નાગમતિમાં સ્નાનથી મેનકા અને વિશ્વામિત્રના શાપનું નિવારણ - દેવગુરુ બૃહસ્પતિના શાપથી ઇન્દ્રની સંપત્તિ અને ગર્વ નાશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આનર્ત સૌરાષ્ટ્રમાં ચમત્કારપૂરમાં નાગમતિમાં સ્નાન કરવાથી માનવો મોક્ષ મેળવે છે. ચૈત્ર સુદ ત્રીજને રવિવારે બપોરે એક મૃગલી તેમાં પડી મરી ગઇ. મેનકા અપ્સરા થઈ. ત્યાં વિશ્વામિત્ર ન્હાવા આવ્યા. મેનકાને સર્વગુણે સંપન્ન રૂપયૌવન યુક્ત જોઇ પૂછ્યું. તારામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર, પ્રિતી સર્વે છે. તેનું કારણ શું ? મેનકા કહે, અમે ઋષિ-મુનિ, તપસ્વી, ગૃહસ્થો, સંતોની સેવા કરી આશિર્વાદ મેળવીએ છીએ. તેથી અમે સદા સ્વર્ગમાં વાસ કરીએ છીએ. અમે કામસુખ સમાન બીજુ પુણ્ય માનતા નથી. અને રતિભંગ સમાન કોઇ પાપ નથી.
ધન, વસ્ત્ર, આભૂષણ, ભોજન તથા દેહસેવાથી પરલોકમાં સુખ પ્રાપ્ત કરે છે. જે આ લોકમાંથી બીજાને દુ:ખ આપે છે તે પરલોકમાં દુ:ખ પામે છે. બ્રહ્માએ સંસારમાં ત્રણ પ્રકારની નારીઓનું સર્જન કર્યું. એક વિવાહિતા પતિ પરાયણ, બીજી અમે અપ્સરા સર્વ સેવાપરાયણ, ત્રીજી બ્રહ્મચર્ય પરાયણ સાધ્વીઓ કામકર્મથી રહિત. તેથી અમે અપ્સરાઓ, દાસી, કીંકરી, દેવીઓ કહેવાય છે. તમારા જેવા ઋષિને પ્રસન્ન કરી, સેવા કરી, આશિર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. જો તમારી ઈચ્છા હોય તો તમને ભગવાન માની તમારી સેવા કરીએ. વિશ્વામિત્ર કહે, તું સ્વર્ગની દેવી મારાથી દૂર રહે મારે બ્રહ્મચર્ય વ્રત છે. સ્ત્રી અગ્નિસમાન છે. પુરુષ હરિસમાન છે. સ્પર્શ કરવાથી પિગળે છે. મેનકા કહે, નરનારાયણ ભગવાનની પુત્રી ઉર્વશીને જોઇને સ્વર્ગ અપ્સરા ઝાંખી પડી તે જોઇને ઈન્દ્રે પ્રભુ પાસે ઉર્વશીની માગણી કરી. ઉર્વશી કહે, મારે સ્વર્ગમાં જઈને દેવોનો સ્પર્શ નથી કરવો.
નરનારાયણ ભગવાન કહે, સ્વર્ગમાં રહેનારી અપ્સરાઓને દેવોની સેવા કરવામાં પાપ થતું નથી અને યમપુરી ભોગવવી પડતી નથી. તેથી હે મુનિ તમે મને ગ્રહણ કરો અને તમારો બ્રહ્મચર્યની હઠ તજી દો. વિશ્વામિત્ર તે સ્નાન તજી ચાલતા થયા. ત્યારે મેનકાએ વિશ્વામિત્રને શાપ આપ્યો. તમે કામધર્મને નથી જાણતા માટે વૃદ્ધ થઈ જાવ. મુનિએ પણ શાપ આપ્યો. તું પણ યુવા અવસ્થાના વેગમાં શાપ આપે છે. તેથી તું પણ વૃદ્ધા થા. પછી તે બન્ને નાગમતી નદીમાં સ્નાન કરી શાપ નિવારણ પામ્યા. હવે ચમત્કારપુરમાં જે ઈન્દ્રના ગર્વનો નાશ થયો તે સાંભળો.
એકવાર ઈન્દ્રને અભિમાન આવવાથી ગુરુ બૃહસ્પતિનું ઉભા થઈ સન્માન ન કર્યું. બૃહસ્પતિએ શાપ આપ્યો. તારી સંપત્તિ નાશ પામશે. પછી ઈન્દ્ર મોહથી અહલ્યા પાસે ગયો. ત્યાં ગૌતમે શાપ આપ્યો તેથી પદભ્રષ્ટ થઈ વનમાં રખડતો. ગુરુએ કૃપા કરી યજ્ઞ કરાવી ફરી ઈન્દ્રને ગાદીએ બેસાડ્યા. ત્યાં સ્વર્ગમાં બંગલાની સજાવટમાં વિશ્વકર્માને છુટા થવા દેતો નથી. ત્યાં નારાયણ બ્રાહ્મણ બાળકરૂપે આવી ઈન્દ્રને કહે, તું આટલા બધા કામમાં શું અવરાઈ ગયો છો ? ઈન્દ્ર કહે, તમે કોણ છો ? નારાયણ કહે : તારા જેવા કેટલા ઈન્દ્ર, બ્રહ્મા, વૈરાટ, મહાવિષ્ણુને જોનારો હું છું. ત્યાં કીડીની હાર નીકળી અને કહ્યું, જો કર્મથી કીડીઓ થાય. મનુષ્યો થાય, દેવ થાય, અને ઋષિ થાય. તારું આયુષ્ય પુરું થવા આવ્યું છે. તેથી હું તને કહેવા આવ્યો છું. ત્યાં લોમશઋષિ આવ્યા ઈન્દ્રે પગે લાગી પૂછ્યું. ક્યાંથી આવો છો ? લોમશઋષિ કહે, વૈકુંઠમાંથી પ્રભુના દર્શન કરી આવું છું. ઈન્દ્ર કહે, તમારો આશ્રમ કયા છે? લોમશઋષિ કહે, મહાકાળ ચારેકોર ફરે છે. ત્યાં આશ્રમ કયાં કરવો. આ તૃણની સાદડી પાથરી બેસી જાઉ. ઠંડી લાગે તો ઓઢી લઉં. વરસાદમાં પણ રક્ષણ થાય. ઈન્દ્ર કહે, તમારી આયુષ્ય કેટલી ? લોમશઋષિ કહે, કાંઈ ખબર નહીં. તારા જેવાં ઈન્દ્ર એક ગાદી પરથી ઉતરે એટલે છાતીમાંથી એક રોમ કાંઢી ફેંકી દઉં. એમ કહીને ઈન્દ્રને “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્ર આપી લોમશ અને નારાયણ બન્ને અદૃશ્ય થયા. પછી ઈન્દ્ર નારાયણનો જપ કરી અંતે મોક્ષમાં ગયો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ અધ્યાયની કથા વાંચશે, સાંભળશે તેના ગર્વ અભિમાનનો નાશ થઈ પરમ ભક્તિને પામી મોક્ષને પામશે.