દત્તાત્રેય દ્વારા અલર્ક રાજાને તત્ત્વજ્ઞાન અને આત્મજ્ઞાનનો ઉપદેશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દત્તાત્રેય ભગવાને અલર્કને તત્ત્વોનો ઉપદેશ આપ્યો તે કહું સાંભળ. ગુરુ કહે, તને દુ:ખ કેમ આવ્યું ? તે કહો તો તેનો ઉપાય બતાવું. અલર્ક કહે, મારા મોટાભાઇ સાધુ થયા છતાં મારી પાસેથી રાજ્ય માટે યુદ્ધ કરે છે. તે દુ:ખ નાશ કરો. દત્તાત્રેય કહે રાજ્ય તારું પહેલા હતું નહીં. તારા પછી તારું રહેશે નહીં. રાજ્ય સાથે તારા આત્માને કઈ સંબંધ નથી. તો દુ:ખ શેનું ! આ પાણી ગ્રહણ કરી પી અને માથે ચડાવ, નેત્રમાં છાંટ. પછી જો તારા આત્મામાં માયાનો એક પણ દુર્ગુણ નથી. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા બ્રહ્માંડમાં માયાના ત્રણ ગુણથી સર્વકાર્ય થાય છે તેને શરીર સાથે સંબંધ છે. શુદ્ધ સત્વગુણથી, જ્ઞાનમય વિચારથી, શાસ્ત્ર અભ્યાસથી, સાર-અસારના વિવેકથી, જડ ને ચૈતન્યનો વ્યવહાર સમજે તો પ્રકૃતિના પદાર્થ સંપત્તિના નાશથી આત્માને કોઇ હાની નથી. જડ એવા ચોવીસ તત્ત્વો તેમાં હું આત્મા જુદો છું. મારામાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, હાથ, પગ, મળ-મૂત્ર, ઈન્દ્રિયો વગેરે નેત્ર, નાસિકા, કાન, જીભ, ત્વચા, મન, બુદ્ધિ, ચીત, અહંકાર, પાન-અપાન, સમાન, વ્યાન, ઉદાન આ સર્વે જડ તત્ત્વોનો ચલાવનારો ચેતન હું આત્મા છું. જેમ રાજા પ્રજાને નિયમમાં રાખે છે. તે રીતે સંતગુરુ ભક્ત જ્ઞાની આ રીતે દેહનો વ્યવહાર કરી આત્માંથી જાણપણે પરબ્રહ્મ અંતર્યામી પરમાત્માને ભજે છે. માટે હે રાજા તું એમ માન કે આ મારું રાજ્ય નથી. અલર્ક મારું નામ નથી. મારે શત્રુ મિત્ર નથી. પૃથ્વી, પ્રજા, સંપત્તિ, સેના, હાથી, ઘોડા, મહેલ, બગીચા આ સર્વે મારું નથી. અથવા મારી સાથે આવવાનું નથી. આટલું જાણી લે પછી તને મારી જેમ ક્યાંય પણ બંધન દુ:ખ નહીં થાય.
દત્તાત્રેય પ્રભુ કહે : કદાચ તને આવું બ્રહ્મજ્ઞાન ન થાય તો સર્વેમાં બ્રહ્મદૃષ્ટિથી જો તો પણ તને નષ્ટ પદાર્થનો શોક નહીં થાય. એવું પણ ન થઈ શકે તો સર્વે કર્તાહર્તા, ધર્તા, ઈશ્વર છે એમ જાણીશ તો પણ નાશવંતનું દુ:ખ નહીં થાય. માટે હે રાજા, આત્મદર્શીને શ્રીહરિ વિના કોઇ રાજ્ય હોતું જ નથી. જેટલું પોતાનું મનાય તેટલું દુ:ખ થાય છે. શરીર પુત્રમાં આત્મબુદ્ધિ છે પરંતુ શરીરના પરસેવાથી થતા લીખ, ટોલા વગેરેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બન્ને શરીરના વિકારથી જ થયેલા છે છતાં પણ આટલો ભેદ રહે છે. ગુરુ દત્તાત્રેય પ્રભુથી આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અલર્ક રાજા શોકરહિત થઈ આત્મચિંતનમાં બેસી ગયો ને મુક્ત સ્થિતને પામ્યો.