શ્રીહરિને પ્રિય હરિવાસર વ્રતવિધિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શ્રીકૃષ્ણએ શંખાસુરનો નાશ કરી શંખોદ્ધાર તીર્થ કરેલું છે. ત્યાંથી પિંડારકતીર્થમાં અગસ્ત્ય ઋષિનું તળાવ છે. પૂર્વે બ્રહ્માએ ત્યાં યજ્ઞ કરેલો ત્યારે દૈત્યોએ યજ્ઞમાં વિઘ્નો કર્યા, વિષ્ણુએ ચક્રથી દૈત્યોના હાથ કાપી નાખ્યા તેથી પિતૃઓ ત્યાં પિંડદાનની ઈચ્છા કરે છે. ત્યાં એકાદશી, દ્વાદશીએ જાગરણ કરવું, જેથી ભક્તની ઉપર પ્રભુની પ્રસન્નતા થાય. એક વખત શંકર રાત્રે ડમરુ વગાડીને નૃત્ય કરવા લાગ્યા. પાર્વતીએ પૂછ્યું, અત્યારે ડમરુ શા માટે વગાડો છો ? શંકર કહે : આજે હરિવાસર છે. એટલે શ્રીહરિને એકાદશી વ્રત્ત જેટલું પ્રિય છે, તેટલું જ હરિવાસર વ્રત પ્રિય છે. તે દિવસે ઉપવાસ કરી રાત્રે વાજિંત્રો સહિત ધૂન, કિર્તન, નૃત્ય પ્રભુ પાસે, પ્રભુની પ્રસન્નતા માટે કરવા, સર્વે તીર્થો, યજ્ઞો કરવાથી પણ જાગરણમાં સર્વે દેવો આવે છે તથા કૃષ્ણવલ્લભ આવે છે. નરનારીઓ જાગરણ કરવાથી પ્રિય થાય છે. આ પ્રમાણે શંકર-પાર્વતી કૃષ્ણવલ્લભમાં વિરામ પામ્યા.