જૂનાગઢના તીર્થોનું વર્ણન - મહિમા
આ અધ્યાય 142–143 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે હું તમને વામન પ્રભુની કથા કહું. પ્રહલાદનો વીરોચન થયો તેનો બલીરાજા થયો. તેણે ગીરનારની દૈવીભૂમિમાં યજ્ઞ કર્યો. જ્યાં નારાયણ ધરો, દામોકુંડ, સ્વર્ણરેખા નદી જેવા મહાન તીર્થો રહેલા છે. જે સૂર્યપુત્ર રૈવત તે હિમાલયમાંથી પર્વત લાવ્યો તેથી રૈવતાચલ નામ થયું. જ્યાં સર્વે અવતારો વાસ કરે છે. યોગિનીઓને રહેવાનું ધામ છે. જ્યાં દેવ-દેવીઓ કૃષ્ણપ્રિયાઓ વાસ કરે છે. રાધામંદિર છે. જે રૂકમાંગદ રાજાએ રાજધાની સ્થાપી છે. અનેક ફળફૂલવાળા વૃક્ષોથી શોભતું વન. જ્યાં બ્રહ્મકુંડ ભવેશ્વર મહારાજ બિરાજે છે. જ્યાં ચક્રતીર્થ છે. જ્યાં કાર્તિક માસમાં લાખો યાત્રાળુઓ પ્રદક્ષિણા કરવા આવે છે. જ્યાં જપ કરવાથી સ્વર્ગ મળે છે. ગીરનાર પર્વત જ સ્વર્ગ સમાન છે. જ્યાં અનેક સાધુ-સાધ્વીઓ રૂપે દેવ-દેવીઓ વિચરે છે. જ્યાં કાર્તિક માસમાં સર્વે અવતારો બ્રહ્માદીક ઇશ્વરો-દેવો પ્રદક્ષિણામાં આવે છે. જ્યાં પરબ્રહ્મ શ્રીહરિનું મંદિર રહેલું છે. તેમાં હરિકૃષ્ણ, રાધા-રમણ-રણછોડરાય, ત્રિકમરાય, સિદ્ધેશ્વર, હનુમાન, ગણપતિ બિરાજી ભક્તોના સંકલ્પ પૂર્ણ કરી મોક્ષ પ્રદાન કરે છે. જ્યાં ગયરાજાએ પૂર્વે યજ્ઞ કરી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. જ્યાં ઋષિઓ તપ કરીને, ભક્તો ભક્તિ કરીને તથા યાત્રાળુ દાન કરીને વિષ્ણુના પાર્ષદો સાથે વિમાનમાં બેસી ધામમાં જાય છે. એવું આ તીર્થ છ ગાઉનું વસ્ત્રાપથ નામે પ્રસિદ્ધ છે. જે ગીરનારની પશ્ચિમે વામનસ્થલી આવેલી છે. આવી ગીરનારની પવિત્ર ભૂમિમાં બલીરાજાએ યજ્ઞ કરવાનો શુભ સંકલ્પ કર્યો.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જે ગીરનારની પૂર્વે અશ્વપટ સરોવર કુંકુમવાપી રહેલું છે. ઉત્તરમાં ભદ્રાવતી નદી વહે છે. દક્ષિણમાં સોમનાથ રહેલા છે. એવા ગીરનાર પર અનેક અવતારો દેવ-દેવીઓનો વાસ રહેલો છે.