ભાગ · અધ્યાય ૨૫૮

આસો વદની ઇન્દિરા એકાદશી - ઇન્દ્રસેન રાજાની કથા

લક્ષ્મી કહે : હે સર્વેના નિયામક સ્વામિનારાયણ, આસો વદ એકાદશીનું નામ તથા તેના વ્રત-વિધિ કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આસો વદ ઇન્દિરા એકાદશીનો વ્રત વિધિ કથા કહું : સ્નાન કરી ઉપેન્દ્ર ભગવાનનું પૂજન ષોડ્શોપચારથી કરી વસ્ત્ર આભૂષણો ધરાવી, નૈવેધમાં જલેબી, ફળમાં આંબળા વગેરે ધરાવવા. થાળીમાં તલ, સાકર મૂકીને ગણેશ પૂજન કરવું. પછી શ્રીકૃષ્ણનું પૂજન કરી મૂર્તિ હૃદયમાં ધારવી. પિતૃઓને સંભારીને અનેક પ્રકારના દાન આપવા. બપોર પછી પિતૃઓના નામ લઇ શ્રાદ્ધ કરવું. દૂધ, પેંડા, ફળફુલ વગેરે અર્પણ કરવા. ધૂન-કિર્તન ઉત્સવ કથા-વાર્તા કરીને જાગરણ કરવું. બારસે સાધુ-સાધ્વી, બ્રાહ્મણો અનાથ બાળકોને જમાડી દાન દેવા.

પૂર્વે નર્મદા કાંઠે ઇન્દ્રસેન રાજા ધર્મથી પ્રજાપાલન કરતો ભક્તિ પરાયણ હતો. તેને ત્યાં એકવાર નારદ આવ્યા. રાજા પગે લાગી કહે : આજ મારો જન્મ, રાજ્યકુળ સફળ થયું. તમે મારે ત્યાં પધાર્યા. જેના ઘરમાં સંત પગલાં નથી થતા તે ઘર સ્મશાન તુલ્ય છે. નારદ કહે : હું ધર્મરાજાની સભામાં ગયો હતો. ત્યાં તારા પિતૃઓ ચંદ્રસેન વગેરે નિસ્તેજ બેઠા હતા. તેણે કહ્યું : મારા પુત્રને કહે : જો ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને સાધુ-બ્રાહ્મણોને જમાડી દાન આપી તે પુણ્ય અમને આપે જેથી અમારો મોક્ષ થાય. એમ કહી નારદજી આશીર્વાદ આપી ચાલ્યા ગયા. ઇન્દ્રસેન રાજાએ ઇંન્દિરા એકાદશીનું વ્રત કરી શ્રીકૃષ્ણનું પૂજન કરી. નૈવેધ ધરી સાધુ-બ્રાહ્મણોને જમાડી અનેક પ્રકારના દાન આપ્યા ત્યારે નારદજીએ આવી કહ્યું. એકાદશીના વ્રતના પુણ્યથી તારા પિતૃઓ સ્વર્ગમાં ગયા. ઇન્દ્રસેન પણ શ્રીહરિની ભક્તિ કરી અંતે વૈકુંઠ ધામને પામ્યો.