વૈશ્ય કુટુંબ અને રાક્ષસની સદ્ગતિ ❖ મંદિરમાં સેવા-ભક્તિનો મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એક પક્ષીનું ગંગામાં પડીને મરણ થવાથી વરાહ તીર્થના પ્રભાવથી તેને ધનવાન વૈશ્યને ત્યાં જન્મ થયો. યુવાન થતાં જ તેના માતા-પિતાને કહ્યું, મારે તમારી ઈચ્છા હોય તો યાત્રા કરવી છે અને તીર્થમાં ગાયો અને ધન, ધાન્યના દાન આપવા છે. માતા-પિતાએ કહ્યું, બેટા આ તારો વિચાર બહું સારો છે. કારણ કે મનુષ્ય જન્મમાં માતા-પિતાની સેવા, તીર્થયાત્રા, શ્રીહરિની ભક્તિ તે મોક્ષ આપનારી છે. માતા- પિતા, પત્ની પુત્ર હજારો જન્મમાં મળે છે. પણ સંસારની અસારતા સમજાવી શ્રીહરિની ભક્તિ કરાવી મુક્તિ અપાવે તે માતા-પિતા સત્ય કહેવાય. પછી બધા વૈશાખ સુદ બારસે બદ્રિકાશ્રમમાં ગંગા કાંઠે વરાહ તીર્થમાં આવ્યા. છ માસ સુધી રહ્યા. કાર્તિક સુદ એકાદશી સુધી જપ તપ ભક્તિ કરી દાન આપી. પોતાના પૂર્વજન્મની વાત માતા-પિતાને કરી અને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” એ મંત્ર જપ કર્યો. ત્યાં વિમાન આવ્યું અને તે ચર્તુભુજ સ્વરૂપ ધારણ કરીને પ્રભુના પાર્ષદો સાથે ધામમાં ગયો. તેના માતા-પિતા પણ આ જોઇને આશ્ચર્ય પામ્યા. તેઓ પણ પ્રભુની ભક્તિ કરી અને પ્રભુના ધામમાં ગયા.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મારા મંદિરમાં કોઇ ગાર, માટીથી લીપે તે સકામ હોય તો રાજા થાય. નિષ્કામ હોય તો મારા ધામને પામે. મંદિરમાં સ્નાન માટે, વાસણ ધોવા માટે, રસોઇ માટે, પાણી ભરી લાવે તે જેટલા પાણીના ટીપાં હોય તેટલા વર્ષ સ્વર્ગમાં વાસ કરે છે. જે નર-નારીઓ મંદિર વાળે છે ત્યારે જેટલી રજ ઉડે તેટલા વર્ષ સ્વર્ગમાં વાસ કરી પછી, પૃથ્વી પર રાજા થઇ ભગવાનના ધામને પામે છે. ધૂન કિર્તન કરનારો જેટલા અક્ષરો ધૂન, કિર્તનના હોય છે તેટલા વર્ષ સ્વર્ગમાં વાસ કરી પછી પૃથ્વી પર વૈષ્ણવ રાજા થઇ ભગવાનના ધામને પામે છે.
પૂર્વે એક ચાંડાલ વનમાં મારી મૂર્તિ પાસે કિર્તન કરતો હતો. એકવાર રાક્ષસે આવી ખાવા માટે તેને પકડ્યો. ચાંડાલે કહ્યું, હું કિર્તન બોલી લઉ પછી મને ખાજે. આજે મારે વ્રત છે, જાગરણ છે, પ્રભુને પ્રસન્ન કરવા ગાઉં છું. સવારમાં હું તારી પાસે આવીશ. જો હું ન આવું તો બ્રહ્મહત્યા, ગૌહત્યા, સુરાપાન, વ્યભિચાર, ચોરી આ સર્વનું પાપ મને લાગે. ચાંડાલનું વચન સાંભળી રાક્ષસે ચાંડાલને મૂકી દીધો. ચાંડાલે સવાર સુધી કિર્તન કર્યાં. સવારે શ્રીહરિ વિપ્ર વેશે આવ્યા. ચાંડાલને કહ્યું, રાક્ષસ પાસે ન જતો. ચાંડાલ કહે, સત્યનું મૂળ જગત છે. સત્યને આધારે સર્વ રહેલું છે. હું અસત્ય નહીં બોલું. એમ કહી ચાંડાલ રાક્ષસ પાસે ગયો. રાક્ષસ કહે, તે સત્યનું પાલન કર્યું છે. હવે મને પ્રભુના નામ કિર્તનનું ફળ દે જેથી હું રાક્ષસ યોનીથી મુક્ત થાઉં. ચાંડાલે ભગવાનના કિર્તનનું ફળ આપ્યું તે રાક્ષસ દેહનો ત્યાગ કરી વૈકુંઠધામમાં ગયો. તે ચાંડાલ પણ પ્રભુ ભક્તિ કરી ચતુર્ભુજ થઇને તે પ્રભુની સેવામાં રહ્યો. એ રીતે પ્રભુના નામ, ધૂન, કિર્તન, ભજન, પાપને બાળી, સ્વર્ગ અને મોક્ષને આપે છે.
જે નરનારીઓ મારા મંદિરમાં મારી મૂર્તિ પાસે વાજીંત્ર વગાડે છે, નૃત્ય કરે છે તે મારા ધામને પામી શાશ્વત સુખને પામે છે. તેને હું જાગ્રતમાં મારી મૂર્તિના સુખને પામે છે. હું ગૌદાન કરનારાને ગોલોકમાં મારા મુક્તમંડળમાં વાસ આપું છું. હું અન્નનું દાન કરનારાને અમૃતભોજન આપું છું. જલનું દાન કરનારાને અક્ષરતૃપ્તિ આપું છું. ગંધ પુષ્પનું દાન કરનારાને દિવ્ય શરીરનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ધૂપ-દીપનું કરનારો મારી મૂર્તિ જેવો સુંગધવાળો થાય છે. દીપનું દાન કરનારો સૂર્ય જેવો તેજસ્વી થાય છે. નૈવેધ ફળ અર્પણ કરનારો વૈકુંઠધામને પામે છે. જપ યજ્ઞ કરનારો સાર્વભોમ રાજા થાય છે. મારી સેવા ભક્તિ પરાયણ થનારા નરનારીઓને જે ઈચ્છા હોય તે આપું છું. દેવપણુ દેવીપણુ, ઇશ્વર ઇશ્વરીપણુ, મુક્ત મુક્તાણીપણુ, બ્રહ્મપણુ, કૃષ્ણપણુ, નારાયણ નારાયણીપણુ, અવતારપણુ જેવી ભક્તિ જેવુ પુણ્ય તે પ્રમાણે સર્વે આપું છું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું સર્વ આપવા સમર્થ છું. એમ પરમધામમાં હું પુરુષોત્તમ રૂપે રહેલો છું. ભક્તને મારું દાસપણું દુર્લભ છે. તે દાસપણું હું મારા ભક્તને શાશ્વત આપું છું.