ભાગ · અધ્યાય ૪૫૦

પાર્વતીના પયોવ્રત તપથી સ્વયં શ્રીકૃષ્ણ પુત્ર ગણેશરૂપે થયા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકરને પાર્વતીની પવિત્ર કથા સાંભળો. પાર્વતીને પુત્રની ઈચ્છા થઈ એટલે શંકરને કહ્યું. પાર્વતીને ઋતુદાન સમયે દેવો, દૈત્યો, રક્ષણ માટે શંકર પાસે આવ્યા. શંકરનો સત્વ વ્યર્થ જવાથી પૃથ્વી ઉપર પડ્યો. તેના સોના-ચાંદી થયા. રતિભંગ થવાથી પાર્વતીએ દેવોને શાપ આપ્યો કે, તમે પણ સત્વહિન ને પુત્ર વિનાના રહેશો. પછી શંકરે પાર્વતીને પુત્ર ફળ આપનારું પુષ્યક નામનું પયોવ્રત કરવાનું કહ્યું. એક વર્ષનું આવું વ્રત શ્રીહરિનો મંત્ર ગ્રહણ કરી માઘ સુદ તેરસથી આરંભ થાય. છ માસ એકટાણું જમવું, પાંચ માસ દૂધ ફળાહાર. પંદર દિવસ એકટાણું. પંદર દિવસ દૂધ એ રીતે એક વર્ષ વ્રત કરી હોમ કરી સાધુ-બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપવી. પાર્વતી પયોવ્રત કરીને ઋષિ-મુનિઓને જમાડીને દક્ષિણા આપતા હતા. ત્યાં સનકાદિક કહે, અમને દક્ષિણામાં ભગવાન શંકર આપો. પાર્વતી મૂંઝાણા શું કરવું. શંકરને દાનમાં આપું તો પુત્ર કેમ થાય ? બીજ ન હોય તો વૃક્ષ કેમ થાય ?

શંકર કહે, એક મુહૂર્તમાં દાન ન આપતો બે ગણું થાય. ને એક દિવસ ન આપ તો ચાર ગણુ થાય, માટે જલ્દી કરો. બ્રહ્મા કહે, દાન આપી ધર્મનું રક્ષણ કરો ધર્મ કહે, શંકરનું દાન આપી મારું રક્ષણ કરો. પાર્વતી કહે, જો હું શંકરને દાન આપું તો મારે વ્રત, તપ, જપ, સર્વે વ્યર્થ જાય. પાર્વતી કહે, સૃષ્ટિમાં ક્યાંય એવું સાંભળ્યું નથી કે સ્ત્રીએ પતિનું દાન કર્યું. ત્યાં લક્ષ્મીનારાયણ ભગવાન આવ્યા. સર્વે દેવોએ લક્ષ્મીનારાયણની પૂજા કરી. ભગવાને નિર્ણય કર્યો. દાનના બદલામાં સોનું, ચાંદી જેમ યજ્ઞમાં વિપ્રોને અપાય છે. તેમ પતિદાનમાં, પત્ની દાનમાં, પુત્રદાનમાં અથવા પોતાના દાનના બદલામાં ગૌદાન આપવાથી કર્મફળ પૂર્ણ પ્રાપ્ત થાય છે. માટે પાર્વતી પહેલા શંકરને દાનમાં આપી પછી સોનું ચાંદી ગૌદાન આપી શંકરને પાછા પ્રાપ્ત કરી લેજો. ત્યારે પાર્વતીએ શંકરને દાનમાં આપીને એક લાખ ગાયો આપીને કહે શંકરને પાછા આપો.

ત્યારે સનકાદિકો કહે, અમારે ગાયો નથી જોતી. અમારે તો ભગવાન શંકર જોઇએ છે. પાર્વતી કહે, તો હું અત્યારે જ શરીરમાંથી અગ્નિ પ્રગટ કરીને બળી મરું. એમ કહીને અગ્નિ પ્રગટ કર્યો. ત્યાં તો તરત જ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પ્રગટ થઈ સતીનો હાથ જાલી લીધો અને કહ્યું હું પોતે તમારા પુત્રરૂપે પ્રગટ થઈશ. એમ કહીને શ્રીહરિએ સતીને શંકર સોંપ્યા. પછી શંકર પાર્વતી સાથે રમ્યા. ત્યાં શ્રીકૃષ્ણનારાયાણ ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ કહે, માતા ભિક્ષા આપો એમ કહીને બાળકરૂપે થઈ ગયા. એ રીતે પાર્વતીના વ્રતથી શ્રીકૃષ્ણનારાયણ ભગવાન ગણેશરૂપે થયા. સતીના અધ્યાયની જે કથા કહેશે, સાંભળશે તે સૌભાગ્ય અને પુત્ર પ્રાપ્ત કરશે.