા, કુંભસ્તની, અમુલા, તક્ષિણી, પ્રેમા, ચતુરા, મણિ, ધની, ઉજની, ઓજસ્વતી, નંદના, કુરુની, મીની, નવવૃત્તા, મનોવરા, રત્ના, જાનુ, લડુ, મૌકતી, આનંદા, મુક્તા, કસ્તુરી, શાંતિ, હંસા, રેવા, સવિતા, મૂળી, રૂઠી, મંજુદેવી, નિર્મળા, ગોદાવરી, રળીયાત, જટી, દયા, રમા, પાનીચંપા, પ્રેમી, મીઠી, મનુ, વજી, પુષ્પા, હેમની, રાજતી, નલિની, માધવી વગેરે બ્રહ્મપત્નીઓ તથા પ્રભુના પાર્ષદોને સંભારીને શ્રાદ્ધ ભોજન આપતા હતા અને સ્તુતિ કરતા હતા. અમારી ઉપર પ્રસન્ન થાઓ. એ રીતે તે બંને વિપ્રો નારાયણ અવતારો તે નારાયણધરે શ્રાદ્ધ કરીને પુરુષોત્તમ નારાયણને ભક્તિરૂપ તર્પણ કરતા હતા.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, રૈવતાચલમાં એક માસ રહી ભોજન કરી વાસ કરશે તથા નારાયણધરામાં દામોદરકુંડમાં પાણી પીશે તેનો પણ મોક્ષ થશે. ગીરનારની પ્રદક્ષિણા કાર્તિકમાં કરશે તેને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળશે.