પુરુષોત્તમ માસની પૂનમની તિથીની પૂજનવિધિ - શ્રેયસી-પ્રેયસી બંને કન્યાઓ ભુક્તિ-મુક્તિ નામે પ્રસિદ્ધ થઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ધર્મદેવ અને ભક્તિ દેવીને શ્રેયસી અને પ્રેયસી બે પુત્રીઓ હતી. તે બંને માતાપિતાની અતિ સેવા કરતી હતી. સવારમાં સ્નાન કરી માતા-પિતાને પગે લાગી શ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી જ્ઞાનદાન, આત્મબોધ, વિજ્ઞાન, બ્રહ્મકર્મ કરીને પછી ગૃહકાર્ય કરતી. શ્રેયસી સેવાથી પિતાને પ્રસન્ન કરવાથી, આશિર્વાદથી સર્વેને મોક્ષ સમાન સુખ આપનારી મુક્તિ નામે પ્રસિદ્ધ થઇ. પ્રેયસી સેવાથી પિતાને પ્રસન્ન કરીને આશિર્વાદ પામી ભુક્તિ નામે પ્રસિદ્ધ થઇ. જેણે માતા-પિતાની સેવા કરી તેણે સર્વે દેવોને રાજી કરી નારાયણને રાજી કર્યા. પુત્ર વિનાના મા-બાપની સેવા જો પુત્રી કરે તો પુત્રીને પુત્ર સમાન કહેલી છે. તે પુત્રીથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. જેને પુત્ર ન હોય તેને પુત્રીને ઉપવિત આપી યજ્ઞ, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃ તર્પણ વગેરે કરાવવા કરવા તથા પુત્રીએ જીવનપર્યંત બ્રહ્મચર્યનું પાલન કરી, માતા-પિતાની સેવા કરવી. બ્રહ્મચર્ય છે તે પાપોને બાળી નાખે છે. આવી રીતે જે શ્રેયસી, પ્રેયસી, માતા-પિતાની સેવા કરતી હતી, તેણે નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસનું પુનમનું વ્રત કરનારને હું પુરુષોત્તમ આપું છું.
પુરુષોત્તમ નારાયણનું કૃપાવાક્ય નગારાથી સાંભળી નમસ્કાર કરી બંને બહેનોએ પુરુષોત્તમ નારાયણની સુવર્ણની મૂર્તિ બનાવી. પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર-આભૂષણો ધારણ કરાવીને, ષોડ્શોપચારથી પૂજન કરી, નૈવેદ્ય ધરી, મિષ્ટાન્ન, દૂધપાક જમાડ્યા, મુખવાસ અર્પણ કર્યો, પછી આરતી કરી, સ્તુતિ, પ્રાર્થના કરી. હે પ્રભુ હે ધામના ધામી, અવતારોના અવતારી, હે પુરુષોત્તમ નારાયણ અમને સદા કુમારીપણુ આપજો. મુક્તિ, સ્થિતિ આપી સદા બ્રહ્મધામમાં વાસ આપજો. હે અક્ષરાધિપતિ પુરુષોત્તમ તમે માતા-પિતા, કૃપાનાથ ફળ આપનારા છો. હે અંતર્યામી પ્રસન્ન થઇ અક્ષરધામમાં લઇ જજો ત્યાં પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણે દિવ્ય કિશોર સ્વરૂપ ધારણ કરી હાથી પર બેસી અલૌકિક દર્શન આપ્યા. અનેક ચિહ્નોથી શોભતા વીજળી જેવી તેજસ્વી રેખાથી શોભતા, મનોહર વસ્ત્ર, અલંકારો, પુષ્પોના હારથી શોભતા, શુલ, મીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિક, ચિહ્નોથી શોભતા. ઉદર પર ત્રીવળી, હૃદયમાં શ્રીવત્સના ચિહ્નવાળા, સાથળમાં શ્વેતલક્ષ્મીથી શોભતા, ત્રણ ઘુંટીવાળા, એવા અનાદી શ્રીકૃષ્ણનારાયણનું દિવ્યદર્શન કરી શ્રેયસી, પ્રેયસી અતિ આનંદ પામીને પુરુષોત્તમ નારાયણના કંઠમાં પુષ્પમાળા અર્પણ કરી.
પુરુષોત્તમ નારાયણ કહે, હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. પુરુષોત્તમ માસના પૂનમના વ્રતથી અને ભક્તિથી હું તમને દિવ્ય બનાવીને અક્ષરધામમાં લઇ જઇશ.એમ કહી અદૃશ્ય થયા. બંને બહેનોએ સાંજે પૂજન કરી ભોજન કરાવીને રાત્રે જાગરણ કરી ગીત, વાજીંત્ર સાથે નૃત્ય કર્યું. ત્યાં તેજસ્વી પુરુષોત્તમ નારાયણ આવ્યા. ધર્મદેવ, ભક્તિદેવી પણ આવ્યા તેમણે કહ્યું. હે પુરુષોત્તમ, તમે આ બંને કન્યાઓને અક્ષરધામમાં લઇ જાઓ. શ્રીહરિએ તે બંનેના બે-બે સ્વરૂપો કરી દીધા. શ્રેયસી-પ્રેયસીને અક્ષરધામમાં લઇ ગયા અને તેના બીજા બે સ્વરૂપો ભુક્તિ-મુક્તિ તે માતા-પિતાની સેવામાં રાખ્યા. તેથી જ્યાં ધર્મદેવ, ભક્તિદેવી હોય ત્યાં ભુક્તિ-મુક્તિ હોય જ. જે ભક્તજનો પુરુષોત્તમ માસના આ અધ્યાયનો પાઠ કરશે, વાંચશે, સાંભળશે તે પણ આ વ્રતના ફળને પામશે અને પુરુષોત્તમ નારાયણને વિષે સ્નેહભક્તિ કરી પૂર્ણ પ્રસન્નતા પ્રાપ્ત કરશે.