ભાગ · અધ્યાય ૪૫૪

પતિવ્રતા બંદુલા પતિ વિદૂર સાથે વૈકુંઠધામમાં ગઇ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પતિની આજ્ઞા શુભ હોય કે અશુભ, ધર્મ હોય કે અધર્મ વચન હોય પણ તેનું પાલન કરવાથી પતિવ્રતાનું ફળ મળે છે. દક્ષિણ દેશમાં જંગલી શુદ્ર પ્રજા ખેતી કરી જીવન વિતાવતી હતી. ત્યાં એક વિદુર બ્રાહ્મણ રહેતો. તે પણ શુદ્રની સાથે રહેવાથી સાથે ખાવાથી ધર્મકર્મથી રહિત થયો અને એક શૂદ્ર સ્ત્રી સાથે તેનો વહેવાર થયો. તેને ધન આપતા બ્રાહ્મણ પાસે કાંઇ ન રહ્યું. ત્યારે પોતાની પતિવ્રતા બંદુલાને કહે, કોઇ શ્રીમંતની સેવા કરી ધન લઇ આવ. બંદુલા પતિની આજ્ઞાથી શ્રીમંતની સેવા કરી ધન કમાઇને પતિને આપ્યું. બ્રાહ્મણ પેલી શૂદ્રીને વહેવારમાં આપતો. એકવાર તે ગામમાં કથાકાર આવ્યો. કથા સાંભળીને સર્વેજનો સંસ્કારી થયા. ભજનભક્તિ કરવા લાગ્યા. પેલા વિદુર બ્રાહ્મણને પણ પસ્તાવો થયો અને પોતે પણ શુદ્ધ થઈ સ્નાન, સંધ્યા, જપ, તપ ધર્મકર્મ કરવા લાગ્યો. ત્યાં તેના દેહનો અંત આવ્યો અને યમદૂતો દેખાણા. વિદુર રાડો પાડવા લાગ્યો.

પત્ની કહે, કેમ રાડો પાડો છો. બ્રાહ્મણ કહે, યમદૂતો મને લઇ જાય છે. પત્ની હાથમાં પાણી લઇને કહે જો મેં પતિને પરમેશ્વર માનીને સેવા કરી હોય તો યમદૂતો ચાલ્યા જાવ. તરત જ યમદૂતો ચાલ્યા ગયા. પછી બીજીવાર પાણી હાથમાં રાખીને કહે જો મેં પતિવ્રત ધર્મપાલન કર્યો હોય તો કર્મફળથી મારા પતિની સદ્ગતિ થાય. ત્યાં વિષ્ણુ પાર્ષદો આવી વિમાનમાં બેસાડી તેના પતિને વૈકુંઠમાં લઇ ગયા. ફરી બંદુલાએ સંકલ્પ કર્યો. મેં પતિને રાજી કર્યા હોય તો હું પતિની સાથે જાઉં. તરત જ બંદુલાનો દેહ પડી ગયો. દિવ્યદેહે પતિ સાથે ધામમાં ગઇ. તે વિમાનમાં બેઠેલા દંપતીને જોઇને કથાશ્રવણ કરનારાઓએ દિવ્ય ચમત્કાર કથાનો માની, પ્રભુ ભજનનો મહિમા માની સર્વે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્ર ગ્રહણ કર્યો તથા કથાકારે પતિવ્રતાનો મહિમા કહ્યો. કથાના વક્તાને તથા શ્રોતાને લક્ષ્મીનારાયણ ભગવાનના દિવ્ય દર્શન થયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કૃષ્ણનારાયણની કથાથી ચિત્ત નિર્મળ થાય છે. ચિત્ત નિર્મળ થવાથી પ્રભુનું ધ્યાન થાય છે. પ્રભુના ધ્યાનમાં એકાગ્રતામાં, માયાના રાગ અને દોષોની નિવૃત્તિ થાય છે. માયાના દોષોની નિવૃત્તિ અને પ્રભુની સેવા ધ્યાન ભજન, ભક્તિ તેને જ મોક્ષ કહેલો છે. અનેક જન્મના પાપોને, તાપને, અજ્ઞાનને બાળનારી, ટાળનારી પ્રભુની કથા રોજ રોજ સાંભળવી, મૂહુંર્ત ઘડી, અડધી ઘડી પાવનકારી કથા સાંભળવી. કથાના વક્તા જ્ઞાન આપનારા, મોક્ષ આપનારા ગુરુના ગુરુ છે. કથા શ્રવણથી વાસનાનો લય થાય છે અને ભક્તિભાવના ઉદય થાય છે.