ભાગ · અધ્યાય ૧૨

બ્રહ્માંડો અને મેરુ પર્વતની ઉત્પત્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માંડોની ઉત્પતિ સાંભળો. બ્રહ્માએ ચોવીસ તત્ત્વવાળા વૈરાટના શરીરથી પિંડો લઇ હાથમાં ચોળી અસંખ્ય અણુ જેવા કર્યા પછી હાથમાં રાખી ફૂંક મારીને ઉડાડ્યા. મહાકાશમાં તે અંડગોળાઓ બ્રહ્માંડો થયા અને સ્થિર રહ્યા. પછી બ્રહ્માએ સંકલ્પ કર્યો દરેક બ્રહ્માંડમાં ચૌદ લોક થાવ. તે રીતે થયા. તે બ્રહ્માંડમાં અતિ અંધારું હતું.

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે દેવો પોતાની યોગ શક્તિથી અંદર પ્રવેશતા હતા. બ્રહ્માએ તેજ તત્ત્વોનો સંકલ્પ કર્યો તેથી બ્રહ્માંડમાં અજવાળું થયું. તેમાં બ્રહ્મા ઉપર સત્યલોકમાં રહ્યા. મધ્યલોકમાં કૈલાશમાં શંકર રહ્યા. પાતાલ નીચે ક્ષીર સમુદ્રમાં વિષ્ણુ વાસ કરતા હતા. બ્રહ્માએ ચૌદ લોક વચ્ચે એક થાંભલો કર્યો તે મેરુ પર્વત. અને પૃથ્વીમાં હિમાલયમાં બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનને જનોના સુખ માટે તપ કરવા રાખ્યા. ત્રણે દેવોના સ્થાનો ભૌતિક આવરણમાં છે.