ધૂતપાયાએ તપ કરી ધર્મદેવને પતિરૂપે પ્રાપ્ત કર્યા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જ્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સ્નાન કર્યું છે, બેઠા છે. તે કાશીમાં પંચગંગા તીર્થમાં વેદશીરા મુનિ તપ કરતા હતા. ત્યાં શુશી અપ્સરા આવી. મુનિનો સત્વ પાણીમાં પડ્યો. શુશીએ પીધો. ગર્ભ રહ્યો. મુનિ કહે, જેનું મન સંસારમાં આશક્ત નથી તેને દોષ લાગતો નથી, શુશી ગર્ભને જન્મ આપી કન્યાને મુનિ પાસે મુકી સ્વર્ગમાં ચાલી ગઇ. મુનિએ કન્યાને મૃગલીનું દૂધ પાઇ મોટી કરી. દશ વર્ષની થઇ પછી પિતા વેદશીરાએ કન્યા ધૂતપાયાને પૂછ્યું, તને કોની સાથે પરણાવું ? ધૂતપાયા કહે, જે પવિત્ર હોય, આ લોક-પરલોક સુખ, શાંતિ, આનંદ આપનાર હોય, જે ક્યારે પણ નાશ ન થાય, જે સર્વે આપત્કાળથી રક્ષા કરે, જે સદા પડખે રહે, જેની પાસે ભય નથી, જેને આધારે સર્વે બ્રહ્માંડો રહે છે. એવા ગુણો જેમાં હોય તેની સાથે મને પરણાવો.
મુનિ કહે, બેટા તારા જેવી પુત્રી તો કુળનો ઉદ્ધાર કરે છે. તું ધર્મવાળી અને જ્ઞાનવાળી છો અને એવા જ્ઞાનવાળા તો ધર્મદેવ છે. તે તો તપ કરવાથી પ્રાપ્ત થાય અથવા બહું જન્મના પુણ્ય હોય તો પ્રાપ્ત થાય. પિતાનું વચન સાંભળી ધૂતપાયાએ કઠીન તપશ્ચર્યા કરી. ઉનાળામાં પંચાગ્નિ તાપે. શિયાળામાં પાણીમાં બેસે. ચોમાસામાં વર્ષાધારે રહે. ખાવાપીવાનું છોડી દીધું. તપથી બ્રહ્મા પ્રસન્ન થઇ કહે, વરદાન માંગ. ધૂતપાયા કહે, મને સર્વેથી અતિ પવિત્ર કરો. બ્રહ્મા કહે, તારા જેવી તપસ્વી કન્યાના રોમરોમમાં તિર્થો રહેલા છે. અડસઠ તિર્થો પણ તારા શરીરમાં રહેલા છે. એમ કહી બ્રહ્માએ આશિર્વાદ આપ્યા. બીજા જન્મમાં તું ધર્મપત્ની મૂર્તિદેવી દક્ષને ત્યાં પ્રગટ થઈશ અને તારે ત્યાં શ્રીહરિ પ્રગટ થશે. ધૂતપાયા પિતા પાસે ગઇ, પિતા જાણી ખુશી થયા. પછી ધૂતપાયા ધર્મદેવની પતિભાવે સેવા પૂજા કરવા લાગી. ધર્મદેવ આવી વેદશીરા મુની પાસે આવી કન્યાની યાચના કરી. મુનિએ આપી. ધર્મદેવ ધૂતપાયાએ દિવ્યરૂપે ગંગા નદીમાં વાસ કર્યો. તે ધર્મનદ તીર્થ કહેવાય છે. સૂર્યએ ત્યાં તપ કર્યું. તેને પરસેવો વળ્યો તેની કિરણા નામે નદી થઇ. તે કિરણા, ગંગા, યમુના, સરસ્વતિ અને ધૂતપાયા આ નદી ભેગી થવાથી પંચગંગા તીર્થ થયેલું છે. ત્યાં દાનપુણ્ય, પિતૃતર્પણ કરવાથી સર્વ પાપથી રહિત થવાય છે.
એકવાર ધર્મદેવ ચાતુર્માસમાં પંચનદ તીર્થમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથાપારાયણ વાંચતા હતા. તેમાં દેવો, ઋષિ, મુનિઓ પિતૃઓ, માનવો, સર્વ કથા શ્રવણ કરવા આવ્યા. ત્યારે ધૂતપાયાએ સંકલ્પ કર્યો. જો હું ધર્મદેવની પતિવ્રતા ધર્મવાળી હોઉં તો પચાસ ગાઉંના નગરની રચના અને ખાવા-પીવાની સર્વે વસ્તુથી ભરપુર થાઉં. ત્યાં દૂધ દહીંનાં, ઘી, મધના કુંડ, અન્ન, સાકરના પર્વતથી યુક્ત નગરીની રચના થઈ. પૃથ્વીના સર્વે રાજાઓ સમૃદ્ધિઓ જોઇ આશ્ચર્ય પામ્યા. ચતુર્માસ કથાયજ્ઞ, હોમહવન, યજ્ઞભોજન યજ્ઞ થતા તેમાંથી શ્રીહરિની દેવીઓ દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી, સાવિત્રી, રાધા, જયા, લલિતા, દયા, રમા, પદ્મા, પાર્વતી, પ્રભા, હંસા, મંજુલા, શાંતિ, શાંતા, પદ્મિની, હેમલતા, મુક્તા, મૌકિત દેવી સર્વે સેવામાં હતા. કથાને અંતે સર્વેને ધર્મદેવે દાન, દક્ષિણાઓ, ભેટ વગેરે આપ્યા. યજ્ઞને અંતે સર્વે સમૃદ્ધિ અદૃશ્ય થઇ.