રેવાચરૂ - જાલેશ્વર - ૐકારેશ્વર તીર્થની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નૈમિષારણ્ય ક્ષેત્રમાં હિરણ્યનગરીમાં હિરણ્હબાહું રાજા હતો. તેણે ઋષિઓને પૂછ્યું, યજ્ઞ ક્યાં કરવો જોઇએ ? ઋષિએ કહ્યું, પુષ્કરમાં યજ્ઞ કરવાથી કોટીગણુ ફળ થાય છે. પછી રાજાઓ યજ્ઞ માટે સર્વે સામગ્રી તૈયાર કરી તથા દાન આપવા માટે હાથી, અશ્વ, ગાય, ધન, સંપત્તિ, વસ્ત્ર, આભૂષણો વગેરે લઇને યજ્ઞનો આરંભ કર્યો. પરંતુ બ્રહ્મ વિના કોઇ દેવો ઈશ્વરોને યજ્ઞમાં બ્રાહ્મણોએ બોલાવ્યા નહીં. તેથી યજ્ઞમાં દૈત્યો, રાક્ષસો વિઘ્ન કરવા આવ્યા અને યજ્ઞમંડપને ભાંગી નાખ્યો. રાજા કહે, આ લોભી બ્રાહ્મણોએ સૂર્ય, ચંદ્ર, રુદ્ર વગેરે દેવોને યજ્ઞમાં ન બોલાવ્યા. તેથી વિઘ્ન થયું. તેથી રાજાએ બ્રાહ્મણોને શાપ આપ્યો કે, પાણી વિનાના કાંટાવાળા પ્રદેશમાં તમે બ્રહ્મરાક્ષસ થાવ. બ્રાહ્મણોએ પણ રાજાને શાપ આપ્યો કે, તું ક્ષત્રિય હોવા છતાં યજ્ઞનું રક્ષણ ન કરી શક્યો તેથી તું વનમાં ગધેડો, રાક્ષસ થા. તે હિરણ્યબાહું રાજાની આવી સ્થિતિ જોઇને નારદ ત્યાં આવ્યા. ગધેડારૂપે રહેલા રાજાએ નારદને મોક્ષનું કારણ પૂછ્યું. નારદે કહ્યું, નર્મદામાં સ્નાન કરી નારાયણનું સ્મરણ કરજે. તે રીતે રાજા સ્નાન કરી ગધેડાના જન્મથી મુક્તિ પામ્યો. તે રેવાચરૂતીર્થ થયેલું છે ત્યાં જાલેશ્વરતીર્થ પણ છે.
પૂર્વે બ્રહ્મપુત્ર સુપર્ણઋષિ નર્મદા કાંઠે વાસ કરતા. એકવાર તેના પત્નીે ઋતુમાં આવ્યા. પછી પુત્રની માંગણી કરી ત્યાં સુપર્ણ ઋષિએ ઋતુદાન આપી નર્મદામાં સ્નાન કરી જાણતા અજાણતા થયેલા કર્મની ક્ષમા માગી. સમય જતા ઋષિપત્નીને સૂર્ય જેવો તેજસ્વી પુત્ર થયો. પછી સુપર્ણઋષિ અને તેના પત્ની કાંલાતરે પ્રભુની ભક્તિ કરીને પરમપદને પામ્યા.
પૂર્વે ઈન્દ્રદ્યુમ્ન રાજાએ ઋષિઓને પૂછ્યું, યજ્ઞ કરવાનું ઉત્તમ સ્થાન કયું છે ? ઋષિઓ કહે, નીલગંગા, નર્મદામાં ઉત્તરાકાંઠે સાવિત્રીએ તપ કર્યું. તે સ્થાન ઉત્તમ છે પછી ઈન્દ્રદ્યુમ્ન રાજાએ યજ્ઞની સર્વે સામગ્રી હવીષ્યાન્ન અન્ન, ભોજન વગેરે તથા હાથી, અશ્વ, ગાય, વસ્ત્ર, આભૂષણો ધન વગેરે લઇને નર્મદા આવી ત્રીશ યોજનમાં યજ્ઞ મંડપ કરી. બ્રાહ્મણો બોલાવી યજ્ઞમાં વેદ મંત્રોથી હવિષ્યાન્ન હોમવા લાગ્યા. તે યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર, રુદ્રો અગિયાર, બાર સૂર્યો, વિશ્વ દેવો વસુઓ, લોકપાલો વગેરે તથા સર્વે તિર્થો આવ્યા હતા. સર્વને આહુતિ આપી ભોજનથી તૃપ્ત કર્યાં. પછી ઈન્દ્રદ્યુમ્ન રાજાએ ૐકારેશ્વર મહાદેવની મહાપૂજા કરી. બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા. શંકર પ્રસન્ન થઈ રાજાને કહે, વરદાન માંગ. રાજા કહે, તમે અહીં નર્મદામાં લીંગરૂપે સદા વાસ કરી મરેલાનો મોક્ષ કરો. શંકર કહે, તથાસ્તું.
પછી ઈન્દ્રદ્યુમ્ન રાજાએ શ્રીહરિની પૂજા કરી સ્તુતિ કરી કે, હે ગોવિંદ, હે માધવ, હે કંભરાગોપાલ બાલ, હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ, હે પુરુષોત્તમનારાયણ, હે પાર્વતી, હે પ્રભામાણિકીપતિ, હે લક્ષ્મીનારાયણ, હે હંસા જયાનાથ તમને નમસ્કાર. હે અક્ષરેશ, મુક્તેશ અનેક અવતારોને ધારણ કરનારા, બ્રહ્મવ્રતવાળા તમને નમસ્કાર. સાધુ સ્વરૂપ ધારણ કરનારા, અર્ધનારી સ્વરૂપ કર્મફળને આપનારા આનંદના ખજાના રૂપે રહેલા તમને નમસ્કાર. દૃશ્ય-અદૃશ્યરૂપે રહેલા જ્ઞાન આપનારા, દુ:ખ ટાળનારા. હે પ્રભુ, તમારા ચરણમાં સદાવાસ આપો. ઈન્દ્રદ્યુમ્ન રાજાની સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા શ્રીહરિ કહે : રાજા, વરદાન માંગ. ઈન્દ્રદ્યુમ્ન રાજા કહે, અહીં ૐકારેશ્વર તીર્થમાં સદાવાસ કરો, અને અહીં તીર્થમાં આવતા દર્શન કરતા દેહધારીઓનો મોક્ષ કરો. શ્રીહરિ કહે, તથાસ્તુ. એમ કહીને રેવા નદીને કહ્યું અહીં તું સાત પ્રવાહ વાળી થા અને સર્વ જીવનો મોક્ષ કર. તે રીતે રેવા નર્મદા સાત પ્રવાહરૂપે જીવોને સર્વ તિર્થોમયી થઇને મોક્ષ આપનારી થઇ. પછી ઈન્દ્રદ્યુમ્ન રાજા બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે સર્વે દેવોને નમસ્કાર કરી પોતાના રાજ્યમાં ગયો. શંકર કહે, પાર્વતી આ અધ્યાયની જે કથા કહેશે, સાંભળશે તે હજાર ગાયના દાનના ફળને પામશે.