ભાગ ૧ · અધ્યાય ૨૩૭
એકાદશી વ્રત-જાગરણ મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સર્વે એકાદશીનું વ્રત કરીને એકાદશીને દિવસે નિદ્રા ન કરવી. રાત્રે પણ જાગરણ થાય ત્યાં સુધી કરવું. એકાદશીએ અન્નના આહારથી ઇન્દ્રિયો પુષ્ટ થઇ અને રજોગુણમાં પ્રવર્તે છે. તે નિદ્રા કરવાથી સ્વપ્નમાં વીર્યપાતથી એકાદશીનું ફળ મળતું નથી. મનમાં શ્રીહરિનું ધ્યાન કરીને શ્વાસે શ્વાસે શ્રીહરિનું નામ લે છે તેને ચારગણું ફળ થાય છે. રાત્રિના છેલ્લો પ્રહર, સવારનો પહેલો પ્રહર એટલે બ્રહ્મ મુહૂર્ત. સવારના ચારથી સાત વાગ્યા સુધી ત્રણ કલાક સતત શ્રીહરિનું નામ રટણ કરનારને એકાદશીએ અસંખ્ય ગણું ફળ થાય છે. આળસ-પ્રમાદને તજીને શ્રીકૃષ્ણની આગળ વાજિંત્રો સહિત ધૂન- કિર્તન ઉત્સવ કરી પ્રભુની પાસે નૃત્ય કરવું. પ્રભુ પાસે નાચનારની કોઇ મશ્કરી કરે તો પોતાની એકવીશ પેઢીને નરકમાં નાખે છે. એકાદશીના જાગરણમાં શ્રીહરિની કથા વાંચવી અથવા સાંભળવી.