ભાગ · અધ્યાય ૨૧૯–૨૨૦

ચક્રતીર્થ અને ગોમતીસાગર તીર્થ મહાત્મ્ય

આ અધ્યાય 219–220 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ત્યાં પૂર્વે દેવોની પ્રાર્થનાથી વિષ્ણુએ ચક્ર મૂકી પાતાલ પાણી લાવેલા છે તેથી ત્યાં ચક્રતીર્થ તથા ગોમતીસાગર સંગમ તીર્થ થયેલું છે. ભારતની સર્વે નદી તીર્થ છે તે સર્વે ગોમતીસાગરમાં વાસ કરે છે તેથી અહીં જે દાન સ્નાન કરશે તેને અક્ષય પુણ્ય થશે. અંતે પ્રભુની ભક્તિ કરી ધામમાં જશે.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે ગોમતીસાગર તીર્થમાં જે અડધું નારિયેળ તથા દાભડો જે આપશે તેની સ્તુતિ કરશે કે, હે રત્નાકર તું મને ભવસાગર પાર ઉતારજે તથા જલશાયી ભગવાનને સંભારીને દાન કરશે તેની પર લક્ષ્મીનારાયણ ભગવાન પ્રસન્ન થશે. તેમાં સ્નાન કરી સુવર્ણ ભુમિ, અશ્વદાન, વિદ્યાદાન, કન્યાદાન વગેરે આપે તે પરંપદને પામશે તથા અમાસે જે શ્રાદ્ધ કરે તેને પંદર દિવસ સુધી શ્રાદ્ધ કર્યાનું ફળ મળે તથા સર્વે શ્રાદ્ધ ગોમતી સાગર તીર્થમાં કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે.